- આ યુદ્ધમાં અમેરિકાની સેનાકીય તાકાત 'સાખ' પર મૂકાઈ છે
- 59 ટકા અમેરિકનો આ યુદ્ધની વિરૂદ્ધમાં છે : તેઓ પૂછે છે કે આ યુદ્ધ માટે કારણ શું છે : બીજી તરફ તેલ અને ચીજવસ્તુઓના ભાવ ભડકે બળે છે
નવી દિલ્હી : ઈરાન યુદ્ધ ટ્રમ્પ માટે ગળાની હડ્ડી બની ગયું છે : ટ્રમ્પનો આ સૌથી મોટો દાવ તેની સૌથી મોટી ભૂલ બની રહ્યો છે. ઈરાન પર ઈઝરાયલે હુમલો કર્યો ત્યારે અમેરિકા તેની સાથે જોડાયું તે માનતું હતું કે યુદ્ધ વહેલામાં વહેલું ખતમ થશે પરંતુ તેમ થયું નથી. આ યુદ્ધ હવે રાજનીતિક, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ પણ 'કોમ્બો-પેક બની રહ્યું છે. ટ્રમ્પ બહાર અને અંદર તેમ બંને બાજુથી ઘેરાયા છે.
કવીનીપિયાક યુનિવર્સિટીના સર્વેમાં જાણવા મળ્યું છે કે ૫૯ ટકા અમેરિકનો આ યુદ્ધની વિરૂદ્ધ છે. ૫૩ ટકા સેનાકીય કાર્યવાહી વિરૂદ્ધ છે. ૪૦ ટકા સમર્થનમાં છે તો ૭૪ ટકા ભૂમિદળ મોકલવાની વિરૂદ્ધ છે.
૬૨ ટકા લોકો કહે છે કે ટ્રમ્પે આ યુદ્ધનું કારણ જ દર્શાવ્યું નથી. તેઓ પૂછે છે કે આ યુદ્ધ શરૂ જ શા માટે કરાયું છે. જ્યારે ૫૩ ટકા કહે છે કે આ યુદ્ધથી અમેરિકાને કોઈ ફાયદો થવાનો નથી.
મેરિસ્ટ-પોલના સર્વે મુજબ ૫૬ ટકા અમેરિકનો આ યુદ્ધનો વિરોધ કરે છે. આમ ૪૪ ટકા જ તેનું સમર્થન કરે છે.
આટલું ઓછું હોય તેમ ટ્રમ્પ સરકારમાં પણ મતભેદ છે. સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ તો પહેલેથી જ આ યુદ્ધની વિરૂદ્ધ છે, તેવો ઉપરાંત અમેરીકાના કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટરના ડાયરેક્ટર જો કેન્ટે, આ યુદ્ધના વિરોધમાં જ ત્યાગપત્ર આપી દીધું છે.
એક સમયે ટ્રમ્પના જ કટ્ટર સમર્થક અને આતંકવાદ વિરોધી જો કેન્ટનાં રાજીનામાંથી હલચલ મચી ગઈ છે.
યુદ્ધનો આર્થિક બોજો હવે અમેરિકનોનાં ખિસ્સાં ઉપર પડે છે તેથી ઘરેલું ઊર્જાના ભાવમાં ઉછાળો આવ્યો છે. પેટ્રોલની કિંમત એક મહીનામાં જ ૨.૯૪ ડોલરથી વધી પ્રતિગેલન ૩.૭૨ ડોલર થઈ ગઈ છે સાથે દેશમાં મોંઘવારી વધી છે.
યુદ્ધના ખર્ચ અંગે પણ સવાલ ઉભો થાય છે. પેન્ટાગોને સંસદીય સમિતિ સમક્ષ કબૂલ્યું હતું કે છેલ્લાં છ દિવસમાં જ ૧૧.૩ અબજ ડોલરનો ખર્ચ આ યુદ્ધમાં થઈ ગયો છે. આ યુદ્ધમાં ૫.૬ અબજ ડોલરનું તો ગોળા-બારૂદ વપરાઈ ગયું છે તેમાં અમેરિકાનાં સૈન્ય મથકોને થયેલાં નુકસાનની વિગતો તો આવરી લેવાઈ જ નથી.
ટ્રમ્પને હવે કોંગ્રેસ પાસે ૫૦ અબજ ડોલરનું આપાતકાલીન ફંડ માગવું જ પડશે.
આ યુદ્ધ ધાર્યા કરતાં ઘણું લાંબું અને ખૂનખાર બની રહ્યું છે. તેટલું જ નહીં પરંતુ તેમાં અમેરિકાની સૈન્ય શક્તિ 'સાખ' ઉપર મુકાઈ ગઈ છે.
હોર્મુઝ સ્ટ્રેઈટસ બંધ કરી ઈરાને દુનિયાભરનું નાક દબાવી દીધું છે. ગ્લોબલ ઓઈલ સપ્લાય ખોરવાઈ ગઈ છે.
હોર્મુઝ સ્ટ્રેઈટસ બંધ થતાં ટ્રમ્પે ફ્રાંસ, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને સાથી દેશોને જ નહીં, ચીનને પણ સેનાકીય સહાય કરવા અપીલ કરી હતી. પરંતુ બધાએ નન્નૈયો ભણ્યો છે.
ઉલ્લેખનીય તો તે છે કે યુદ્ધ શરૂ થયું ત્યારે જ અમેરિકાના સાથી તેવા નાટો દેશોએ સાથ આપવા સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
આમ ટ્રમ્પ અંદર અને બહાર તેમ બંને બાજુએ આ યુદ્ધ અંગે ઘેરાઈ ગયા છે.


