Get The App

ટ્રમ્પની જાહેરાત બાદ પણ યુદ્ધ ન રોકાયું! ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો, જાણો ટોપ-10 અપડેટ્સ

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની જાહેરાત બાદ પણ યુદ્ધ ન રોકાયું! ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો, જાણો ટોપ-10 અપડેટ્સ 1 - image

Israel-Iran Conflict Escalates: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને હવે 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર હુમલા નહીં કરે. જોકે જાહેરાત બાદ પણ ઈરાનમાં હુમલા થઈ રહ્યા છે. 

ટ્રમ્પે દાવો કર્યો છે કે અજ્ઞાત ઈરાની અધિકારીઓ સાથે તેમની સારી વાતચીત થઈ છે અને ઈરાન ડીલ કરવા માંગે છે. બીજી તરફ ઈરાનનો દાવો છે કે ટ્રમ્પ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને તેલ-ગેસ માર્કેટમાં ફાયદો મેળવવા ખોટા દાવા કરી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ જ વાતચીત થઈ નથી. 

1. ઈરાને 24 માર્ચની વહેલી સવારે ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. યરૂશલમની ઉપર જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો.  

2. ઈઝરાય લના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વાત કરી છે. ટ્રમ્પનું માનવું છે કે મળેલી સૈન્ય સફળતાને એવી ડીલમાં બદલી શકાય છે જે ઈઝરાયેલના હિતોનું રક્ષણ કરે.

3. આ પહેલા ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલાની યોજના 5 દિવસ માટે રોકવાની જાહેરાત કરી હતી. ઈરાને આ વાત નકારી છે અને દાવો કર્યો છે કે ટ્રમ્પ તેલ-ગેસ બજારમાં હેરફેર કરવા જંગ ટાળી રહ્યા છે.

4. સોમવારે પોલિટિકોના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ સરકાર ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘાલીબાફને સંભવિત પાર્ટનર અને ભવિષ્યના નેતા તરીકે જોઈ રહી છે.

5. સીરિયાની સેનાએ કહ્યું કે તેના ઉત્તર-પૂર્વમાં આવેલા સૈન્ય અડ્ડા પર ઈરાકથી મિસાઈલ વડે હુમલો કરાયો છે.

6. ઈઝરાયલના એક હુમલામાં લેબનાનની રાજધાની બેરૂતના દક્ષિણી પરાં વિસ્તારોને નિશાન બનાવાયા હતા. આ હુમલો હિઝબુલ્લાહના માળખાને તોડવા માટે કરાયો હતો.

7. ઈઝરાયલની "ડેવિડ સ્લિંગ" એર ડિફેન્સ સિસ્ટમમાં ખામી આવતા ઈરાનની બે બેલેસ્ટિક મિસાઈલો દેશના દક્ષિણ ભાગમાં પડી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.

8. ઈઝરાયલી સેનાએ તેહરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલા એવા ઠેકાણા પર હુમલો કર્યો જ્યાંથી બસીજ અર્ધસૈનિક દળોને નિર્દેશ અપાતા હતા. આ પહેલા બસીજના ઈન્ટેલિજન્સ ચીફ અને કમાન્ડર સુલેમાની પણ માર્યા ગયા હતા.

9. બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે કહ્યું કે ઈરાનની મિસાઈલોનો સામનો કરવા બ્રિટન મિડલ ઈસ્ટમાં એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે. 

10. ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસે મિડલ ઈસ્ટમાં જરૂરી માળખાકીય સુવિધાઓ પરના યુદ્ધને રોકવા માંગ કરી છે અને પરમાણુ સુવિધાઓને નુકસાન થવા બાબતે ચેતવણી આપી છે.