ઈરાનનો અમેરિકા પર વળતો પ્રહાર, કુવૈત-બહેરીનમાં 8 સૈન્ય ઠેકાણા નષ્ટ કર્યાનો IRGC નો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran IRGC Attacks US Military Bases 2026: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અલ્ટીમેટમ છતાં, ઈરાનની સૈન્ય પાંખ રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકાના 8 મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે આ કાર્યવાહી અમેરિકા દ્વારા ઈરાનની 5 દરિયાકાંઠાની ચોકીઓ પર કરવામાં આવેલા હુમલાનો ‘નિર્ણાયક જવાબ’ છે.
રાત્રે 2 વાગ્યે ઈરાની નેવી અને એરોસ્પેસ ફોર્સનું સંયુક્ત ઓપરેશન
ઈરાનની સેના IRGC ના જણાવ્યા અનુસાર, આ સૈન્ય ઓપરેશન રાત્રે અંદાજે 2 થી 3 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ઈરાની નેવી અને એરોસ્પેસ ફોર્સે સંયુક્ત રીતે ભાગ લીધો હતો. ઈરાનના નિશાના પર કુવૈતનું પ્રખ્યાત ‘અલી અલ સલેમ એરબેઝ’ અને બહેરીનમાં આવેલું અમેરિકાના પાંચમા નૌકા સૈન્ય આર્મી બેઝનું (5th Fleet) મુખ્ય મથક હતું. ઈરાનનો દાવો છે કે મિસાઈલ અને ડ્રોન હુમલામાં આ તમામ સૈન્ય મથકોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
જહાજ રોકવાના બહાને અમેરિકાએ કર્યો હતો હુમલો
ઈરાને સ્પષ્ટતા કરી છે કે એક શંકાસ્પદ જહાજને રોકવાની કાર્યવાહીનું બહાનું બનાવીને અમેરિકાએ પહેલા ઈરાની દરિયાઈ ક્ષેત્રમાં આવેલી 5 કોસ્ટલ ચોકીઓ પર આક્રમણ કર્યું હતું. જેના જવાબમાં આ જવાબી પ્રહાર કરાયો છે. પાકિસ્તાનની મધ્યસ્થતાથી અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના કરાર મુજબ, હોર્મુઝમાંથી પસાર થતી શિપિંગ લાઈનની સુરક્ષાની જવાબદારી હવે ઈરાનની છે. ઈરાને ચેતવણી આપી છે કે જો કોઈ જહાજ નિયમો તોડશે, તો તેની સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમેરિકી સેના CENTCOM નું એક્શન અને સિરીકમાં બ્લાસ્ટ
બીજી તરફ, અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે સ્વીકાર્યું છે કે તેણે ઈરાનની અંદર કેટલાક ચોક્કસ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાના મતે, આ એક્શન એક વ્યાપારી તેલ ટેન્કર પર થયેલા હુમલાના વિરોધમાં લેવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈરાની સરકારી ચેનલ IRIB ના અહેવાલ મુજબ, ઈરાનના હોર્મોઝગાન પ્રાંતના સિરિક વિસ્તારમાં એક ટેલિકોમ ટાવર પર હુમલો થતાં ભારે ધડાકા સંભળાયા હતા. જ્યારે કેશમ દ્વીપ (Qeshm Island) પર પણ કેટલાક બ્લાસ્ટ થયા હોવાના અહેવાલો છે. શુક્રવારે ઈરાની નેવી દ્વારા એક જહાજ પર કરાયેલા વોર્નિંગ ફાયરિંગ બાદ શરૂ થયેલો આ વિવાદ હવે બંને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાના સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ રહ્યો છે.







