Get The App

ઈરાનની સૌથી મોટી તૈયારી: હોર્મુઝથી પસાર થનારા જહાજો પાસેથી વસૂલશે ટોલ? રિપોર્ટમાં કરાયો દાવો

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનની સૌથી મોટી તૈયારી: હોર્મુઝથી પસાર થનારા જહાજો પાસેથી વસૂલશે ટોલ? રિપોર્ટમાં કરાયો દાવો 1 - image

Strait of Hormuz: 40 દિવસ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ બાદ હવે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પાસેથી ટોલ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જહાજ પર લદાયેલા  ક્રૂડના દરેક બેરલ દીઠ એક ડૉલરની વસૂલાત કરવામાં આવશે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, આ ટ્રાન્ઝિટ ફીની ચૂકવણી ક્રિપ્ટોકરન્સીમાં કરવાની રહેશે. મહત્ત્વનું છે કે, અમેરિકા સાથે થયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામ દરમિયાન પણ આ ટોલ વસૂલવામાં આવશે.

જહાજોએ માલસામાન સહિતની તમામ વિગતો આપવી પડશે

ઈરાનના તેલ, ગેસ અને પેટ્રોકેમિકલ ઉત્પાદન નિકાસકાર સંઘના પ્રવક્તા હામિદ હુસૈનીએ જણાવ્યું હતું કે, જહાજો પાસેથી ક્રિપ્ટો-આધારિત ટોલ લેવામાં આવશે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી અવરજવર કરતી વસ્તુઓ પર નજર રાખવા માંગે છે. આ પાછળનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે યુદ્ધવિરામનો ઉપયોગ હથિયારોની દાણચોરી માટે ન થાય. સૂચિત માળખા મુજબ, જહાજોએ ઈમેઇલ દ્વારા ઈરાની સત્તાધીશોને તમામ માહિતી આપવી પડશે, ત્યારબાદ અધિકારીઓ ચૂકવણી અંગે સૂચના આપશે.

પ્રતિ બેરલ દીઠ 1 ડૉલર ચાર્જ વસૂલશે ઈરાન

સૂત્ર મુજબ ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે કડક ચેતવણી જાહેર કરી છે, જેમાં યુદ્ધવિરામ છતાં પણ ત્યાંથી પસાર થવા માટે પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત ગણાવી છે. રિપોર્ટ્સ અનુસાર, આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઈરાને એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં આ વ્યૂહાત્મક જળમાર્ગનો ઉપયોગ કરવા બદલ જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ફી વસૂલવાની વાત છે. આ બાબતે એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે ઈરાને કથિત રીતે એક ટેન્કર ઓપરેટર પાસેથી સુરક્ષિત રીતે પસાર થવા માટે આશરે 2 મિલિયન ડૉલર(લગભગ 17 કરોડ રૂપિયાથી વધુ)ની રકમ વસૂલી હોવાનું મનાય છે. ઈરાન હવે આ માર્ગ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે જહાજના પ્રકાર અને તેના માલસામાનના આધારે અલગ-અલગ શુલ્ક લેવાનું વિચારી રહ્યું છે, જેનાથી વૈશ્વિક વેપાર અને તેલના ભાવ પર મોટી અસર પડી શકે છે.

અહેવાલો મુજબ, એક જહાજને આ સુરક્ષિત માર્ગ આપવા માટે પ્રતિ બેરલ દીઠ એક ડૉલર (1 ડૉલર) જેટલો ચાર્જ વસૂલવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ પગલાથી વૈશ્વિક તેલના વેપાર પર સીધી અસર પડી શકે છે, કારણ કે દુનિયાના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો આ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે.

ભારત કોઈપણ પ્રકારના ટેક્સની વિરુદ્ધમાં

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં માલવાહક જહાજો પર કોઈપણ પ્રકારના ટેક્સ કે ટોલ લાદવાની સખત વિરુદ્ધમાં છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ખાનગી ચેનલને જણાવ્યું છે કે માલવાહક જહાજો પર શુલ્ક વસૂલવાનો વિચાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓ(International Maritime Laws)ની વિરુદ્ધ છે. ઈરાનને આ ટોલ વસૂલવાની મંજૂરી આપવા માટે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં સુધારો કરવો પડશે. ભારતે અત્યાર સુધી આ મુદ્દે ઈરાન સાથે કોઈ સીધી વાતચીત કરી નથી.

આ પણ વાંચો: ઈરાન-US યુદ્ધવિરામ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, LPG સપ્લાય માટે નવી ગાઈડલાઈન્સ

હોર્મુઝમાં ભારતના 16 જહાજો ફસાયા

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ થયો હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ સામાન્ય જણાતી નથી. અહીં હજુ પણ ઘણા દેશોના જહાજો ફસાયેલા છે, જેમને ઈરાન મંજૂરી વગર જવા દેતું નથી. આમાં ભારતના પણ 16 જહાજો સામેલ છે, જેમાં 5 કાચા તેલના ટેન્કર અને 1 LPG ટેન્કરનો સમાવેશ થાય છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સરકાર આ 16 ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર માટે ઈરાન સાથે ઉચ્ચ સ્તરે વાતચીત તેજ કરી છે.