| AI તસવીર |
US iran War: એક તરફ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે સફળ વાતચીતનો દાવો કરી કહી રહ્યા છે કે ઈરાનના ઊર્જા મથકો પર 5 દિવસ સુધી કોઈ હુમલો અમેરિકા નહીં કરે, ત્યારે બીજી તરફ ઈરાન ટ્રમ્પના દાવાને પીછેહઠ ગણાવી વાતચીત થયાની વાતને ફગાવી રહ્યું છે.
અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ નથી: ઈરાન
ઈરાની સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઈરાને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરેલા વાતચીતના દાવાને નકારી કાઢ્યો છે. IRGC સાથે સંબંધ ધરાવતી ઈરાની મીડિયાનું કહેવું છે કે ટ્રમ્પ સાથે કોઈ વાતચીત થઈ નથી, જે બાદ દાવો કર્યો કે ટ્રમ્પ ઈરાનના વળતાં પ્રહારથી ડરીને પાછળ હટી ગયા છે.
શૈતાનની એક વધુ હાર: ઈરાની નેતા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 'શાંતિ મંત્રણા'ના દાવા પર ઈરાને સનસનીખેજ વળાંક આપ્યો છે. ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ જ સંપર્ક થયો નથી. અમારા વળતા પ્રહારના ડરના કારણે અમેરિકાએ પીછેહઠ કરી છે. ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિદેશ નીતિ આયોગના પ્રવક્તા ઇબ્રાહીમ રેજાઈએ કહ્યું કે યુદ્ધ યથાવત્ છે, શૈતાનની એક વધુ હાર, ટ્રમ્પ અને સંયુક્ત રાજ્ય અમેરિકા ફરી એક વખત હારી ગયું છે.
ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા: ટ્રમ્પ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલી ઊંડી અને વિગતવાર ચર્ચાને ધ્યાનમાં રાખીને, મેં ડિપાર્ટમેન્ટ ઑફ વોરને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી 5 દિવસ માટે મોકૂફ રાખવામાં આવે. હવે આ વાતચીત આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે.
આ પણ વાંચો: 5 દિવસ ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા, 2 દિવસની 'સિક્રેટ વાતચીત' બાદ ટ્રમ્પનો યુ-ટર્ન
શાંતિ માટેનો નવો માર્ગ?
ટ્રમ્પના આ આદેશથી હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલું યુદ્ધનું વાતાવરણ અત્યારે શાંત પડ્યું છે. જો આ મંત્રણા સફળ રહેશે તો આગામી દિવસોમાં યુદ્ધનો કાયમી ઉકેલ આવી શકે છે. ટ્રમ્પે આ મંત્રણાને 'કન્સ્ટ્રક્ટિવ' ગણાવી છે, જે દર્શાવે છે કે બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શકે છે.


