World

ઈરાન નમવા તૈયાર નથી : આક્રમણ કરતું રહે છે, અબુધાબીમાં ફ્રેન્ચ બેઝ ઉપર મિસાઇલ્સ છોડયાં

By GS TEAM
2 Mar 20263 mins read
ઈરાન નમવા તૈયાર નથી : આક્રમણ કરતું રહે છે, અબુધાબીમાં ફ્રેન્ચ બેઝ ઉપર મિસાઇલ્સ છોડયાં

- લાંબા સમયનાં યુદ્ધ માટે અમેરિકા પહેલેથી જ તૈયાર રહ્યું છે

- કુવૈતમાં અમેરિકાનું એફ-15 ફાયટર જેટ તૂટી પડયું ઈરાનનો દાવો છે કે તે અમારા મિસાઇલથી તૂટી પડયું હતું

નવી દિલ્હી : તેલ પર તરતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ હવે કાબુમાં આવે તે સંભવિત લાગતું નથી. અમેરિકા-ઈઝરાયલના પ્રચંડ પ્રહારો વચ્ચે પણ રૃસ્તમ-સોહરાબની આ ભૂમિ નમતું જોખવા તૈયાર નથી. ઈરાને મધ્યપૂર્વમાં છ દેશોમાં રહેલાં અમેરિકાનાં યુદ્ધ મથકો ઉપર મિસાઇલ આક્રમણો ચાલુ રાખ્યાં છે. અબુધાબીમાં રહેલાં ફ્રેન્ચ બેઝ ઉપર પણ મિસાઇલ્સ વહેતા મુકી માત્ર અમેરિકા કે ઈઝરાયલને જ નહીં, પશ્ચિમનાં જગતને પણ પડકાર ફેંક્યો છે.

તે દરમિયાન કુવૈતમાં અમેરિકાનું ફાયટર જેટ એફ-૧૫ તૂટી પડતાં ઈરાને દાવો કર્યો છે કે તે વિમાન અમારા મિસાઇલે તોડી પાડયું છે.

તે સર્વવિદિત છે કે ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલાને લીધે ઈરાનનાં કેટલાંયે શહેરો અને બંદરગાહો ઉપર વ્યાપક હુમલા કરે રાખ્યા છે. તે હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનેઈનું મૃત્યુ થયા પછી ઈરાન જાણે કે ઝનૂને ભરાયું છે.

મધ્યપૂર્વના બધા દેશોમાં કુવૈત અમેરિકાની સૌથી વધુ નજીક છે. સદ્દામ હુસૈનનાં આક્રમણ પછી તો તે અમેરિકાનાં સંપૂર્ણ રક્ષણ નીચે આવી ગયું છે. ત્યાં, અમેરિકાનું યુદ્ધ વિમાન તોડી પડાયા પછી ઈરાને તેઓ પણ દાવો કર્યો છે કે તેણે ભૂમિ ઉપર રહેલાં અન્ય યુદ્ધ વિમાનો પણ તોડી પાડયાં છે. જોકે તેના આ દાવાને સ્પષ્ટ સમર્થન મળતું નથી, તે અલગ વાત છે.

કુવૈત સ્થિત, અમેરિકી મથકોનાં એરફીલ્ડઝ ઉપર પણ ઈરાને હુમલા કર્યા છે. આ એરફીલ્ડઝ અમેરિકી યુદ્ધ વિમાનો માટે પેટ્રોલ ઉપરાંત પાયલોટસની તથા સૈનિકોની સુવિધાઓ પૂરી પાડવા માટેનાં મધ્યપૂર્વ સ્થિત કેન્દ્રસ્થ મથકો છે ત્યાં સપોર્ટ ટ્રાન્સપોર્ટસ સપ્લાઈ ટેન્કર્સ અને એર-ક્રાફટ કોન્ટીજન્ટસ (ટુકડીઓ) દાયકાઓથી રહેલી છે. સઉદી અરબસ્તાનનાં પ્રિન્સ સુલ્તાન એર-બેઝમાં અમેરિકાની એર ડીફેન્સ સીસ્ટીમ્સ રહેલી છે. (જેવી કે પેટ્રિયર અને થાડ (ટી.એચ.એમ.ડી) સીસ્ટીમ્સ સતત તૈનાત રહે છે. તેની સાથે સહાયક બાબતો રહેલી છે. આ સર્વે એવા વ્યૂહાત્મક સ્થળોએ આવેલા છે કે જેથી તે ગલ્ફ અને ઈરાન બંને ઉપર સીધી નજર રાખી શકે. આથી જ ઈરાને સઉદી અરબસ્તાન સ્થિત તે બેઝીઝને નિશાન બનાવ્યાં હતા.

યુ.એ.ઈ. સ્થિત અલ-ધારા એરબેઝનો અમેરિકી એરફોર્સ જાસૂસી વિમાનોનાં ઉડ્ડયનો માટે ચોકીદારી કરતાં વિમાનો તથા મિસાઇલ ડીફેન્સ નેટવર્ક ધરાવે છે. બહેરિનમાં અમેરિકાનાં પાંચમા નૌકા કાફલાનું મુખ્ય મથક છે ત્યાંથી ઈરાનના અખાત તથા હિન્દ મહાસાગર વિસ્તારમાં યુદ્ધ જહાજોની કાર્યવાહી માટે મહત્વનું કેન્દ્ર છે. આ માત્ર નૌકા મથક જ નથી, પરંતુ પ્રાદેશિક કાર્યવાહી માટેનું મેજર કમાન્ડ એન્ડ સપોર્ટ સેન્ટર છે.

ઈરાક સ્થિત અલ અસદ એરબેઝ તેમજ કુર્દીસ્તાન સ્થિત એરબેઝિઝ ઈરાનની બોર્ડર નજીક છે ત્યાંથી ઈરાન પર સીધા હુમલા થઈ શકે તેમ છે.

આ ઉપરાંત અમેરિકાએ નાનાં નાનાં યુદ્ધ વિમાન મથકો પણ મધ્યપૂર્વમાં રાખ્યા છે, તે સર્વે મથકો હાઈ-એલર્ટ પર છે. બહુ સ્પષ્ટ છે અમેરિકા લાંબા સમયનાં યુદ્ધ માટે પહેલેથી જ તૈયાર રહેલું છે.

વર્તમાન યુદ્ધોમાં જે પહેલું થાકે તે પરાજિત બને છે. ઈ. લિપ્સનનું આ કથન ઈરાને યાદ રાખવું જોઈએ.