Iran Proposes Reopening Strait of Hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ સમજૂતી થઈ શકી નથી. આ ગંભીર સ્થિતિ વચ્ચે ઈરાને હવે મંત્રણા માટે એક નવો દાવ ખેલ્યો છે. ઈરાને પાકિસ્તાન મારફતે વ્હાઇટ હાઉસને એક નવો પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં તે વિશ્વના મહત્ત્વના વેપારી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા તૈયાર થયું છે. જોકે, ઈરાને એક મોટી શરત મૂકી છે કે તે પરમાણુ હથિયારો અંગેની ચર્ચા હાલ નહીં પણ પછીથી કરશે. ઈરાન ઈચ્છે છે કે પહેલા દરિયાઈ સંકટ ઉકેલાય અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નાકાબંધી હટાવવામાં આવે, ત્યારપછી જ પરમાણુ મુદ્દે વાતચીત શરૂ કરવામાં આવશે.
આર્થિક રાહત મેળવવા માટે પરમાણુ મુદ્દાને ટાળવાનો દાવ
ઈરાનનો આ નવો અભિગમ એક મોટી વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે. અહેવાલો મુજબ, ઈરાની નેતૃત્વમાં પરમાણુ મુદ્દે ભારે મતભેદો પ્રવર્તી રહ્યા છે. વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સંકેત આપ્યા છે કે યુરેનિયમ સંવર્ધન અને તેના ભંડારને હટાવવા બાબતે નેતાઓ એકમત નથી. આ આંતરિક કલહને કારણે ઈરાન હાલ પરમાણુ નિર્ણયોને ટાળીને માત્ર આર્થિક રાહત મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઈરાને આ પ્રસ્તાવમાં લાંબા સમય સુધી સીઝફાયર જાળવી રાખવાની અથવા તેને કાયમી શાંતિમાં બદલવાની તૈયારી પણ દર્શાવી છે.
ઈરાનના નવા પ્રસ્તાવથી અમેરિકન અધિકારીઓ મૂંઝવણમાં
બીજી તરફ, ઈરાનની આ ડીલે વોશિંગ્ટનની ચિંતામાં વધારો કર્યો છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે જો પરમાણુ કરાર પહેલા નાકાબંધી હટાવી લેવામાં આવે, તો ઈરાન પર દબાણ લાવવાની તેમની શક્તિ ઘટી જશે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન લાંબા સમય સુધી યુરેનિયમ સંવર્ધન બંધ રાખે. આ મધ્યસ્થતામાં પાકિસ્તાન ઉપરાંત ઇજિપ્ત, તૂર્કીયે અને કતાર પણ સામેલ છે. હવે આખી દુનિયાની નજર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગામી પગલા પર છે. ટ્રમ્પે અગાઉ સંકેત આપ્યા હતા કે જ્યાં સુધી કોઈ નક્કર સમજૂતી નહીં થાય ત્યાં સુધી દરિયાઈ નાકાબંધી ચાલુ રહેશે અને જો નિકાસ અટકશે તો ઈરાનનું ઓઇલ તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગશે.


