AI Image |
Iran Reviews Pakistan's Ceasefire Proposal : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે. સમાચાર એજન્સી રોયટર્સ અને APના અહેવાલ મુજબ, પાકિસ્તાન, ઈજિપ્ત અને તૂર્કિયે દ્વારા તૈયાર કરવામાં આવેલ 45 દિવસના 'સીઝફાયર'(યુદ્ધવિરામ)ના પ્રસ્તાવ પર ઈરાન અત્યારે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જોકે, વ્યૂહાત્મક રીતે મહત્ત્વની એવી 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'ને ખોલવા બાબતે હજુ પણ પેચ ફસાયેલો છે.
પાકિસ્તાની પ્રસ્તાવ અને ઈરાનનું વલણ
પાકિસ્તાનના સૈન્ય પ્રમુખે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે સીધી વાતચીત કરી છે. જેમાં પ્રસ્તાવ મુજબ:
પ્રથમ તબક્કો: 45 દિવસનો કામચલાઉ યુદ્ધવિરામ જાહેર કરવો અને હોર્મુઝનો માર્ગ ખોલવો.
બીજો તબક્કો: 15-20 દિવસ બાદ કાયમી શાંતિ કરાર કરવો, જેમાં પરમાણુ હથિયારોનો ત્યાગ અને પ્રતિબંધોમાંથી મુક્તિ જેવા મુદ્દાઓ સામેલ હોય.
હોર્મુઝ પર મડાગાંઠ યથાવત્
ઈરાની અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર કામચલાઉ યુદ્ધવિરામ માટે હોર્મુઝનો માર્ગ ખોલવા તૈયાર નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકા કાયમી શાંતિ માટે ગંભીર નથી. ઈરાને મક્કમતાથી જણાવ્યું છે કે, "કોઈપણ પ્રકારના દબાણ કે ડેડલાઇન આપીને અમારી પાસે સમજૂતી કરાવી શકાશે નહીં."
ટ્રમ્પનું અલ્ટીમેટમ અને યુદ્ધની ધમકી
નોંધનીય છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી 48 કલાકની ડેડલાઇન આવતીકાલે (મંગળવારે) રાત્રે પૂર્ણ થઈ રહી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો હોર્મુઝ નહીં ખુલે તો ઈરાનના વીજ મથકો અને પુલોને તોડી પાડવામાં આવશે. આ ધમકીના જવાબમાં ઈરાને વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે આર્થિક વળતર અને સુરક્ષાની ખાતરી વગર તેઓ પીછેહઠ કરશે નહીં.


