Get The App

ટ્રમ્પના લવારા પછી ઇરાને હોર્મુઝ ખાડી ફરી બંધ કરી

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના લવારા પછી ઇરાને હોર્મુઝ ખાડી ફરી બંધ કરી 1 - image

- ઇરાને ભારતના 14 જહાજો અટકાવ્યા : બે પર બેફામ ગોળીબાર કર્યો

- બુધવાર સુધીમાં સમજૂતી નહીં સધાય તો ઇરાન પર ફરીથી બોમ્બ વર્ષા શરૂ થશે, નાકાબંધી પણ ચાલુ રહેશે: ટ્રમ્પ

તહેરાન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે યુ-ટર્ન લેવાની જે ફેશન શરૂ કરી છે તે હવે તેમને અનુસરનારાઓ તો ઠીક તેમના દુશ્મનોએ પણ અપનાવવા માંડી છે. વારંવાર યુ-ટર્ન લેતા ટ્રમ્પની સામે હવે ઇરાને પણ યુ-ટર્ન લીધો છે. તેના પગલે ગઇકાલે શરૂ થયેલી હોર્મુઝની ખાડી માંડ ૨૪ કલાક પણ વીત્યા નથી ત્યાં ઇરાને બંધ કરી દીધી છે. આમ આખુ વિશ્વ પાછુ હતુ ત્યાંને ત્યાં આવીને ઊભું રહી ગયું છે. 

ઇરાને હોર્મુઝમાંથી પસાર થયેલા બે ભારતીય જહાજ પર ગોળીબાર કરતા બંને જહાજ પરત ફર્યા હતા.તેના પગલે ભારતે ઇરાની રાજદૂતને બોલાવીને જવાબ માંગ્યો છે. આ ટેન્કરમાં ૨૦ લાખ ેબેરલ ઓઇલ હતુ. જો કે તેને નુકસાન થયું નથી અને જાનહાનિ પણ થઈ નથી. જો કે ભારતનું વધુ એક ટેન્કર દેશ ગરિમા હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત પસાર થઈ ગયું છે. ઇરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી ખાડીમાંથી પસાર થનારું આ ૧૦મું ભારતીય જહાજ છે. શનિવારે કુલ આઠ ઓઇલ-ગેસ ટેન્કરોએ હોર્મુઝ પાસ કર્યુ હતુ. તેમા એક ભારતનું હતું.  

ઇરાનના નૌકાદળે  હોર્મુઝ પસાર કરવા જઈ રહેલા કુલ ૧૪ ભારતીય જહાજને અટકાવ્યા છે. તેમા છ જહાજમાં ક્રૂડ ઓઇલ છે, ત્રણમાં એલપીજી છે, ચારમાં ખાતર છે. બધા ૧૪ વહાણ એક હરોળમાં જઈ રહ્યા હતા. ઇરાનીયન નૌકાદળે ૧૪માંથી એક જહાજ જવા દીધું છે અને ૧૩ જહાજને રાહ જોવાની સૂચના આપી છે. તેમાના સાત જહાજ લારાક ટાપુને દક્ષિણે લઈ જવાયા છે અને તે ત્યાં ઇરાની નૌકાદળની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ભારત સરકાર હાલમાં ભારત જતાં જહાજો માટે ઇરાનના સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહી છે. દેશ ગરિમા નામનું એક જહાજ જ સફળતાપૂર્વક બહાર નીકળી શક્યું છે. 

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને ભારે મોટો આંચકો આપતું હોય તેમ ઇરાને પોતાના નિર્ણયમાં ૨૪ કલાકમાં જ 'યુ ટર્ન' લઈ લીધો છે, હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે. તહેરાનનું કહેવું છે કે, અમેરિકા તરફથી લગાડવામાં આવેલી સમુદ્રીય નાકાબંધી અને ઇરાનના બંદરો ઉપર કરેલી ઘેરાબંધીના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે.પરિસ્થિતિ વધુ ગંભીર થઈ છે કે જ્યારે ઇરાનની ઘોષણાની સાથોસાથ અમેરિકાએ પણ તે ક્ષેત્રમાં નાકાબંધી સખ્ત કરી દીધી છે. અમેરિકન લશ્કરે ઘેરાબંધી દરમિયાન ૨૩ જહાજોને હોર્મુઝ પાર કરતાં રોક્યા હતા. 

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઇરાન વિવાદમાં, શાંતિ-મંત્રણામાં થોડી પ્રગતિ જરૂર થઈ છે. સાથે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે જો મંત્રણા પડી ભાંગશે તો વર્તમાન યુદ્ધ-વિરામ પણ પડી ભાંગશે. એરફોર્સ-વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું : 'કેટલાક સારા સમાચારો પણ છે.' પરંતુ, તે સમાચારો શા છે તે તેઓએ કહ્યું ન હતું. તેઓએ વધુમાં કહ્યું 'અમને ૨૦ મિનિટ પહેલાં જ ઘણા સારા સમાચાર મળ્યા છે.બીજી તરફ ઇરાનનાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે તે સમૃદ્ધ યુરેનિયમ બીજાને અપાશે નહીં. આમ પરિસ્થિતિ ગુંચવાઈ ગઈ છે. પરંતુ પ્રમુખ ટ્રમ્પ હવે તંગ આવી ગયા હોય તેમ લાગે છે તેવું નિરીક્ષકોનું અનુમાન છે. તેમણે જણાવ્યું હતું કે ઇરાન હોર્મુઝ મુદ્દે અમને બ્લેકમેઇલ નહીં કરી શકે. 

આ બધા વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ જણાવ્યું હતું કે લેબનોનમાં યુએન પીસ કીપિંગ ફોર્સમાં રખાયેલા દળોમાં ફ્રાન્સના સૈનિકો પર હુમલો થતાં એકનું મોત થયું છે અને ત્રણને ઇજા થઈ છે. લેબનોન સરકાર આ હુમલાની તપાસ કરી હુમલાખોરોને આકરી સજા કરે. આ હુમલા અંગે હીઝબુલ્લાહ તરફ આંગળી ચીંધાઈ રહી છે.