India

CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ, કહ્યું- 'કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી...'

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીમાં આગામી પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે CJI સૂર્યકાંતને આમંત્રિત કરાતા વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓના એક જૂથે CJI ના તાજેતરના નિવેદનોને શૈક્ષણિક સ્વતંત્રતા વિરુદ્ધ ગણી આમંત્રિત કરવાનો વિરોધ કર્યો છે. 2026ના બેચના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસનને પત્ર લખી નિર્ણય પર પુનર્વિચાર કરવા માંગ કરી છે. યુનિવર્સિટી પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ, કહ્યું- 'કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી...'

CJI Stuck in Controversy : હૈદરાબાદની પ્રતિષ્ઠિત 'નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ' (NALSAR) યુનિવર્સિટીમાં આગામી પદવીદાન સમારોહ (કોન્વોકેશન સેરેમની) ને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને મુખ્ય અતિથિ (ચીફ ગેસ્ટ) તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓના એક જૂથે સખત વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે CJI ના તાજેતરના નિવેદનો શૈક્ષણિક સ્વતંત્રતા અને બંધારણીય જવાબદારીના મૂલ્યોની વિરુદ્ધ છે.

વર્ષ 2026ના બેચના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર, ફેકલ્ટી અને પ્રશાસનને એક પત્ર લખીને આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે અદાલતના તાજેતરના કેટલાક વલણો અને નિવેદનોથી વિદ્યાર્થીઓ અને યુવાનો પ્રત્યે તેમની ઉદાસીનતા છતી થઈ છે.

વિદ્યાર્થીઓએ પત્રમાં શું લખ્યું?
યુનિવર્સિટી પ્રશાસનને મોકલેલા પત્રમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા લખ્યું છે કે, "યુવાનોને વંદો (કોકરોચ) કહેવાથી લઈને પોલીસ બર્બરતાના વીડિયો જોવાનો સમય ન હોવા જેવા અસંવેદનશીલ નિવેદનો આપીને CJI એ અમારા જેવા વિદ્યાર્થીઓ પ્રત્યે અણગમો દર્શાવ્યો છે. આવા સંજોગોમાં તેમને અમારા કોલેજમાં આમંત્રિત કરવા અને તેમના હસ્તે એ ડિગ્રીઓ પ્રાપ્ત કરવી, જે અમારા માટે શૈક્ષણિક અને ભાવનાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે, તે અમને યોગ્ય લાગતું નથી."

વિદ્યાર્થીઓએ વધુમાં વિનંતી કરતા જણાવ્યું છે કે પ્રશાસન CJI ને આપેલા નિમંત્રણ પર ફરીથી વિચાર કરે. તેઓ આશા રાખે છે કે યુનિવર્સિટી આ માંગને માત્ર એક બેચની માંગ ન ગણતા તમામ ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓની એક સાચી અને સામાજિક ચિંતા તરીકે ગણશે.

પ્રશાસનની પ્રતિક્રિયાની રાહ
વિદ્યાર્થીઓનો આ પત્ર સામે આવ્યા બાદ દેશના કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. જોકે, આ વિવાદ અંગે NALSAR યુનિવર્સિટી પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી.