- સ્વિટ્ઝરલેન્ડમા આજે ઇરાન-અમેરિકા વચ્ચે મંત્રણાની શક્યતા
- ઇરાનની ધમકીઃ અંતિમ કરાર પર વાટાઘાટ ત્યારે જ શરૂ થશે જ્યારે એમઓયુનું પાલન કરવામાં આવે
દુબઈ : ઇઝરાયેલે લેબનોનમાં યુદ્ધવિરામ પછી પણ ગઇકાલે ૪૭ અને શનિવારના દિવસે ૧૮ એમ કુલ ૬૫ને ખતમ કરતા અકળાયેલા ઇરાને હોર્મુઝ ફરીથી બંધ કરી દીધી હતી. જ્યારે અમેરિકાએ વળતો દાવો કરતા જણાવ્યું હતું કે હોર્મુઝ ખુલ્લી જ છે. ઇરાનના લશ્કરને અમે ખતમ કરી નાખ્યું છે. ઇરાનના મંત્રણાકારો સાથે રવિવારે સ્વિટ્ઝરલેન્ડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇરાનના જોઇન્ટ મિલિટરી કમાન્ડે જણાવ્યું હતું કે ઇઝરાયેલ લેબનોનમાં અવિરત હિંસા આદરે જાય છે અને અમેરિકા પણ તેને અટકાવવા કશું જ કરી રહ્યુ નથી તે જોઈએ અમે હોર્મુઝને ફરીથી બંધ કરીએ છીએ. હવે લેબનોનમાં ઇઝરાયેલની હિંસા અટકશે પછી જ હોર્મુઝ ખૂલશે, ત્યાં સુધી નહી ખૂલે. તહેરાનનું માનવું છે કે ઇઝરાયેલના આ પ્રકારના હુમલા ડીલની શરતોનો ભંગ કરે છે. જ્યારે અમેરિકાનો દાવો છે કે હોર્મુઝ હવે ખુલ્લુ જ છે. તે બંધ છે જ નહીં.
ઇરાને તેના વાટાઘાટકારો સ્વિટ્ઝરલેન્ડ જવા માટે રવાના થયા તેની સરકારી ટીવી પર જાહેરાત કરી તેના પછીના થોડા જ સમયમાં હોર્મુઝ બંધ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇક બાઘીલે સંકેત આપ્યા છે કે રવિવારની વાતચીતમાં ં કોઈ પ્રગતિ સંધાય તેવી સંભાવના નથી. ઇરાનના જોઇન્ટ મિલિટરી કમાન્ડે જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલા અને અમેરિકાનો અવિશ્વાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે યુદ્ધનો અંત લાવવાની શરતોનું તે સન્માન કરી રહ્યા નથી. અંતિમ કરારની વાટાઘાટો શરૂ ત્યારે જ થશે જ્યારે એમઓયુનું પાલન કરવામાં આવે. જો આમ ન થયું તો એમઓયુ જ નિષ્ફળ જશે.અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે જણાવ્યું હતું કે ટોચના અમેરિકન વાટાઘાટકાર જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ સ્વિટ્ઝરલેન્ડમાં છે. તેઓ ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અપેક્ષિત વાટાઘાટોની ટેકનિકલ વિગતો પર કામ કરી રહ્યા છે. વાન્સે પણ જણાવ્યું હતું કે તેઓ પણ આગામી દિવસોમાં સ્વિટ્ઝરલેન્ડ જવા રવાના થવાના છે. અમેરિકા-ઇરાનના લીધે વૈશ્વિક અર્થતંત્ર હાલમાં અનિશ્ચિતતાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જહાજો હોર્મુઝમાંથી પસાર તો થવા લાગ્યા છે, પરંતુ અમેરિકા-ઇરાન વચ્ચેના કરારના કેટલાય સવાલો હજી સુધી અનુત્તરીત છે.
ઇઝરાયેલે શુક્રવાર પછી શનિવારે પણ લેબનોનમાં તબાહી મચાવવાનુ ચાલુ રાખતા કરેલા હુમલામાં બીજા ૧૮ના મોત નીપજ્યા છે. આ સાથે બે દિવસમાં ૬૫ના મોત થયા છે. ઇઝરાયેલ અને હીઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધમાં લેબનીઝનો મૃત્યુઆંક ચાર હજારને વટાવી ગયો છે.મધ્યસ્થીઓ બંનને યુદ્ધ અટકાવવા વારંવાર વિનંતી કરી રહ્યા છે. પણ ઇઝરાયેલ અને હીઝબુલ્લાહ બંને એકપીજા પર હુમલા કરી રહ્યા છે. ઇઝરાયેલે ગાઝામાં પણ હુમલો કરતાં બેના મોત થયા હતા.
ઇઝરાયેલના લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે હીઝબુલ્લાહે ૫૦ થી પણ વધુ ડ્રોન સાથે હુમલા કર્યા હતા.ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનમાં હીઝબુલ્લાહના સેન્ટરો પર હુમલા કર્યા હતા. તેમા હીઝબુલ્લાહના કમાન્ડ સેન્ટરને લક્ષ્યાંક બનાવ્યાનો દાવો કર્યો હતો. ઇઝરાયેલના વોશિંગ્ટન ખાતેના રાજદૂતે જણાવ્યું હતું કે ઇઝરાયેલ તો યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ હીઝબુલ્લાહ યુદ્ધવિરામ માટે સંમત છે ખરું.
ત્રણ ઓઇલ ટેન્કરો સફળતાપૂર્વક હોર્મુઝ પસાર કરી ભારત આવવા નીકળ્યા
નવી દિલ્હી : ભારતીય ધ્વજવાળા ત્રણ ક્રૂડ ઓઇલ ટેન્કરો ૮.૬ લાખ ટનના કાર્ગો અને ૯૪ ક્રૂ મેમ્બરો સાથે ભારત આવવા રવાના થયા છે.
આ ટેન્કરોએ શનિવારે હોર્મુઝ પસાર કરી લીધી હતી અને હવે તે ભારત આવવા નીકળી ગયા છે એમ કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું. ત્રણ ક્રૂડ ઓઇલ ટેન્કરો દેશ વૈભવ, દેશ વિભોર અને સન્માનર હેરલ્ડ ૨૪ જૂનથી પહેલી જુલાઈની વચ્ચે ભારત આવે તેમ માનવામાં આવે છે. દેશ વૈભવ ૨૪ જૂનના રોજ વાડીનાર બંદરે આવશે. દેશ વિભોર પણ તે જ દિવસે સિક્કા બંદરે આવે તેમ માનવામાં આવે છે. જ્યારે ત્રીજુ ટેન્કર સન્માન હેરલ્ડ પહેલી જુલાઈના રોજ પારાદીપ ખાતે પહોંચે તેમ માનવામાં આવે છે.
પોલીસની મંજૂરી વિના દેખાવો માટે સીજેપી મક્કમ
શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે 'જેલ ભરો'ની દીપકેની હાકલ
- ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ દેખાવોમાં સોનમ વાંગચૂક પણ જોડાયા, 27 જૂનથી ભૂખ હડતાળની જાહેરાત
નવી દિલ્હી : નીટના પેપર સહિત તાજેતરમાં અનેક પરીક્ષાઓના પેપર લીકની જવાબદારી બદલ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ શનિવારે જંતર પર દેખાવો કર્યા હતા. આ સાથે સીજેપીએ પોલીસની મંજૂરી વિના દેખાવો ચાલુ રાખવા મક્કમતા દર્શાવી હતી. સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ યુવાનોને 'જેલ ભરો આંદોલન'ની હાકલ પણ કરી હતી.
કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દીપકેએ જંતર-મંતર પર દેખાવો માટે પોલીસની મંજૂરીનો સમય પૂરો થવા છતાં સ્થળ પરથી નહીં હટવા મક્કમતા દર્શાવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર અડગ અભિજીત દીપકેએ શનિવારે જાહેરાત કરી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પરથી નહીં હટે. તેમણે દિલ્હી પોલીસને તેમના દેખાવોની સમય મર્યાદા લંબાવવા પણ અપીલ કરી હતી. જોકે, પોલીસે દેખાવોને વધુ મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો અને જંતર-મંતર ખાલી કરવા કહ્યું હતું. પોલીસના ઈનકાર છતાં સીજેપી સમર્થકો જંતર-મંતર ખાલી કરવા તૈયાર નહોતા અને તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના વિરોધમાં સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો હતો. વધુમાં પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પણ આ દેખાવોમાં જોડાયા હતા. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો તેઓ ૨૭ જૂનથી ભૂખ હડતાળ પર ઉતરશે તેવી પણ વાંગચુકે જાહેરાત કરી હતી.
અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, પોલીસ કોઈ પણ સમયે તેમની ધરપકડ કરી શકે છે. એવામાં બધા જ રાજ્યોમાં યુવાનોને મારી અપીલ છે કે તેઓ હવે આ દેખાવોને શાંતિપૂર્ણ રીતે આગળ વધારે અને જેલ ભરો આંદોલન શરૂ કરે. બીજીબાજુ દિલ્હી પોલીસ અને સીઆરપીએફે જંતર-મંતર પર લાગેલા મંચને ઘેરી લીધું હતું અને ધરણાં સ્થળ ખાલી કરવાના પોસ્ટર લગાવી દીધા હતા. પોલીસે કહ્યું કે સીજેપીને બપોરે ૧.૦૦થી સાંજે ૫.૦૦ સુધી દેખાવો કરવાની મંજૂરી અપાઈ હતી.


