Iran Seizes Tanker : અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ નેવીએ ફારસની ખાડીમાં મોટી કાર્યવાહી કરી છે. ઈરાની સરકારી ટેલિવિઝના રિપોર્ટ મુજબ, નેવીએ ઈંધણની તસ્કરીના આરોપ હેઠળ ખાડીમાં જહાજો પર કાર્યવાહી કરી બે વિદેશી ઓઈલ ટેન્કરોને રવિવારે જપ્ત કર્યા છે. જોકે, આ જહાજો કયા દેશના છે અથવા તેના પર કયા દેશનો ધ્વજ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ટેન્કરમાં 10 લાખ લીટર ગેરકાયદે ઈંધણ
રિવોલ્યુશનરી ગાર્ડ નેવીના પ્રાદેશિક કમાન્ડર જનરલ હૈદર હોનારિયન મોઝર્રદે જણાવ્યું કે, આ બંને ટેન્કરો ફારસી ટાપુ નજીકથી પકડાયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જહાજોમાં આશરે 10 લાખ લીટર જેટલું ગેરકાયદેસર ઈંધણ લઈ જવામાં આવી રહ્યું હતું. જપ્તી બાદ બંને ટેન્કરોને ઈરાનના બુશેહર બંદર પર લઈ જવાયા છે.
આ પણ વાંચો : એપસ્ટિન ફાઈલ્સના કારણે બ્રિટનના PMની ખુરશી ખતરામાં !
15 ક્રૂ મેમ્બરોની અટકાયત
આ બંને જહાજો પર સવાર કુલ 15 ક્રૂ મેમ્બરોની અટકાયત કરીને તેમને ન્યાયિક વિભાગની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. હાલમાં આ તમામની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે, પરંતુ તેમની રાષ્ટ્રીયતા વિશે કોઈ વિગતો બહાર પાડવામાં આવી નથી.
અગાઉ પણ વિદેશી ટેન્કર જપ્ત કરી 16ની ધરપકડ કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં જહાજો જપ્ત કરવાની આ પ્રથમ ઘટના નથી. ડિસેમ્બર માસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે એક વિદેશી ટેન્કર જપ્ત કરી 16 ક્રૂ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2019થી આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પર ટેન્કરો પર હુમલા અને જપ્તીની ઘટનાઓમાં સતત વધારો થયો છે.
આ પણ વાંચો : ફિલિપાઇન્સમાં ભીષણ દાવાનળ, 1000થી વધુ મકાનો બળીને રાખ, 5000થી વધુ લોકો બેઘર


