Iran On Pakistan Ceasefire Proposal : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ખળભળાટ મચી રહ્યો છે. છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોના મોત થયા છે. એટલું જ નહીં, વિશ્વમાં અબજોનું નુકસાન પણ થયું છે, તેમ છતાં હજુ સુધી યુદ્ધ અટકી શક્યું નથી. આ દરમિયાન પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ઈરાને ફગાવી દીધો છે. આ ઉપરાંત ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. બીજી તરફ અમેરિકાએ યુદ્ધવિરામ માટે 15 શરતોનો પ્રસ્તાવ ઈરાનને મોકલ્યો છે, તેને પણ ઈરાને ફગાવી દીધો છે.
પાકિસ્તાનના પ્રસ્તાવથી ટ્રમ્પ રાજી પણ ઈરાને ફગાવ્યો
ઈરાને તે પ્રસ્તાવ ફગાવ્યો છે, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીત કરાવાવની ઓફર કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, શાહબાજે પોસ્ટ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તે પોસ્ટને રિપોસ્ટ કરી હતી, એટલે કે ટ્રમ્પ પ્રસ્તાવ માટે રાજી થયા હોવાનું મનાઈ રહ્યું છે. જોકે હવે આ મામલે ઈરાને સત્તાવાર પ્રક્રિયા આપી છે અને પાકિસ્તાનનો પ્રસ્તાવને ફગાવી સ્પષ્ટ કહ્યું છે કે, તેને પાકિસ્તાનની મધ્યસ્થી મંજૂર નથી. એટલું જ નહીં ઈરાને ટ્રમ્પને પણ અવિશ્વાસુ કહ્યું છે.
અમને ટ્રમ્પ પર વિશ્વાસ નથી : ઈરાન
ટ્રમ્પ યુદ્ધ જીતી ગયા હોવાની વારંવાર જાહેરાત કરે છે, તો બીજી તરફ ઈરાન દર વખતે ટ્રમ્પના દાવાને ફગાવી દે છે. તાજેતરમાં ઈરાને સાથે વાત થઈ હોવાનો ટ્રમ્પે દાવો કર્યો હતો, જોકે ઈરાને આ દાવો ખોટો ગણાવ્યો છે. ઈરાની સેનાએ દાવા અંગે કહ્યું કે, અમેરિકા પોતાની સાથે જ વાત કરી રહ્યું છે. તેઓ ઈરાનને બે વખત દગો આપી ચૂક્યા છે અને હવે અમે આવું નહીં થવા દઈએ. ઈરાને ટ્રમ્પ પર વિશ્વાસ જ નથી.
પાકિસ્તાનના વડાપ્રધાને શું કહ્યું હતું?
અમેરિકાની વ્યૂહરચના પર અવિશ્વાસ વ્યક્ત કરી ઈરાને પાકિસ્તાનનો પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે. મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાને મધ્ય-પૂર્વના યુદ્ધને ખતમ કરવાની અને ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપવાની વાત કરી હતી. શરીફે એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે અર્થપૂર્ણ અને નિર્ણાયક વાતચીત કરવા માટે તૈયાર છે. આવું થશે તો અમને સન્માન અનુભવાશે.’ ટ્રમ્પે પોતાના સત્તાવાર એકાઉન્ટ પર શરીફની પોસ્ટને રિપોસ્ટ પણ કરી હતી.
આ પણ વાંચો : 'અમે જંગ જીતી લીધો, ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ', ટ્રમ્પનો ફરી મોટો દાવો
યુદ્ધવિરામ માટે અમેરિકાનો 15 શરતોનો ઈરાનને પ્રસ્તાવ
પાકિસ્તાન અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, અમેરિકાએ યુદ્ધવિરામ માટે મોકલેલો 15 શરતોનો પ્રસ્તાવ પણ ઈરાન ફગાવી દીધો છે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પ યુદ્ધવિરામ પર ઈરાન સાથે વાતચીત કરવા માંગે છે. જોકે ઈરાની સેનાએ વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે. અમેરિકાએ ઈરાનને મોકલેલા 15 શરતોના પ્રસ્તાવમાં ઈરાનને પ્રતિબંધમાંથી રાહત આપવાની, નાગરિક પરમાણુ ઊર્જામાં સહયોગ કરવાની, આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની દેખરેખ હેઠળ ઈરાનને પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરવાની મંજૂરી આપવાની, મિસાઈલ કાર્યક્રમને સીમિત કરવાની અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી જહાજોની આવન-જાવન સરળ બનાવવી સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો છે. ઈઝરાયલી મીડિયા રિપોર્ટમાં પણ કહેવાયું છે કે, અમેરિકાએ ઈરાનને 15 શરતોનો પ્રસ્તાવ મોકલ્યો છે.
ઈરાનને મોકલાયેલા પ્રસ્તાવમાં આ બાબતો સામેલ
- સમજૂતી બાદ એક મહિનામાં યુદ્ધવિરામ પર ચર્ચા કરાશે.
- ઈરાનની પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા ખતમ કરવા પર વાતચીત
- ઈરાન યુરેનિયમ સંવર્ધન બંધ કરશે.
- હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રખાશે અને આ જળમાર્ગમાંથી જહાજો સરળતાથી આવી-જઈ શકશે
- ઈરાને પોતાના યુરેનિયમ સંવર્ધનની માહિતી આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીને સોંપવી પડશે.
- આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની દેખરેખ હેઠળ ઈરાને પોતાના પરમાણુ કેન્દ્ર (નતાંજ, ઈસ્ફહાન અને ફોર્ડો) નષ્ટ કરવા પડશે.
- ઈરાને હમાસ, હિઝબુલ્લા જેવા સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરવું પડશે.
- ઈરાને પોતાની મિસાઇલ બનાવવાની સંખ્યા પણ મર્યાદિત કરવી પડશે.
- ઈરાન જે મિસાઇલ બનાવવાનો પ્રોગ્રામ ચલાવી રહ્યું છે, તેને પોતાની સુરક્ષા સુધી બનાવવા એટલે કે મર્યાદિત કરવા પડશે.


