વ્હાઈટ હાઉસ ડિનરમાં ફાયરિંગની ઘટના પર ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી, શેર કર્યો એનિમેટેડ VIDEO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Attack on Donald Trump: વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ ગંભીર સુરક્ષા ચૂક બાદ હવે ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવતો એક એનિમેટેડ વીડિયો જાહેર કરીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઈરાન સમર્થિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં વ્યંગાત્મક શૈલીમાં અમેરિકી તંત્ર પર પ્રહારો કરવામાં આવ્યા છે.
લેગો-સ્ટાઈલ એનિમેશન અને ડિસ ટ્રેક
ઈરાન દ્વારા જારી કરવામાં આવેલો વીડિયો ‘લેગો-સ્ટાઈલ’ (Lego-style) એનિમેશનમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક રેપ-સ્ટાઈલ ‘ડિસ ટ્રેક’ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સીધો ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ અને અમેરિકાની સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતા પર કટાક્ષ કરે છે. વીડિયોમાં એ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે કે કેવી રીતે ગોળીબાર બાદ અંધાધૂંધી મચી અને સુરક્ષા કર્મચારીઓ ટ્રમ્પને બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા.
વીડિયોમાં કરવામાં આવેલા આક્ષેપો
આ એનિમેટેડ વીડિયોમાં માત્ર મજાક જ નહીં, પરંતુ રાજકીય નિશાન પણ સાધવામાં આવ્યું છે. વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર વાર્તાઓમાં છેડછાડ કરવામાં માહિર છે અને તેઓ અમેરિકી મીડિયાને નિયંત્રિત કરી શકે છે. વીડિયોના અંતમાં એક સંદેશ આપવામાં આવ્યો છે કે, 'ટ્રમ્પ ભલે અમેરિકામાં મીડિયાને મેનિપ્યુલેટ કરી શકતા હોય, પરંતુ ઈરાન પર તેમનું કોઈ નિયંત્રણ નથી.'
ટ્રમ્પના ભાષણ દરમિયાનની અંધાધૂંધી
ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ગોળીબાર થયો ત્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા. ઈરાની વીડિયોમાં આ ચોક્કસ ક્ષણને હાસ્યાસ્પદ રીતે રજૂ કરવામાં આવી છે, જેમાં ટ્રમ્પ અને અન્ય ટોચના અધિકારીઓને સુરક્ષા જવાનો દ્વારા ઉતાવળમાં બહાર કાઢવામાં આવતા દર્શાવાયા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો પહેલેથી જ તણાવપૂર્ણ છે, ખાસ કરીને અરબી સમુદ્રમાં ઈરાની જહાજો પર અમેરિકાની તાજેતરની કાર્યવાહી બાદ આ વીડિયો વોર તેહરાનનો પલટવાર હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. હાલમાં વોશિંગ્ટન તરફથી આ વીડિયો મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.








