World

ઇરાન પહેલી જ વખત સંવર્ધિત યુરેનિયમ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવા તૈયાર

By GS Team
12 May 20263 mins read
ઇરાન પહેલી જ વખત સંવર્ધિત યુરેનિયમ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવા તૈયાર

- લશ્કરી ઉપાયથી ઇરાનનું યુરેનિયમ લો : નેતન્યાહુ

- ખાડી યુદ્ધની ન ઉકેલાયેલી મડાગાંઠ અંગે ઇરાન અને અમેરિકાએ એકબીજા પર આક્ષેપો કર્યા

- ટ્રમ્પે ઇરાનની પાક. દ્વારા મોકલાયેલી ઓફર નકારી અને અમેરિકાની દરખાસ્ત ઇરાને અવાસ્તવિક ગણાવી

વોશિંગ્ટન-તહેરાન : ઇરાન-અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધમાં ઇરાન પહેલી જ વખત તેનું સંવર્ધતિ યુરેનિયન ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવા તૈયાર થયું છે. ઇરાનના અગાઉના યુરેનિયમ તેના દેશની બહાર નહી જવાના દેવાના વલણમાં મોટો ફેરફાર દર્શાવે છે. ઇરાનનું આ વલણ રશિયન પ્રમુખ પુતિને ત્રીજા દેશ એટલે કે રશિયામાં તેનું સંવર્ધિત યુરેનિયમ લઈ જવા દેવામાં અઆવે તે ઓફર કરી હતી તેની સાથે મેળ ખાય છે. 

ઇરાન-અમેરિકા વચ્ચે સર્જાયેલી મડાગાંઠને લઈને બંને દેશે એકબીજા પર આરોપ મૂક્યા છે. ઇરાને આ દરખાસ્તમાં તાત્કાલિક યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે, તેમા હીઝબુલ્લાહ અને ઇરાન સાથેના યુદ્ધનો પણ સમાવેશ થાય છે. ઇરાને પાકિસ્તાન દ્વારા મોકલેલી દરખાસ્તને ટ્રમ્પે નકારી કાઢી છે. તેની સામે અમેરિકાએ મોકલેલી દરખાસ્તને ઇરાને અવાસ્તવિક ગણાવીને નકારી કાઢી છે. 

આમ બંને દેશ વચ્ચે યુદ્ધ ખતમ કરવાને લઈને મડાગાંઠ હજી પણ યથાવત્ છે અને વાટાઘાટો જારી છે. ઇરાને જણાવ્યું હતું કે અમે કંઈ રાહત માંગતા નથી. અમારો અધિકાર માંગીએ છીએ. અમેરિકા હજી પણ એકપક્ષીય વાત જ રજૂ કરે છે અને અતાર્કિક માંગો મૂકે છે. જો કે ઇરાને  તેની માંગમાં થોડી બાંધછોડ કરતાં તેની યુરેનિયમ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવાની તૈયારી બતાવી છે, જેની રશિયાએ દરખાસ્ત કરી છે. 

મધ્યપૂર્વમાં બંને દેશ વચ્ચેની આ યુદ્ધ જેવી સ્થિતિ ફરીથી યુદ્ધમાં પરિણમે તેવી પ્રબળ સંભાવના છે. ઇરાને હજી પણ હોર્મુઝની ઘેરાબંધી જારી રાખી છે અને અમેરિકાએ ઇરાનની ઘેરાબંધી જારી રાખી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ આ અઠવાડિયે ચીનની મુલાકાત લેવાના છે અને આ પ્રવાસમાં તે ઇરાન પર દબાણ લાવવા માટે ચીન સાથે વાત કરી શકે તેમ છે. ચીન ઇરાનના ક્રૂડ ઓઇલનું સૌથી મોટું ખરીદદાર છે. તેણે અમેરિકાના પ્રતિબંધોની ધમકીને કોરાણે મૂકીને ઇરાનના ઓઇલની ખરીદી કરી છે.

આમ છતાં પણ આ ડીલ થવું અઘરું છે. ઇરાન સતત માંગ કરી રહ્યુ છે કે અમેરિકા તેની ઘેરાબંધી ખતમ કરે અને સંવર્ધિત યુરેનિયમ અને પરમાણુ કાર્યક્રમ અંગે વાટાઘાટો શરૂ કરતાં પહેલા તેના પરના પ્રતિબંધો ઉઠાવી લે. બીજી બાજુએ અમેરિકા-ઇઝરાયેલ ઇચ્છે છે કે ઇરાન પાસેથી સંવર્ધિત કરવામાં આવેલુ યુરેનિયમ લઈ લેવામાં આવે. તેનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા થઈ શકે છે. બીજી બાજુએ તહેરાને જણાવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિમય હેતુઓ માટે છે. તેણે તેના નાગરિક પરમાણુ કાર્યક્રમ માટે વધુ પ્રમાણમાં યુરેનિયમ સંવર્ધિત કર્યુ છે.

ટ્રમ્પે અગાઉ રવિવારે જણાવ્યું હતું કે ઇરાનની દરખાસ્ત સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમા ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ચર્ચા કરવા અંગે ઘેરાબંધી દૂર કરવાની વાત કહેવામાં આવી હતી. હોર્મુઝને લઈને ઘેરાબંધી જારી રહેતા વિશ્વના ઓઇલ-નેચરલ ગેસના ભાવ આકાશને આંબવા લાગ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેનત્યાહુએ જણાવ્યું હતું કે યુદ્ધ હજી પૂરુ થયું નથી. આ યુદ્ધનું ધ્યેય ઇરાનમાંથી પરમાણુ સામગ્રી બહાર લઈ જવાનુ હતુ, તે હજી પૂરુ થયુ નથી. હવે જો વાટાઘાટથી આ કામ પૂરુ ન થાય તો લશ્કરી ઉપાય અજમાવી પૂરુ કરવું જોઈએ.