Iran America War : ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોઈ વિદેશી સેના ઈરાનની ધરતી પર ગ્રાઉન્ડ ઓપરેશન કરી શકે? ઈરાન પાસે માત્ર મિસાઈલો જ નથી, પરંતુ કુદરતે તેને એવું ભૌગોલિક કવચ આપ્યું છે જે કોઈપણ આધુનિક સેના માટે મોતની જાળ સાબિત થઈ શકે છે.
1. જાગ્રોસ પર્વતમાળા 1500 કિમી લાંબી કુદરતી દીવાલ
ઈરાનના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં જાગ્રોસ પર્વતમાળા આવેલી છે. આ પર્વતમાળા 1500 કિલોમીટર સુધી ફેલાયેલી છે, જેની ટોચ 4000 મીટરથી પણ વધુ ઊંચી છે. આ વિસ્તાર એટલો ઊબડ-ખાબડ અને સીધી ચઢાણ વાળો છે કે અહીંથી ભારે ટેન્કો, હથિયારો કે રશદ પહોંચાડવી લગભગ અશક્ય માનવામાં આવે છે. દુશ્મન સેના માટે આ પહાડો ઓળંગવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે.

2. અલ્બોર્ઝ પર્વત ઉત્તરનો અજેય રક્ષક
ઉત્તરમાં કેસ્પિયન સાગરના કિનારે અલ્બોર્ઝની પહાડીઓ આવેલી છે. અહીં ઈરાનનું સૌથી ઊંચું શિખર માઉન્ટ દામાવંદ આવેલું છે. જેની ઊંચાઈ 5610 મીટર છે. આ પહાડો ઉત્તર તરફથી આવતી બરફીલી હવાઓ સામે રક્ષણ આપે છે. સૈન્ય દ્રષ્ટિએ આ પર્વતમાળા દુશ્મનો માટે એક મજબૂત દીવાલનું કામ કરે છે, જેને ભેદવી અત્યંત જોખમી છે.
3. દશ્ત-એ-કાવીર મીઠાનું મોતનું રણ
ઈરાનની મધ્યમાં બે વિશાળ અને ખતરનાક રણ આવેલા છે. જેમાંથી દશ્ત-એ-કાવીર અથવા મહાન મીઠાનું રણ સૌથી ભયાનક છે. અહીંની માટી કાદવયુક્ત અને ખારી છે.આ રણ એટલું જોખમી છે કે કોઈપણ સૈન્ય વાહન કે સૈનિકો તેમાં ફસાઈ શકે છે. માનવ વસવાટ માટે આ જગ્યા લગભગ અશક્ય ગણાય છે.
કુદરતી સુરક્ષા કવચ
ઈરાનની આ ભૂગોળ તેને એક એવો કિલ્લો બનાવે છે જે હવાઈ હુમલાઓથી તો કદાચ ધ્રૂજી શકે, પરંતુ જમીની માર્ગે તેના પર વિજય મેળવવો એ કોઈપણ મહાસત્તા માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે.


