Get The App

ઇરાને અમેરિકા સાથેની વાર્તા અટકાવી: હોર્મુઝ ફરી બંધ

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઇરાને અમેરિકા સાથેની વાર્તા અટકાવી: હોર્મુઝ ફરી બંધ 1 - image

- ઈઝરાયેલે લેબનોનમાં ઘૂસીને હુમલા કરતા બાજી બગડી: ક્રૂડ ઓઇલ સાત ટકા ઉછળીને 93 ડોલરને પાર

- ઇરાને એમક્યુ-1 તોડી પાડતા અમેરિકાએ ઇરાનના બે શહેરો પર એટેક કર્યા: અમેરિકાએ ઇરાનની જે 69 મિસાઇલ સાઇટ્સ પર હુમલો કર્યો હતો તેમાંથી 50 ફરીથી શરૂ

- કુવૈતમાં અમેરિકાના મધ્યપૂર્વ કમાન્ડ પર ઇરાનનો મિસાઇલ અને ડ્રોન એટેક 

તહેરાન,વોશિંગ્ટન : ઇરાને અમેરિકા માટે વાટાઘાટો અટકાવી દીધી છે અને હવે તે હોર્મુઝની ખાડીને સંપૂર્ણપણે બંધ કરી દેશે. ફક્ત એટલું જ નહી ઇરાન અને તેના સમર્થકોએ બાબ અલ-માંડેબની ખાડી પમ બ્લોક કરવાની દિશામાં પગલાં લેવા શરૂ કરી દીધા છે. આના કારણે ક્રૂડ ઓઇલ સીધુ સાત ટકા જેટલું ઉછળ્યું છે અને તેના ભાવ પ્રતિ બેરલ ૯૩ ડોલરે પહોંચી ગયા છે.  અમેરિકાના વારંવાર બદલાતા વલણ અને ઇઝરાયેલના લેબનોન પર જારી હુમલાના લીધે ઇરાને જણાવ્યું છે કે અમેરિકા જ નહી ઇઝરાયેલ પણ લેબનોન-ગાઝા પર હુમલા અને તેનો કબ્જો ખતમ નહી કરે ત્યાં સુધી આગળ શાંતિ માટે વાટાઘાટ નહીં કરીએ. આમ ટ્રમ્પે ઇરાન સાથેની શાંતિ વાટાઘાટો અબ્રાહમ એકોર્ડ સાથે જોડી તો ઇરાને તેને લેબનોન અને ગાઝાની શાંતિ સાથે જોડી છે. 

અમેરિકા-ઇરાન વચ્ચે ફરી પાછા જે પ્રકારના તાબડતોબ હુમલા શરુ થયા છે તે જોતાં યુદ્ધવિરામ નામનો જ રહી ગયો લાગે છે. અમેરિકાએ પહેલા સેલ્ફ ડિફેન્સમાં હુમલો કર્યો હતો. ઇરાને અમેરિકાને વળતો જવાબ આપવા કુવૈતમાં તેના એરબેઝ અને મધ્યપૂર્વના મુખ્યમથક પર હુમલો કર્યો. અમેરિકાએ પાછી તેની સામે વળતી કાર્યવાહી કરતાં ઇરાનના બે શહેર પર મિસાઇલ-ડ્રોન હુમલા કર્યા. ઇરાને તેજના જવાબમાં અમેરિકાનું મોંઘુ ડ્રોન તોડી નાખ્યુ. 

હવે ઇરાને અમેરિકાનું અત્યંત મોંઘુ ડ્રોન તોડી પાડતા અમેરિકા બરોબરનું ભડક્યુ છે. તેણે ઇરાનના રાડાર અને ડ્રોન ઠેકાણા પર બોમ્બાર્ડિંગ કર્યુ છે. ઇરાને કુવૈતમાં આવેલા અમેરિકાના લશ્કરી થાણા પર હુમલો કર્યો છે.

અમેરિકન લશ્કરના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે શનિવાર અને રવિવારે ઇરાનના ગેરુક શહેરની આસપાસ અને કેશમ દ્વીપ પર હુમલા કર્યા હતા. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ સુનિયોજિત અને સમજીવિચારીને કરવામાં આવેલી કાર્યવાહી ઇરાનની આક્રમક કાર્યવાહીના જવાબમાં કરવામાં આવી. તેમા આંતરરાષ્ટ્રીય હવાઈ વિસ્તારમાં ઉડ્ડયન કરી રહેલા એમક્યુ-૧ ડ્રોનને ખતમ કરવાનો પણ સમાવેશ થાય છે.

અમેરિકાના લડાકુ વિમાનોએ તરત જ વળતી કાર્યવાહી કરતાં ઇરાનની હવાઈ સુરક્ષા, જમીન નિયંત્રણ સ્ટેશન અને બે એકતરફી હુમલાખોર ડ્રોનને નષ્ટ કરી દીધા. 

કુવૈતે જણાવ્યું હતું કે તેની હવાઈ સુરક્ષાએ સોમવારે ડ્રોન અને મિસાઇલ હુમલા રોકવા ગોળીબાર શરૂ કરી દીધા હતા. લગભગ આ જ સમયે ઇરાનના અર્ધસૈનિક રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું છે કે તેણે અમેરિકન હુમલાનો જવાબ આપ્યો છે. જો કે તેણે એ જણાવ્યું નથી કે આ હુમલો ક્યાંથી થયો હતો. સરકારી એજન્સી દ્વારા જારી એક નિવેદનમાં ગાર્ડે જણાવ્યું હતું કે અમેરિકન લશ્કરે એક દૂરસંચાર ટાવરને નિશાન બનાવ્યું હતું. 

કુવૈતમાં અમેરિકન લશ્કરની મુખ્ય કચેરી છે. કુવૈતમાં અમેરિકન લશ્કરના મધ્યપૂર્વનો કમાન્ડ સિસ્ટમ છે.તેના પછી ઇરાને સરકારી ટીવીમાં મિસાઇલ લોન્ચનો ફૂટેજ શેર કર્યો. તેમા મિસાઇલના બહારના હિસ્સા પર લાગેલા સ્ટિકરનો ક્લોઝ-અપ શોટ સામેલ હતો. આ સ્ટિકરમાં ઘાયલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડની તસ્વીરો સાથે તેને બંધ હોર્મુઝમાં સ્ટીકર ઠાલવવામાં આવ્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે અમેરિકાનો અંતિમ સૈનિક અહીંથી જતો રહેશે નહીં ત્યાં સુધી યુદ્ધ જારી રહેશે. 

એક અહેવાલ મુજબ યુદ્ધવિરામનો ઉપયોગ કરીને ઇરાને તેના મિસાઇલ અડ્ડાનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કરી નાખ્યું છે. સેટેલાઇટ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે અમેરિકાએ ઇરાનના ૬૯ મિસાઇલ અડ્ડા પર હુમલો કર્યો હતો તેમાથી ૫૦ ફરીથી શરૂ થઈ ગયા છે. ઇરાને બધો કાટમાળ સાફ કરી દીધો છે અને રસ્તો પણ બનાવી દીધો છે. આમ તે તેના લાંબા અંતરના મિસાઇલનો ફરીથી ઉપયોગ કરવા સમર્થ બન્યું છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા સંશોધિત મુસદ્દો ઘણી વખત મધ્યસ્થીઓના માધ્યમથી ઇરાન મોકલવામાં આવ્યો છે. અમેરિકન સંશોધનોને મહત્ત્વના માનવામાં આવ્યા છે, પરંતુ તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. અમેરિકન ન્યૂઝ આઉટલેટનો દાવો છે કે ઇરાને જે મિસાઇલ વડે અમેરિકાના ફાઇટર જેટને તોડી પાડયું હતું તે મિસાઇલ ચીનમાં બની હતી. તેની સાથે ચીન પ્રારંભથી જ ઇરાનને ગુપ્ત રીતે મદદ કરી રહ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચીને તહેરાનને ચોરીછૂપી એરક્રાફ્ટ ટેકનોલોજી અને લાંબી રેન્જના રડાર પણ આપ્યા છે. જાણકારોના જણાવ્યા મુજબ ચીની રડાર ટેકનિકની મદદથી જ ઇરાને અમેરિકન લશ્કરના સૌથી અત્યાધુનિક અને અચૂક મનાતા એફ-૧૫ લડાકુ વિમાનને ટ્રેક કરી ખતમ કરવામાં સફળતા મેળવી હતી. અમેરિકાના હવાઈદળ માટે આ મોટો આંચકો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત કોઈએ અમેરિકાના આટલા એડવાન્સ્ડ ફાઇટર પ્લેનને તોડી પાડયું હતું. જાણે આ સીધો અમેરિકાની ટેકનોલોજીકલ કુશળતા પર પ્રહાર માનવામાં આવ્યો હતો. 

ફારસની ખાડીમાં તનાવ છતાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ કોમર્સિયલ જહાજોને ઇરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા દીધા છે. તેના દક્ષિણ પાર્સના ગેસ ક્ષેત્રના કેટલાક પ્લેટફોર્મ પર ઉત્પાદન પણ આંશિક ધોરણે બહાલ કરી દેવામાં આવ્યું છે. આર્થિક મોરચા પર પણ ઇરાન દબાણમાં છે. ખુજેસ્તાન પ્રાંતમાં શ્રમિકો અને પેન્શનરોએ વેતન, પેન્શન અને વધતી જતી મોઘવારીને લઈને પ્રદર્શન કર્યુ હતું.  

આઇડીએફની લેબનોનમાં આગેકૂચ

બૈરૂતમાં ઇઝરાયેલના હુમલામાં છ લેબનીઝનાં મોત, કેટલાક ઘાયલ

સાઉથ લેબનોનમાં હીઝબુલ્લાહના હુમલામાં આઇડીએફના જવાનનું પણ મોત થયું

બૈરૂત : ઇઝરાયેલે લેબનોનના બૈરૂતમાં ભીષણ હુમલા જારી રાખ્યા છે. તેના પરિણામે ત્યાં છના મોત નીપજ્યા છે અને અનેક ઘાયલ થયા છે. ઇઝરાયેલની સરકારે લશ્કરને લેબનોનમાં છેક અંદર જઈ હીઝબુલ્લાહ સામે હુમલાના આદેશ આપતા ૨૬ વર્ષમાં પહેલી વખત ઇઝરાયેલનું લશ્કર લેબનોનમાં આટલું ઊડું ઘૂસ્યું છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જણાવ્યું હતું કે હીઝબુલ્લાહ અમારા શહેરો અને નાગરિકો પર હુમલા કરે છે. તેણે યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અમે વળતી કાર્યવાહી કરી છે. અમે સેલ્ફ ડિફેન્સમાં પગલું ભર્યું છે. ઇઝરાયેલે બૈરૂતમાં હુમલા કરતા અને તેના પરાવિસ્તારોમાંથી લોકોને જતાં રહેવાની ચેતવણી આપતા લોકો દહિયેહમાંથી જવા માંડયા છે. આ વિસ્તાર હીઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. ઇઝરાયેલ આ રીતે આગળ વધતુ રહ્યું તો લેબનોનની અંદર જ વિસ્થાપિતોનો આંકડો ૧૫ લાખે પહોંચી જાય તો આશ્ચર્ય નહીં થાય. 

ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે તેણે લેબનોનમાંથી તેના પર છોડવામાં આવેલા બે ડ્રોન તોડી પાડયા છે. હીઝબુલ્લાહે પણ જણાવ્યું હતું કે તેણે ઉત્તરી ઇઝરાયેલમાં મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. બીજી બાજુએ ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે મંત્રણા અમેરિકામાં મંગળવારના રોજ થવાની છે. હીઝબુલ્લાહે તો ઇઝરાયેલ સાથે મંત્રણા કરવાનો જ ઇન્કાર કરી દીધો છે.ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે સાઉથ લેબનોનમાં હીઝબુલ્લાહના ડ્રોન હુમલામાં તેના એક સૈનિકનું મૃત્યું થયું છે.