Get The App

Explainer: ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે 1 - image

Iran's Minab School Bombing : ઈરાનના દક્ષિણી શહેર મિનાબમાં આવેલી શજારેહ તૈયબેહ પ્રાઈમરી સ્કૂલ પર 28 ફેબ્રુઆરીના રોજ થયેલો બોમ્બ વિસ્ફોટ ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયલના યુદ્ધની સૌથી ભયાનક ઘટના બની ગઈ છે. આ હુમલામાં 7થી 12 વર્ષની 165 જેટલી છોકરી સહિત 175 જેટલા લોકો માર્યા ગયા. યુનેસ્કોએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ‘ગંભીર ઉલ્લંઘન’ ગણાવ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે, ત્યાં બીબીસી, સીએનએન, ન્યૂ યોર્ક ટાઈમ્સ અને બેલિંગકેટ જેવી સંસ્થાઓએ ભેગા કરેલા પુરાવા સ્પષ્ટ સંકેત આપે છે કે આ હુમલો અમેરિકા દ્વારા જ કરાયો હતો. 

ચાલો, આ વિશે વિગતવાર વાત કરીએ. 

Explainer: ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે 2 - image

સ્કૂલનું ભૌગોલિક સ્થાન અને લશ્કરી છાવણી સાથે સંબંધ

મિનાબ શહેર હોર્મુઝ સામુદ્રધુની નજીક વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં છે. શજારેહ તૈયબેહ પ્રાથમિક સ્કૂલ ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નૌકાદળની છાવણીની નજીક છે. સેટેલાઈટ તસવીરો દર્શાવે છે કે 2013માં આ સ્કૂલ આ જ લશ્કરી સંકુલનો ભાગ હતી, પરંતુ 2016 સુધીમાં તેને દીવાલ ચણીને અલગ કરી દેવાઈ. ત્યારબાદ આ ઇમારતમાં રંગબેરંગી ભીંતચિત્રો અને રમતગમતનું મેદાન જેવી સુવિધા ઊભી કરાયાના સ્પષ્ટ સંકેતો જોવા મળે છે. આટલું નજીકનું સ્થાન હોવાને કારણે શક્ય છે કે અમેરિકન સૈન્ય IRGC બેઝને નિશાન બનાવતી વખતે સ્કૂલને લશ્કરી લક્ષ્ય સમજી ભૂલ કરી હોય અથવા તેની ઓળખ ચકાસવામાં બેદરકારી કરી હોય.

આ પણ વાંચો : ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ...’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરાન ટાઇમ્સનો આક્રોશ

વિસ્ફોટ બાદના વીડિયોમાં શું જોવા મળે છે? 

હુમલા બાદ તરત જ સામે આવેલા વીડિયોમાં જોવા મળે છે કે સ્કૂલના આંગણામાંથી ધુમાડાના ગોટેગોટા ઊઠી રહ્યા છે. એક બીજા વીડિયોમાં IRGC કમ્પાઉન્ડના પ્રવેશદ્વાર પાસેથી પણ ધુમાડો જોવા મળે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે હુમલો એક સાથે અનેક સ્થળે થયો હતો, ફક્ત સ્કૂલ પૂરતો મર્યાદિત નહોતો.

Explainer: ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે 3 - image

અમેરિકાએ કેવા સત્તાવાર નિવેદનો આપ્યાં?

યુદ્ધની આગમાં 165 જેટલી નિર્દોષ બાળકીએ જીવ ગુમાવ્યા, એ સમાચારે દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો. સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર અમેરિકાની સરકાર પર ભારે ફિટકાર વરસવા લાગ્યો. અમેરિકન સરકાર અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બચાવમાં કહ્યું છે કે આ હુમલો અમે નથી કર્યો. તેમણે દાવો કર્યો કે આ ઘટના માટે ઈરાન પોતે જ જવાબદાર છે. ટ્રમ્પે એવી દલીલ કરી કે ઈરાનના હથિયારો ચોક્કસ રીતે કામ નથી કરતા, તેમની જ મિસાઈલ ભૂલથી સ્કૂલ પર પડી હશે. પેન્ટાગોન અને વ્હાઇટ હાઉસે પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો હવાલો આપતા કહ્યું કે, તેઓ ક્યારેય ઇરાદાપૂર્વક નાગરિકો અથવા સ્કૂલ જેવી નાગરિક સંસ્થાઓને નિશાન બનાવતા નથી. 

Explainer: ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે 4 - image

અમેરિકાની ટોમાહોક મિસાઈલની ઓળખ છતી થઈ

IRGC બેઝ પર ત્રાટકેલી મિસાઈલ સ્કૂલથી માત્ર 200 મીટર દૂર IRGCના તબીબી ક્લિનિક પર પડી હતી. વિસ્ફોટક નિષ્ણાતોએ આ મિસાઈલને અમેરિકાની ટોમાહોક ક્રૂઝ મિસાઈલ તરીકે ઓળખાવી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ યુદ્ધમાં ટોમાહોક મિસાઈલ ફક્ત અમેરિકા પાસે જ છે; ઈઝરાયલ પાસે આ મિસાઈલ નથી અને ઈરાન પાસે તેની ટેક્નોલોજી કે લોન્ચર જ નથી.

Explainer: ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે 5 - image

આ પણ વાંચો : AIની ભૂલથી ઈરાનમાં 160 બાળકીઓએ જીવ ગુમાવ્યાં? મિડલ ઈસ્ટ યુદ્ધમાં એ થયું જે આજથી પહેલા ક્યારેય નહોતું થયું!

ચોક્કસાઈપૂર્વક નિશાન સધાયું હોવાના પુરાવા 

પ્લેનેટ લેબ્સ દ્વારા 4 માર્ચે લેવાયેલી સેટેલાઈટ તસવીરો ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરાવા પૂરા પાડે છે. આ તસવીરોમાં IRGC નૌકાદળના સંકુલની અંદર ઓછામાં ઓછી 4 ઇમારતો સંપૂર્ણપણે નાશ પામેલી જોવા મળે છે, જ્યારે 2 અન્ય ઇમારતોના છત પર ચોક્કસ નિશાના સાથે અથડામણના નિશાન દેખાય છે. સ્કૂલની ઇમારત પણ આંશિક રૂપે તૂટી પડેલી જોવા મળે છે. અમેરિકન એરફોર્સમાં સેવા આપી ચૂકેલા રાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક વેસ બ્રાયન્ટે આ તસવીરો જોયા બાદ જણાવ્યું છે કે, આ તમામ ઇમારતો ખૂબ ચોકસાઈપૂર્વક નિશાન બનાવાઈ હોય એવું લાગે છે.

Explainer: ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે 6 - image

મિસાઈલના ટુકડા પર 'મેઇડ ઇન યુએસએ' લખેલું છે

ન્યૂ યોર્ક ટાઈમ્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સૌથી નક્કર પુરાવો મળી આવ્યો છે. ઈરાની મીડિયા દ્વારા પ્રસારિત તસવીરોમાં સ્કૂલ નજીકથી મળી આવેલા મિસાઈલના ટુકડા દેખાય છે, જેના પર સ્પષ્ટ રીતે Made in USA લખેલું છે. આ ટુકડા પરના સીરિયલ નંબર અને SDL ANTENNA જેવા ભાગો દર્શાવે છે કે તે 2014 પછી બનેલી અમેરિકન ટોમાહોક મિસાઈલના જ છે. ઓહાયો સ્થિત ગ્લોબ મોટર્સ કંપનીના નામવાળા ઘટકો પણ આ ટુકડામાં જોવા મળ્યા, જે અગાઉ યમન અને સીરિયામાં પણ ટોમાહોક દ્વારા કરાયેલા હુમલામાં મળ્યા હતા.

Explainer: ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે 7 - image

અમેરિકાના યુદ્ધ-નકશા પણ પુરાવા સાચા હોવાનું કહે છે

અમેરિકાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ તેના સત્તાવાર નિવેદનો અને યુદ્ધ-નકશા પુરાવા સાચા હોવા તરફ ઈશારો કરે છે.

નકશામાં મિનાબનો સમાવેશ: 4 માર્ચે પેન્ટાગોનમાં યુદ્ધના પ્રથમ 100 કલાક દર્શાવતો જે ગ્રાફિક નકશો રજૂ કરાયો હતો, તેમાં દક્ષિણ દરિયાકાંઠે અમેરિકન હુમલાના સ્થળો દર્શાવાયા હતા, જેમાં મિનાબ વિસ્તારનો પણ સમાવેશ થતો હતો. જેનો અર્થ એ કે આ શહેર પર અમેરિકાએ હુમલો કર્યો હતો.

તપાસની સ્વીકૃતિ: સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું છે કે અમે આ ઘટનાની ‘તપાસ કરી રહ્યા છે’. અમેરિકન લશ્કરી તપાસકર્તાઓએ પ્રારંભિક તારણમાં જણાવ્યું હતું કે આ હુમલામાં અમેરિકન સૈન્ય સંભવિત રૂપે સામેલ હતું.

ઇઝરાયલનો ઇનકાર: ઇઝરાયલી સરકારી સૂત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ હુમલા પાછળ તેમનો હાથ નથી, તેમની સેના તે વિસ્તારમાં કાર્યરત નહોતી.

Explainer: ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે 8 - image

'મિસ ફાયર'ના દાવાનું પણ ખંડન

સ્કૂલ પરના મિસાઇલ હુમલાને ટ્રમ્પે ‘મિસ ફાયર’ કહ્યો એના અગાઉ સોશિયલ મીડિયા પર પણ એવા દાવા વાયરલ થયા હતા કે ઈરાની મિસાઈલ જ ભૂલથી સ્કૂલ પર પડી હતી. આ દાવાના સમર્થનમાં એક બર્ફીલા પર્વતની પૃષ્ઠભૂમિ સાથેનો ફોટો પણ શેર કરાયો હતો. બીબીસીએ એ ફોટો મિનાબનો નહીં, પરંતુ મિનાબથી 1,600 કિલોમીટર દૂર આવેલા ઉત્તરીય શહેર ઝાંજનનો હોવાનું શોધી કાઢ્યું છે. મિનાબ ઈરાનના દક્ષિણ કિનારે આવેલું છે, જ્યાં બરફ પડતો નથી. આ ઉપરાંત નિષ્ણાતોના મતે ઈરાનની સરફેસ-ટુ-એર મિસાઈલો નાના વિસ્ફોટક વૉરહેડ ધરાવે છે, જ્યારે સ્કૂલ અને IRGC બેઝને થયેલું નુકસાન ભારે વિસ્ફોટક ક્ષમતા ધરાવતી, ચોક્કસ નિશાનોવાળી અમેરિકન મિસાઈલો તરફ જ નિર્દેશ કરે છે.

એકથી વધુ પુરાવા અમેરિકા તરફ જ આંગળી ચીંધે છે

એક પછી એક સામે આવેલા પુરાવા અને નિષ્ણાતોના વિશ્લેષણોથી શંકાની દિશા અમેરિકાની તરફ વળતી જોવા મળે છે. ભૌગોલિક સ્થાન હોય, ચકાસાયેલા વિડિઓ હોય, ઉપગ્રહ તસવીરો હોય, નિષ્ણાતો દ્વારા ઓળખાયેલી ટોમાહોક મિસાઈલ હોય કે પછી મળી આવેલા મિસાઈલના ટુકડા પર લખાયેલું ‘મેઇડ ઇન યુએસએ’ હોય, દરેક પુરાવો એક જ તરફ ઈશારો કરે છે.

આ અક્ષમ્ય અપરાધનો ‘ન્યાય’ કોણ કરશે?

ટ્રમ્પે ઈરાન પર લગાવેલા આરોપોને સમર્થન આપતો એક પણ પુરાવો નથી, જ્યારે તેમના પોતાના જ સંરક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા નકશા અને સત્તાવાર નિવેદનો પણ અમેરિકન સંડોવણી સ્વીકારતા જણાય છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના યુદ્ધ કાયદાના નિષ્ણાત જેનીના ડિયરના જણાવ્યા મુજબ, જો અમેરિકા દ્વારા લક્ષ્ય ઓળખવામાં ભૂલ થઈ હોય તો પણ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મળેલી નિષ્ફળતા એ એક ગંભીર ઉલ્લંઘન છે. 165 જેટલા બાળકોનું મૃત્યુ એ માનવતા વિરુદ્ધનો ગુનો છે, અને તેના માટે જવાબદાર લોકોનો ‘યોગ્ય ન્યાય’ કરવો એ આંતરરાષ્ટ્રીય સમુદાયની નૈતિક ફરજ બને છે.