Get The App

ઈરાનમાં લોહીની નદીઓ વહી: બે દિવસમાં 36,000 દેખાવકારોના નરસંહારનો દાવો

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનમાં લોહીની નદીઓ વહી: બે દિવસમાં 36,000 દેખાવકારોના નરસંહારનો દાવો 1 - image


Iran Protest Deaths January 2026 : ઈરાનમાં જાન્યુઆરીની શરૂઆતમાં થયેલા વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે સરકારી દળોએ કરેલી કાર્યવાહીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિરોધ પક્ષના પ્રભાવશાળી મીડિયા આઉટલેટ 'ઈરાન ઈન્ટરનેશનલ'ના જણાવ્યા અનુસાર, માત્ર 8 અને 9 જાન્યુઆરીના રોજ થયેલા દમનમાં 36,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને આધુનિક ઇતિહાસનો સૌથી મોટો બે દિવસીય નાગરિક નરસંહાર ગણાવવામાં આવી રહ્યો છે.

વર્ગીકૃત દસ્તાવેજો દ્વારા મોટો ખુલાસો 

અહેવાલ મુજબ, આ આંકડો ફિલ્ડ રિપોર્ટ્સ, તબીબી સ્ટાફ, પ્રત્યક્ષદર્શીઓ અને પીડિત પરિવારોના નિવેદનો તેમજ કેટલાક ક્લાસિફાઇડ (વર્ગીકૃત) દસ્તાવેજોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ઈરાની સુરક્ષા દળો, ખાસ કરીને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને બસીજ મિલિશિયા પર આ હત્યાકાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસામાં ઈરાક અને સીરીયાથી લાવવામાં આવેલા ભાડૂતી લડવૈયાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ લીડર ખામેનેઈ બંકરમાં છુપાયા 

જ્યારે એક તરફ દેશમાં આટલી મોટી જાનહાનિ થઈ છે, ત્યારે બીજી તરફ ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ સુરક્ષાના કારણોસર અજ્ઞાત સ્થળે ખસી ગયા હોવાના અહેવાલ છે. વધતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અમેરિકાના હુમલાના ભયને ધ્યાનમાં રાખીને ખામેનેઈ  તેહરાનમાં એક અત્યંત સુરક્ષિત અંડરગ્રાઉન્ડ બંકરમાં ચાલ્યા ગયા હોવાનું માનવામાં આવે છે. તેમણે શાસનની કમાન તેમના ત્રીજા પુત્રને સોંપી હોવાની પણ ચર્ચાઓ છે.

લોકશાહીની માંગ અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા 

ઈરાનના નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ આ હિંસાની નિંદા કરી છે અને ઈરાનમાં ધર્મનિરપેક્ષ લોકશાહી સ્થાપવા માટે મુક્ત ચૂંટણીઓ કરાવવાની માંગ કરી છે. વિશ્વભરમાં વસતા ઈરાનીઓ દ્વારા ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપમાં વિરોધ પ્રદર્શનો યોજવાની તૈયારીઓ થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે પણ ઈરાની સુરક્ષા દળોની આ અમાનવીય કાર્યવાહીની સખત ટીકા કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે.

વિશ્વભરમાંથી ઉડાન સેવાઓ રદ 

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુદ્ધની આશંકા વચ્ચે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે ઈરાન અને તેની આસપાસના દેશો માટેની તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. લુફ્થાન્સા, એર ફ્રાન્સ અને કેએલએમ જેવી મોટી કંપનીઓએ ઈઝરાયલ, યુએઈ અને સાઉદી અરેબિયા માટેની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે અથવા એડવાઈઝરી જારી કરી છે.