- 60 દિવસના યુદ્ધવિરામમાં પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા થશે
- અમેરિકન યુદ્ધજહાજો ઘેરાબંધી હટાવશે, પરંતુ સંપૂર્ણ શાંતિ સ્થપાય નહીં ત્યાં સુધી હોર્મુઝ છોડશે નહીં
વોશિંગ્ટન,તહેરાન : અમેરિકા ઇરાનની ઘેરાબંધી હટાવવા તૈયાર થઈ ગયું છે અને ઇરાન હોર્મુઝની ખાડી ખોલવા તૈયાર થઈ ગયું છે. આ દાવો ઇરાનની સરકારી ટીવી ચેનલે કર્યો છે. ઇરાનના સરકારી ટીવીનું કહેવું છે કે અમેરિકાની સાથે સમજૂતીપત્રનો પ્રારંભિક બિનસત્તાવાર મુસદ્દો તૈયાર છે. અમેરિકા સાથે સંઘર્ષ ખતમ કરવાના સમજૂતીપત્રની એક એક અનૌપચારિક નકલ મળી ગઈ છે.
આ મુસદ્દા મુજબ ઇરાન મુસદ્દો અમલમાં આવ્યાના મહિનામાં હોર્મુઝની ખાડીમાંથી કોમર્સિયલ જહાજોનું આવાગમન યુદ્ધ પૂર્વેના સ્તરે બહાલ કરશે. જ્યારે અમેરિકા ઇરાનની આસપાસના પોતાના વિસ્તારમાં પોતાની લશ્કરી ટુકડીઓ હટાવી દેશ અને ઘેરાબંધી ખતમ કરી દેશે.જ્યારે ૬૦ દિવસના યુદ્ધવિરામ દરમિયાન પરમાણુ કાર્યક્રમને ક્યાં અને કેવી રીતે ખતમ કરવો તેની ચર્ચા કરાશે.
સરકારી ટીવીએ જણાવ્યું હતું કે આ મુસદ્દામાં યુદ્ધજહાજોની ગોઠવણમાં ફેરફાર સામેલ નથી. આમ અમેરિકાની ઘેરાબંધી હટવાનો અર્થ એવો નથી કે અમેરિકાના યુદ્ધજહાજો પરત ફરી જશે. આ ઉપરાંત ઇરાન દ્વારા ઓમાન સાથે મળીને હોર્મુઝની ખાડીમાં જહાજોના આવનજાવનનું મેનેજમેન્ટ એવો મુદ્દો છે જેના પર સંમતિ બની નથી. જો કે આ મુસદ્દામાં એમ પણ કહેવાયું છે કે કોઈપણ વાતની પૂરી ચોકસાઈ વગર તહેરાન કોઈ પગલું નહીં ભરે.
આ મુસદ્દામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ૬૦ દિવસની અંદર કોઈ અંતિમ સમજૂતી થઈ ગઈ તો તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા એક અમલમાં લાવી શકાય તેવા પ્રસ્તાવ તરીકે મંજૂરી મળી શકે છે. આ સમજૂતીને બંને પક્ષોએ માનવી પડશે.
અમેરિકા અને ઇરાન વચ્ચેના આ એમઓયુ ફેબુ્રઆરીમાં શરૂ થયેલા યુદ્ધ પછીની પરોક્ષ વાતચીતનું પરિણામ છે. આ વાતચીતમાં તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા પાકિસ્તાને નીભાવી છે.
ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિ-કમ તનાવ વચ્ચે અમેરિકાની લશ્કરી કાર્યવાહીને લઈને મોટો ખુલાસો થયો છે. આ ખુલાસા મુજબ જો અમેરિકા ઇરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરે છે તો તેના માટે આ વખતે સ્થિતિ વધુ આકરી હશે. ઇરાન તેના લશ્કરી ઠેકાણાઓને સતત બદલી રહ્યું છે. તેને છૂપાઈ રાખવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે.
અમેરિકાના સંરક્ષણ વિભાગે ઇરાનમાં ઉપલબ્ધ સંભવિત લશ્કરી થાણાઓની યાદી તૈયાર કરી છે. જો કે તેમાથી મોટાભાગના લશ્કરી થાણા અત્યંત ગુપ્ત સ્થળોએ છે અથવા તો તેને સતત બદલવામાં આવી રહ્યા છે. ઇરા ઘણી બધી મોબાઇલ સિસ્ટમ લગાવીને તેના લશ્કરી થાણા સતત એવી રીતે બદલી રહ્યુ છે જેથી તેને ટ્રેક કરવા મુશ્કેલ થઈ જાય. આના લીધે અમેરિકાના હાઈ વેલ્યુ ટાર્ગેટ્સની સંખ્યા ઘટી ગઈ છે. અમેરિકાના લશ્કરી અધિકારીઓ માને છે કે જો ઇરાન સામે શાંતિના મોરચે પ્રગતિ ન થઈ તો ટ્રમ્પ મોટા લશ્કરી અભિયાનનો નિર્ણય લઈ શકે છે.
આ બધા વચ્ચે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ઇરાનના સરકારી ટેલીવિઝને જણાવ્યું હતું કે યુદ્ધવિરામ ડીલનો મુસદ્દો સંપૂર્ણપણે બનાવટી છે. આ વાત તેણે ત્યારે કહી છે જ્યારે અમેરિકા-ઇરાન વચ્ચે ચાલતી વાટાઘાટોમાં સમજૂતી બની ચૂકી છે કે આ વાતને આગળ લઈ જવા માટે કોઈ ચોક્કસ માળખાની જરૂર છે.
ટ્રમ્પ તેમની કેબિનેટને આજે મળવાના છે. તેમા ઇરાન સાથેના યુદ્ધનો અંત લાવવાનો મુદ્દો મુખ્ય છે. તેમણે અગાઉના દિવસે જણાવ્યું હતું કે તેમનું તંત્ર અને તેહરાન સેટલમેન્ટને લઈને મોટાપાયા પર વાટાઘાટ કરી ચૂક્યું છે, આમ છતાં પણ વાટાઘાટો હજી પણ વમળમાં અટવાયેલી છે.
આ બધા વચ્ચે ટ્રમ્પનો દાવો છે કે ઇરાનની પરમાણુ ક્ષમતાને અમે એટલી હદે ખતમ કરી છે કે અમે વિજયનો દાવો કરી શકીએ છીએ. ટ્રમ્પ જે રીતે યુદ્ધ પૂરુ કરવા ઉતાવળા બન્યા છે તેને લઈને પક્ષમાં તેમના સમર્થકોમાં પણ ગુસ્સો છે. તેઓનુ માનવું છે કે ટ્રમ્પે જો આ ડીલ કરી તે ઇરાનમાં કટ્ટરપંથીઓને છૂટો દોર મળી જશે. તેઓને એવો સંકેત જશે કે અમેરિકા જેવો દેશ પણ કટ્ટરવાદી તાકાતોને નમાવી ન શક્યો, પરંતુતેના આગળ ઝૂકી ગયો. તેઓને લાગે છે કે આ ડીલ તહેરાન માટે વધુ સાનુકૂળ છે. કેટલાકે તો ૬૦ દિવસના સમયગાળામાં ઇરાને યુરેનિયમ આપશે કેવી રીતે તેનો પણ સવાલ કર્યો છે.
ઇરાનની દરખાસ્તો સાથે અમે અસંમત, ડીલ કરીશું અથવા હુમલો-ટ્રમ્પ
વોશિંગ્ટન : અમેરિકા અને ઇરાન વચ્ચેની શાંતિ સમજૂતીની આશા ધૂંધળી થવા લાગી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન તરફથી ડીલનો મુસદ્દો મોકલવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકા આ ડીલથી સંતુષ્ટ નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઇરાન સાથે કોઈ ડીલ પર પહોંચશે અને તેમ ન થયું તો હુમલો કરશે. ટ્રમ્પનું આ ડીલ એવા સમયે આવ્યું છે જ્યારે ગણતરીના કલાકો પહેલા ઇરાનની સરકારી ટીવી ચેનલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા હોર્મુઝની ખાડીની ઘેરાબંધી દૂર કરવા રાજી થયું છે. તેના બદલામાં ઇરાન યુદ્ધ પૂર્વેની સ્થિતિ ઇચ્છતુ હતું.


