હોર્મુઝ અંગે ટ્રમ્પના દાવાને ઈરાને જુઠ્ઠાણું ગણાવ્યું, શાંતિના પ્રયાસો ફરી ઘોંચમાં, શું ફરી યુદ્ધ ભડકશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Strait of Hormuz opening: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે સંભવિત સમજૂતી થઈ હોવાના કરાયેલા દાવો ઈરાની સેન્ય સાથે જોડાયેલી મીડિયાએ ફગાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેહરાન (ઈરાન) કોઈપણ શુલ્ક કે શરત વગર હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે 'મજબૂર' થયું છે. જો કે, ઈરાને આ નિવેદનને સત્ય અને જૂઠાણું ગણાવતાં કહ્યું છે કે, આ તેહરાનમાં વિચારાધીન સમજૂતીનો સાચો ડ્રાફ્ટ નથી.
કાલ્પનિક જીત બતાવવાનો ટ્રમ્પનો પ્રયાસ: ઈરાની મીડિયા
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, ટ્રમ્પનું નિવેદન માત્ર એક 'કાલ્પનિક જીત' દર્શાવવાનો પ્રયાસ છે. અહેવાલો અનુસાર, બંને દેશો વચ્ચે 'કમિટેડ ફોર કમિટેડ' નામે એક સમજૂતી પ્રસ્તાવિત છે, જે હાલ ઈરાનમાં અંતિમ મંજૂરીના તબક્કામાં છે, પરંતુ તેના પર હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. વ્હાઇટ હાઉસમાં પશ્ચિમ એશિયાના સંકટ અંગેની મહત્ત્વની બેઠક પહેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે હોર્મુઝમાં મૂકાયેલા પ્રતિબંધો હવે પૂરા થઈ રહ્યા છે અને દરિયાઈ વાહનવ્યવહાર સામાન્ય થઈ રહ્યો છે. મહત્ત્વનું છે કે, આ દરિયાઈ માર્ગ દુનિયાના 20% ઓઇલ પરિવહન માટે અત્યંત મહત્ત્વનો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું દાવો કર્યો હતો?
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'ઈરાન દરિયામાં બાકી રહેલી તમામ માઇન્સ તાત્કાલિક હટાવી લેશે અથવા તેને નિષ્ક્રિય કરશે. અમારી નૌસેના દ્વારા કરાયેલી અભૂતપૂર્વ નાકાબંધી હવે હટાવવામાં આવી રહી છે અને હોર્મુઝમાં ફસાયેલા જહાજો હવે પોતાના દેશ પરત ફરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.' આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આગામી સૂચના સુધી બંને દેશો વચ્ચે કોઈ પણ નાણાકીય લેવડદેવડ નહીં થાય અને અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ સહમતિ સધાઈ ચૂકી છે.
હોર્મુઝ માર્ગ ઈરાનની શરતો પર જ ખુલશે
બીજી તરફ, ઈરાની મીડિયાએ સ્પષ્ટ શબ્દોમાં ભારપૂર્વક જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની પ્રક્રિયા માત્ર અને માત્ર ઈરાનની શરતો અનુસાર જ થશે. જેમાં જહાજોની દેખરેખ, તપાસ, દરિયાઈ સેવાઓ અને સુરક્ષા સંબંધિત કડક પગલાં સામેલ હોઈ શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે કોઈપણ ચાર્જ અથવા શરત વિના આ માર્ગ ખોલવા માટે સહમતિ બની હોવાનો ટ્રમ્પનો દાવો તદ્દન ખોટો છે અને આવી કોઈ જોગવાઈ સમજૂતીના ડ્રાફ્ટમાં નથી.
ફ્રીઝ થયેલી સંપત્તિ મુક્ત કરવી એ જ મુખ્ય મુદ્દો
મીડિયા રિપોર્ટ્સમાં ટ્રમ્પના એ દાવાને પણ નકારી કાઢ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ઈરાન પોતાના પરમાણુ મટીરિયલના ભંડારને નષ્ટ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને આ વાતને પાયાવિહોણી ગણાવી છે. રિપોર્ટ મુજબ, આ સમજૂતીના ડ્રાફ્ટનો સૌથી મહત્ત્વનો હિસ્સો અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલી ઈરાનની અંદાજે 12 અબજ ડૉલરની સંપત્તિને તાત્કાલિક મુક્ત કરવાનો છે.
તેહરાનનું કહેવું છે કે જ્યાં સુધી આ રકમ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી તે વાતચીતના આગામી તબક્કામાં આગળ વધશે નહીં. આ ઉપરાંત, લેબેનૉનમાં સંપૂર્ણ યુદ્ધવિરામ થાય તે પણ ઈરાન માટે મહત્ત્વનો મુદ્દો છે. ઈરાની અધિકારીઓના મતે, કોઈપણ અંતિમ કરારનો આધાર ઈરાનની 'રેડ લાઇન્સ' અને અમેરિકા પ્રત્યેના તેના 'સંપૂર્ણ અવિશ્વાસ' પર જ રહેશે.









