Get The App

'ઈઝરાયલના કહ્યામાં આવીને ટ્રમ્પ ફરી ગમે ત્યારે યુદ્ધ ભડકાવશે..', ઈરાનના સાંસદની ગંભીર ચેતવણી

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
Iran-US War Fears
(IMAGE - IANS)

Iran-US War Fears: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં અનિશ્ચિતતા વચ્ચે હવે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈરાનના સાંસદ અલી ખેજરિયાને ચેતવણી આપી છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના પ્રભાવ હેઠળ આવીને ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. ઈરાનની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના સભ્ય ખેજરિયાના મતે, આ ક્ષેત્રમાં અમેરિકન સેનાની તહેનાતી એ સંકેત આપે છે કે હુમલો 'કોઈપણ ક્ષણે' શરૂ થઈ શકે છે. ટ્રમ્પે તાજેતરમાં તેલની પાઈપલાઈનમાં વિસ્ફોટ કરવાની ધમકી આપી હોવાથી સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. આ દરમિયાન ઈરાને વોશિંગ્ટન સાથેની તમામ વાટાઘાટો હાલ પૂરતી રોકી દીધી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

ઈરાને પાકિસ્તાનને મધ્યસ્થી માટે અયોગ્ય ગણાવ્યું

મધ્યસ્થીની ભૂમિકાને લઈને પણ ઈરાનનો સૂર આકરો જણાઈ રહ્યો છે. ઈરાની સાંસદ ઇબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાનને યોગ્ય મધ્યસ્થી માનવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે પાકિસ્તાન હંમેશા ટ્રમ્પના હિતોનું ધ્યાન રાખે છે અને અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ એક શબ્દ પણ બોલતું નથી. રેઝાઈના મતે, એક સારા પાડોશી હોવા છતાં પાકિસ્તાન પાસે મધ્યસ્થતા માટે જરૂરી તટસ્થતા અને ભરોસાનો અભાવ છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે બંને દેશો શાંતિપૂર્ણ ઉકેલ માટે ફોન પર વાતચીત કરી શકે છે. તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળ મોકલવાને બદલે ફોન પર વાત કરવી વધુ સરળ વિકલ્પ છે અને હવે તમામ પસંદગીઓ ઈરાનના હાથમાં છે.

અમેરિકાને અબજો ડૉલરનો ફટકો

સંઘર્ષના આ માહોલમાં અમેરિકાને આર્થિક રીતે મોટું નુકસાન થયું હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા હુમલા બાદ ઈરાનની જવાબી કાર્યવાહીમાં અમેરિકાને અબજો ડૉલરનું નુકસાન વેઠવું પડ્યું છે. ઈરાને પશ્ચિમ એશિયાના સાત દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો, રડાર સિસ્ટમ અને કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવ્યા હોવાનું મનાય છે. 

આ પણ વાંચો: 'પાકિસ્તાન ભરોસાને લાયક નથી, એ ટ્રમ્પ સામે ઝૂકે છે...', શાંતિ મંત્રણા મુદ્દે ઈરાને કરી ફજેતી

આ યુદ્ધમાં સૌથી આશ્ચર્યજનક ઘટના એ બની કે ઈરાનનું એક જૂનું એફ-5 લડાકુ વિમાન અમેરિકાની આધુનિક સંરક્ષણ પ્રણાલીને થાપ આપીને હુમલો કરવામાં સફળ રહ્યું. આ બાબત અમેરિકા માટે મોટી શરમજનક સ્થિતિ ગણાઈ રહી છે, જોકે અમેરિકન સંરક્ષણ વિભાગે હજુ સુધી આ નુકસાન અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

'ઈઝરાયલના કહ્યામાં આવીને ટ્રમ્પ ફરી ગમે ત્યારે યુદ્ધ ભડકાવશે..', ઈરાનના સાંસદની ગંભીર ચેતવણી 2 - image