Get The App

ઇરાનને ચીનનો સાથ મળ્યો : સમુદ્રમાં જ જહાજોનો નાશ કરે તેવાં સુપરસોનિક મિસાઇલ્સ આપશે

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનને ચીનનો સાથ મળ્યો : સમુદ્રમાં જ જહાજોનો નાશ કરે તેવાં સુપરસોનિક મિસાઇલ્સ આપશે 1 - image

- આ ઘાતક સુપરસોનિક એન્ટીશિપ મિસાઈલ CM-302 290 કિ.મી. સુધી અચુક પ્રહાર કરી શકે તેમ છે : સાથે નવાં સંરક્ષણ સમીકરણો રચાઈ રહ્યાં છે

નવી દિલ્હી : મધ્યપૂર્વમાં યુદ્ધની આહટ વચ્ચે ઇરાને અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ઇરાન પર હુમલો કરશે, તો તે તેના માટે એક ખતરનાક જુગાર બની રહેશે. આ ચેતવણી આપતાં ઇરાનના ઉપવિદેશમંત્રી મજીદ તખ્ત રવાંચીએ સ્પષ્ટ કહ્યું હતું કે ઇરાને પણ પોતાનાં સંરક્ષણની યોજના ઘડી કાઢી જ છે. આમ છતાં તેમણે કહ્યું હતું કે મંત્રણાનાં દ્વાર તો ખુલ્લાં જ છે.

બીજી તરફ ઇરાન તેની સંરક્ષણ તાકાત વધારી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રૉઈટર્સનાં જણાવ્યા મુજબ યુદ્ધની વધતી જતી આશંકાઓ વચ્ચે ઇરાને પ્રહાર શક્તિ પણ વધારવી શરૂ કરી દીધી છે. જેમાં ચીન તેને સાથ આપી રહ્યું છે. તેનાં સુપરસોનિક એન્ટીશિપ મિસાઈલ્સ સીએમ-૩૦૨ ઇરાનને વેચવાનું છે. આ મિસાઈલ ૨૯૦ કિ.મી. દૂરથી અચૂક ઘાતક પ્રહાર કરી શકે તેમ છે. તે દુશ્મનનાં યુદ્ધ જહાજોને સમુદ્રમાં ડૂબાડી દઈ શકે તેમ છે.

ચીન સાથેના ઇરાનના આ સંભવિત સોદાને લીધે અમેરિકા અને તેના સાથીઓની ઊંઘ ઊડી ગઈ છે. જો આ સમજૂતી થઈ જ જશે તો મધ્યપૂર્વમાં સંરક્ષણ સમીકરણો બદલાઈ જશે.

દરમિયાન અમેરિકા અને ઇરાન વચ્ચે ૨૬ મી ફેબુ્રઆરી અને ગુરૂવારે જીનીવામાં મહત્વની મંત્રણા યોજાવાની છે. ઇરાને કહ્યું છે કે પૂરી ઇમાનદારી સાથે આ મંત્રણામાં ઉપસ્થિત રહેવાનું છે. ઇરાન વહેવામાં વહેલી તકે કોઈ સમજૂતી ઉપર આવવા માગે છે. બીજી તરફ વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી, કેરોલિન લીલીટે સંકેત આપ્યો છે કે પ્રમુખ ટ્રમ્પનો પહેલો વિકલ્પ હંમેશા રાજદ્વારી પદ્ધતિ જ રહ્યો છે. પરંતુ અનિવાર્ય લાગે તો જ તે સૈન્ય શક્તિનો ઉપયોગ કરશે. ટૂંકમાં અત્યારે તો સમગ્ર દુનિયાની નજર સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં યોજાનારી અમેરિકા-ઇરાન મંત્રણા ઉપર રહી છે.