ઈરાનના નવા હથિયારે અમેરિકા-ઈઝરાયલની ઊંઘ ઊડાવી, રડાર વગર જ ડ્રોનને કરે છે ધ્વસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran’s New 359 Loitering Missile: ઈરાને સંરક્ષણ ક્ષેત્રે એક મોટું ડગલું ભરતાં પોતાનું નવું અને અત્યંત શક્તિશાળી હથિયાર '359' રજૂ કર્યું છે. આ એક 'લોયટરિંગ સરફેસ-ટુ-એર મિસાઇલ' છે, જે અગાઉની '358' મિસાઇલનું વધુ આધુનિક અને મોટું વર્ઝન માનવામાં આવે છે. આ મિસાઇલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈપણ રડારની મદદ વગર દુશ્મનના ડ્રોનને શોધીને તેને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જૂની '358' મિસાઇલે અમેરિકાના અત્યાધુનિક MQ-9 રીપર અને ઈઝરાયલના હર્મિસ 900 જેવા ડ્રોનને તોડી પાડીને દુનિયાને ચોંકાવી દીધી હતી, ત્યારે હવે '359'ના આગમનથી મધ્ય પૂર્વમાં અમેરિકન પ્રમુખ અને તેમની સેના માટે ચિંતા વધી ગઈ છે.
કેવી રીતે કામ કરે છે આ 'ઘાતક મિસાઇલ'?
આ મિસાઇલ એક જેટ-પાવર્ડ ઇન્ટરસેપ્ટર છે જેને સામાન્ય ટ્રક પરથી પણ લોન્ચ કરી શકાય છે. એકવાર હવામાં છોડ્યા પછી તે કોઈ ચોક્કસ વિસ્તારમાં સતત ફરતી રહે છે અને પોતે જ લક્ષ્યની શોધ કરે છે. તે કોઈ રડાર સિગ્નલ છોડતી નથી, જેના કારણે ડ્રોન ઓપરેટરને હુમલાની કોઈ પણ ઍલર્ટ મળતી નથી અને અચાનક ડ્રોનનો વીડિયો ફીડ બંધ થઈ જાય છે. ઇન્ફ્રારેડ સેન્સર અને AI(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની મદદથી આ મિસાઇલ દુશ્મન ડ્રોનના સિગ્નલને ઓળખી લે છે. '359' મિસાઇલ જૂના વર્ઝન કરતાં કદમાં મોટી છે, જેથી તે વધુ સમય સુધી હવામાં રહી શકે છે અને તેની રેન્જ પણ 100 કિમીથી વધુ છે.
સસ્તું હથિયાર અને કરોડોનું નુકસાન
આ ટૅક્નોલૉજીએ યુદ્ધની વ્યૂહનીતિ બદલી નાખી છે. જ્યાં અમેરિકાના એક MQ-9 રીપર ડ્રોનની કિંમત અંદાજે 32 મિલિયન ડૉલર છે, તેની સામે ઈરાનની આ મિસાઇલ માત્ર 20થી 50 હજાર ડૉલરમાં તૈયાર થઈ જાય છે. ઈરાન આવા હથિયારોને મોટી સંખ્યામાં તૈનાત કરીને આખા આકાશમાં એક સુરક્ષા કવચ બનાવી શકે છે. અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયલની તાકાત તેમના ડ્રોન દ્વારા થતી દેખરેખ પર ટકેલી હતી, પરંતુ હવે રડાર વગર કામ કરતી આ મિસાઇલો સામે પેન્ટાગન પાસે પણ કોઈ સીધો જવાબ નથી.
આ પણ વાંચો: LIVE : ઈરાનના આર્મી ચીફની અમેરિકાને મોટી ધમકી, સાઉદી અરબે ઓઈલ ઉત્પાદન ઘટાડ્યું
સંરક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન
નિષ્ણાતો આ ફેરફારને ઇતિહાસમાં સ્ટિંગર મિસાઇલના આગમન પછીનો સૌથી મોટો વળાંક માની રહ્યા છે. ઈરાને જાણીજોઈને એવું હથિયાર વિકસાવ્યું છે જે પશ્ચિમી દેશોની ડ્રોન નિર્ભરતાને નિશાન બનાવે છે. આ ટૅક્નોલૉજીના કારણે ઈરાનનું એર ડિફેન્સ હવે પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે, જે ભવિષ્યમાં યુદ્ધના મેદાનમાં શક્તિ સંતુલન બદલી શકે છે.









