- તહેરાનના રહેણાક વિસ્તારો પર હુમલામાં 13નાં મોત
- લેબનોન અને ગાઝામાં પણ ઈઝરાયેલના હુમલા અટકાવી કાયમી શાંતિ, પરમાણુ વીજળીના અધિકારની ઇરાનની માગ
- ઇઝરાયેલે આઇઆરજીસીના ઇન્ટેલિજન્સ ચીફ અને કુદ્સ ફોર્સના સીનિયર કમાન્ડરને ખતમ કર્યા
- એક રાતમાં આખો દેશ ખતમ કરી શકીએ છીએ, અને આ કામ કાલે પણ થઇ શકે : ટ્રમ્પની ઇરાનને ધમકી
તહેરાન : ઇરાને અમેરિકાનો યુદ્ધવિરામ પ્રસ્તાવ ફગાવી દીધો છે. તેના લીધે યુદ્ધ જારી રહેશે. ઇરાને મધ્યસ્થી દ્વારા યુદ્ધવિરામ ના પ્રસ્તાવના જવાબમાં પોતાની સ્થિતિ અને માંગ નક્કી કરી લીધી છે.ઇરાને યુદ્ધ પ્રસ્તાવના જવાબમાં કાયમી ધોરણે શાંતિ સ્થાપવાની પોતાની જ ફોર્મ્યુલા આપી છે. તેમા અનેક એવી વાતો છે જેને અમેરિકા ક્યારેય સ્વીકારી શકે નહી. આમ ૧૫ સુત્રી જવાબોનો જવાબ ઇરાને દસ સૂત્રી ફોર્મ્યુલાથી આપ્યો છે.
સરકારી ચેનલ પાકિસ્તાન ટીવીના જણાવ્યા મુજબ ૪૫ દિવસના યુદ્ધવિરામ કે ૧૫ સૂત્રીય પ્રસ્તાવને લઈને ઘણા પ્રકારના સમાચાર સામે આવ્યા છે, પરંતુ પાકિસ્તાન આ પ્રકારની વાતો પર કોઈ ટિપ્પણી કરતું નથી. જો કે પશ્ચિમી મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને તહેરાન અને વોશિંગ્ટનને એક યુદ્ધવિરામ પ્રસ્તાવ સોંપ્યો છે. ઇરાને સ્પષ્ટ જણાવી દીધું છે કે તે પ્રસ્તાવ પર ત્યારે જ વિચાર કરશે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ તેમની સામેની લશ્કરી કાર્યવાહી તરત જ બંધ કરે. તે આ યુદ્ધનો કામચલાઉ નહીં પણ કાયમી અંત ઇચ્છે છે. ઇરાને તેના દસ મુદ્દાના જવાબમાં જણાવ્યું હતું કે યુદ્ધનો કાયમી અંત આવે, ફક્ત ઇરાન પરના જ હુમલા નહી, લેબનોન અને ગાઝામાં પણ યુદ્ધ ખતમ કરવામાં આવે. કોઈપણ યુદ્ધ ફરીથી શરુ નહી થાય તેની ખાતરી આપવામાં આવે. હોર્મુઝની ખાડી પરના તેના અંકુશને માન્યતા આપવામાં આવે. તેમા ટ્રાફિક નિયંત્રિત કરવાથી લઈને ત્યાંથી પસાર થતા શિપો પાસેથી ટોલ એકત્રિત કરવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બધા જ આર્થિક પ્રતિબંધો ઉઠાવી લેવાય.
ઇઝરાયેલે ઇરાનના ત્રણ એરપોર્ટ ઉડાવ્યા
ઇઝરાયલે સોમવારે ઇરાન પર મોટો હુમલો કર્યો. આઇડીએફનો દાવો છે કે તેણે ઇરાનના ત્રણ એરપોર્ટ પર હુમલો કર્યો. તેમા ડઝનબંધ વિમાન અને હેલિકોપ્ટરને નુકસાન પહોંચાડયું. આ સિવાય ઇરાનના લશ્કરી માળખાને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું. ઇઝરાયેલે જે એરપોર્ટને નિશાન બનાવ્યા તેની ઓળખ બહેરામ એરપોર્ટ, મેહરાબાદ એરપોર્ટ અને આજમાયેશ એરપોર્ટના સ્વરૂપમાં કરવામાં આવી છે.
આ પહેલા ઇઝરાયેલના હુમલામાં આઇઆરજીસી અને કુદ્સ ફોર્સના સીનિયર નેતાઓને પણ ખતમ કર્યાના સમાચાર સામે આવ્યા હતા. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ (આઇડીએફ)એ જણાવ્યું હતું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)ના ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન પ્રમુખ મેજર જનરલ માજિદ ખાદેમી અને કુદ્સ ફોર્સ યુનિટ-૮૪૦ંના સીનિયર કમાન્ડર અસગર બાઘેરીને હવાઈ હુમલામાં ખતમ કરવામાં આવ્યા હતા.
ઇઝરાયેલે જણાવ્યું હતું કે આઇડીએફની ગુપ્ત જાણકારી પર કામ કરતાં ઇઝરાયેલી હવાઈદળે ઇમામ હુસૈન ડિવિઝનની મુખ્ય કચેરી પર હુમલો કર્યો. સંગઠનના આર્ટિલરી પ્રમુખ કામિલ મેલહેમ અને ડિવિઝન કમાન્ડર યાહ્યા હુસૈનના સહયોગીઓ સહિત અન્ય ઓફિસરોને પણ ખતમ કર્યા હતા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં નેતન્યાહુએ તેના લશ્કરની પ્રશંસા કરી હતી. આઇડીએફે ખાદેમીતે જાસૂસી કામગીરીની દેખરેખ કરતો હતો જે ઇઝરાયેલને લક્ષ્યાંક બનાવતી હતી. જ્યારે બાઘેરી યુનિટ-૮૪૦ની વૈશ્વિક કામગીરીનું નેતૃત્વ કરતો હતો. આ હત્યાઓ આઇઆરજીસી અને કુદ્સ ફોર્સના સીનિયર લોકોને નિશાન બનાવવાના ઇઝરાયેલના મોટા અભિયાનનો હિસ્સો હતો.
તહેરાનના રહેણાક વિસ્તારો પર હુમલામાં ૧૩ના મોત
ઇરાનની રાજધાની તહેરાનના દક્ષિણ-પશ્ચિમ સ્થિત શરીફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના પર થયેલા હવાઈ હુમલામાં કમસેકમ ૧૩ના મોત થયા હતા. તેની સાથે કેમ્પસમાં ઉપલબ્ધ પ્રાકૃતિક ગેસ વિતરણ કેન્દ્રને પણ નુકસાન થયું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇરાનની આ યુનિવર્સિટી પર વિશ્વના ઘણા દેશ પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. તેના પર લશ્કર સાથે મળીને કામ કરવાના આરોપમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તેમા પણ ખાસ કરીને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં તેેની ભૂમિકાની શંકા છે. આ સિવાય કોમમાં રહેણાક વિસ્તારમાં થયેલા હવાઈ હુમલામાં કમસેકમ પાંચના મોત થયા હતા. અમેરિકન પ્રમુખ ટ્રમ્પની મંગળવારની ૪૮ કલાકની ડેડલાઇ પુરી થાય તે પહેલાં તેમણે સોમવારે પ્રેસ કોન્સફરન્સ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા પાસે એટલી તાકાત છે કે તે એક આખા દેશને એક રાતમાં ખતમ કરી શકે છે. તે રાત ગમે ત્યારે આવી શકે છે. આગામી રાત્રિ પણ હોઈ શકે છે. આમ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પહેલી જ વખત પરમાણુ હુમલાની ધમકી ઉચ્ચારી છે. તેના પગલે આખા વિશ્વમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે આખા વિશ્વમાં અમેરિકા જ એકમાત્ર એવો દેશ છે જેણે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. તેમણે અમેરિકાના લશ્કરી મિશનને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે આ ઓપરેશન લશ્કરી ઇતિહાસમાં નોંધાશે અને તેમા સામેલ લોકોની ભૂમિકા અત્યંત ખાસ રહી. ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં અમેરિકન લશ્કરને આદેશ આપ્યો હતો કે પોતાના સૈનિકોને પરત લાવવા માટે જે પણ જરૂરી હોય તે કરવામાં આવે. તેમણે સ્વીકાર્યુ હતુ કે આ અત્યંત જોખમી નિર્ણય હતો, કારણ કે એક કે બે સૈનિકને બચાવવા જવામાં ૧૦૦ સૈનિકોનો જીવ જોખમમાં મૂકાતો હતો.
અમેરિકા પાયલોટ માટે નહીં યુરેનિયમ ચોરવા આવ્યું હતું : ઇરાનનો ચોંકાવનારો દાવો
અમેરિકાના ઇરાનની ધરતી પર પાયલોટ બચાવવાના મિશનની બધે ચર્ચા છે ત્યારે ઇરાને ચોંકાવનારો દાવો કર્યો હતો કે તે સંભાવના નકારી શકાય નહીં કે અમેરિકા પાયલોટ અને ક્રૂ મેમ્બરના બહાને ઇરાનના એનરિચ્ડ યુરેનિયમ પર કબ્જો કરવા માંગતુ હતુ. અમેરિકાએ આ રેસ્ક્યુ ઓપરેશન ઇરાનના જે દક્ષિણી ઇસ્ફહાન પ્રાંતમાં ચલાવ્યું ત્યાં જ તેનું એક ન્યુક્લિયર એનરિચમેન્ટ સેન્ટર છે. એક પાયલોટને બચાવવાની આડમાં સમૃદ્દ યુરેનિયમ ચોરવાના હેતુથી પણ આ ઓપરેશન કરવામાં આવ્યું હોવાની સંભાવના નકારી ન શકાય.


