Get The App

ઇરાનનો 4,000 કિ.મી. દૂર યુએસ-યુકેના બેઝ પર હુમલો

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનનો 4,000 કિ.મી. દૂર યુએસ-યુકેના બેઝ પર હુમલો 1 - image

- મધ્ય-પૂર્વનું યુદ્ધ હિંદ મહાસાગરમાં પહોંચ્યું : ઈરાને ડિયેગો ગાર્સિયાને નિશાન બનાવી દુનિયાને ચોંકાવી

- નતાંઝ પરમાણુ મથક પર અમેરિકા અને ઇઝરાયેલની એરસ્ટ્રાઇક ઇરાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો

- ટ્રમ્પનો યુ-ટર્ન કે વ્યૂહરચના : એકબાજુ ત્રણ યુદ્ધજહાજ મોકલ્યા અને બીજી બાજું ટૂંક સમયમાં લશ્કરી અભિયાન આટોપવાની જાહેરાત

- ઇરાનનો ઇદના દિવસે ઇઝરાયેલમાં અલઅક્સા મસ્જિદ નજીક મિસાઇલ હુમલોઃ જાનહાનિ નહીં

દુબઈ: મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધમાં ઇરાને ચાર હજારથી પણ વધારે કિ.મી. દૂર હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકાના લશ્કરી મથક ડીયેગો ગાર્સિયા સુધી હુમલો કરતી બે મિસાઇલ છોડીને તેને હચમચાવી નાખ્યું છે. ઇરાન જેવા દેશના આટલે દૂર સુધીના મિસાઇલ હુમલાના કારણે અમેરિકા પોતે સ્તબ્ધ થઈ ગયું છે. તેના કારણે ઇરાનની અઘોષિત મિસાઇલ ક્ષમતા કેટલી છે તે અમેરિકાને સમજાઈ ગયું છે.

ઇરાને યુદ્ધના ૨૨માં દિવસે આ મિસાઇલ જાણે અમેરિકા અને ઇઝરાયેલને સંદેશો આપવા માટે છોડી હતી તે સ્પષ્ટ દેખાય છે. તેની સાથે ઇરાને તે પણ બતાવી દીધું હતું કે તેઓ આ યુદ્ધને જરુર પડી તો છેક હિંદ મહાસાગર સુધી લંબાવી શકે છે. અમેરિકાએ ત્રણ યુદ્ધજહાજ અને ૨,૫૦૦ મરીનને મધ્યપૂર્વમાં રવાના કર્યા તેના પછી ઇરાને આ હુમલો કર્યો છે. આ હુમલો બતાવે છે કે અમેરિકા ઇરાનની મિસાઇલ ક્ષમતાનો હજી સુધી ચોક્કસ અંદાજ લગાવી શક્યું નથી. 

ઇરાને ચાર હજારથી પણ વધુ કિલોમીટર દૂર આવેલા અમેરિકાના લશ્કરી મથક ડીયેગો ગાર્સિયા પર છોડેલી એક મિસાઇલ હવામાં જ નિષ્ફળ ગઈ હતી અને બીજી મિસાઇલને રોકવા માટે અમેરિકાના જંગી યુદ્ધજહાજ એસએમ-૩એ ઇન્ટરસેપ્ટર મિસાઇલ છોડી હતી. હવે આ મિસાઇલ તેને રોકવામાં સફળ રહી હતી કે નહીં તેનો કોઈ અહેવાલ આવ્યો નથી.

સોશિયલ મીડિયા પર જણાવાયું છે કે ઇરાનથી ડીયેગો ગાર્સિયાનું અંતર ૪,૧૧૮ કિ.મી. છે આ બતાવે છે કે આ હુમલો ઇરાનની અત્યાર સુધી મિસાઇલ ક્ષમતા બે હજાર કિ.મી.ની જ માનવામાં આવતી હતી તેના કરતાં બમણા ઉપરાત છે. આનો સીધો અર્થ એમ કરી શકાય કે ઇરાને છેલ્લા કેટલાક સમયમાં તેની મિસાઇલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેની જાણકારી કોઈની પાસે નથી. ઇરાનના હુમલાની રેન્જ અગાઉ ૨,૦૦૦ કિ.મી. સુધીની એટલે કે મધ્યપૂર્વથી યુરોપના પ્રવેશદ્વાર સુધી જ મનાતી હતી, જે હવે છેક હિંદ મહાસાગર સુધી લંબાઈ છે.  આ ઉપરાંત નોંધનીય વાત એ છે કે ડીયેગો ગાર્સિયા અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડમાં આવતું નથી, જે હાલમાં મિડલઇસ્ટ સંભાળી રહ્યું છે. હિંદ મહાસાગરનો આ વિસ્તાર યુએસ ઇન્ડોપેસિફિક કમાન્ડમાં આવેલો છે. આ બતાવે છે કે મધ્યપૂર્વનું યુદ્ધ યુરોપના દરવાજાથી લઈને હિંદ મહાસાગર સુધી વિસ્તરી ચૂક્યું છે. ઇરાન એક પછી એક નવા આશ્ચર્ય આપી રહ્યું છે. 

મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધને ૨૨ દિવસ થઈ ગયા છે. આ યુદ્ધ ચોથા અઠવાડિયામાં પહોંચવા છતાં તેનો અંત નજીક દેખાતો નથી. 

ઇરાનના નતાંઝ પરમાણુ મથક પર હુમલો

ઇરાનના પરમાણુ મથક નતાંઝ પર શનિવારે એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જો કે રાહતની વાત એ છે કે આ હુમલા છતાં ત્યાંથી કોઈ રેડિયેશન લીક થયું નથી. નતાંજ ઇરાનનું મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે. તે તહેરાનથી લગભગ ૨૨૦ કિ.મી. દૂર દક્ષિણપૂર્વમાં આવેલું છે. આ પ્લાન્ટ પહેલાં પણ ઘણી વખત હુમલાનું કેન્દ્ર બની ચૂકેલો છે. તાજેતરના હુમલાને અમેરિકા-ઇઝરાયેલ જોડાણ તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલાનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. ઇરાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો છે. 

ઇઝરાયેલની હુમલા તીવ્ર બનાવવાની ધમકી

ઇરાનના હુમલાના પગલે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને કાત્ઝે ધમકી આપી હતી કે તેના પરના હુમલાની તીવ્રતા વધારવામાં આવશે. તેના પગલે તહેરાનમાં મોટાપાયા પર એરસ્ટ્રાઇક પર પણ થઈ હતી. આના વળતા જવાબમાં ઇરાકના બગદાદમાં પણ થયેલા ડ્રોન હુમલામાં એક ઇન્ટેલિજન્સ ઓફિસર માર્યો ગયો હતો. ઇરાને પણ ઇઝરાયેલના તેલઅવીવ પર મિસાઇલ છોડી હતી, જેમા કોઈ જાનહાનિ થઈ ન હતી.

અમે ટૂંક સમયમાં લશ્કરી કાર્યવાહી આટોપી લઇશું : ટ્રમ્પ

મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધના વચ્ચે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અમેરિકા તેના હેતુઓ પૂરા કરવાના આરે છે. જો કે ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધવિરામની સંભાવના સંપૂર્ણપણે નકારી કાઢી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા તેના લશ્કરી હેતુઓ પૂરા કરવાની ઘણું નજીક છે. તેથી જ હવે તે મોટાપાયા પરના લશ્કરી અભિયાનને ધીમે-ધીમે ઘટાડવા વિચાર કરી રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ઇરાનની મિસાઇલ ક્ષમતા, સંરક્ષણને ઔદ્યોગિક આધાર, નૌકાદળ અને હવાઈદળને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે. તેની સાથે અમેરિકાએ તે સુનિશ્ચિત કર્યુ છે કે ઇરાન ક્યારેય પણ પરમાણુ શસ્ત્રો બનાવવાની નજીક ન પહોંચે. આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પ આ દાવો ત્યાર કરી રહ્યા છે જ્યારે તેમણે મધ્યપૂર્વમાં ત્રણ યુદ્ધજહાજ અને ૨,૫૦૦ જેટલા મરીન મોકલ્યા છે. બીજી બાજુએ બજેટમાં પેન્ટાગોને યુદ્ધ પેટે ૨૦૦ અબજ ડોલર વધારાના મંજૂર કરવાની માંગ કરી છે. ટ્રમ્પે આ ઉપરાંત જણાવ્યું છે કે તેઓ ઇરાનમાં જમીન પર લશ્કર ઉતારવાની કોઈ યોજના ધરાવતા નથી, પરંતુ તેમની પાસે બધા વિકલ્પો ખુલ્લા છે. 

ડીયેગો ગાર્સિયા શું છે

ડીયેગો ગાર્સિયા વાસ્તવમાં અમેરિકાનું એરબેઝ છે.અહીં ૨,૫૦૦ જેટલા અમેરિકન લશ્કરી કર્મચારીઓ કાયમ રહે છે. અમેરિકા અહીંથી વિયેતનામથી લઈ ઇરાક અને અફઘાનિસ્તાન તથા હુથી બળવાખોરો પર હુમલા કરે છે. ડીયેગો ગાર્સિયા ચાગોસ આઇલેન્ડ્સનો હિસ્સો છે. આ ટાપુ ૧૮૧૪ સુધી બ્રિટિશ અંકુશ હેઠળ હતો. તાજેતરમાં યુકેના પીએમ સ્ટારમેર અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વચ્ચે આને લઈને જ વિવાદ થયો હતો. ટ્રમ્પે ચાગોસ ટાપુનું સાર્વભૌમત્વ મોરેશિયસને સોંપી દેવાના બ્રિટનના નિર્ણયની આકરી ટીકા કરી હતી. તેના પછી બ્રિટને ડીયેગો ગાર્સિયાને લીઝ પર લીધુ હતુ.

- ભારત, પાક, ચીન પછી જાપાનના જહાજોને હોર્મુઝ ખાડી પાર કરવા છૂટ

ભારત, ચીન અને પાકિસ્તાનના જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા દેવાની મંજૂરી આપ્યા બાદ ઇરાને હવે અમેરિકાના ગાઢ સહયોગી જાપાનને પણ છૂટ આપી છે.

 ઇરાને જણાવ્યું છે કે જાપાનીઝ જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની છૂટ આપવામાં આવશે. ઇરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ શુક્રવારે જણાવ્યું હતું કે હોર્મુઝ ફક્ત ઇરાનના દુશ્મનો માટે બંધ છે. તેમણે જાપાનની ક્યોદો ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડી બંધ કરવામાં આવી નથી. અમારા માનવા મુજબ તે ખુલ્લી છે. આ ખાડી ફક્ત અમારા પર હુમલો કરતાં દુશ્મનો માટે બંધ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે અમે તેમની સાથે વાત કરી રહ્યા છે જેથી સલામત રસ્તો કાઢી શકાય. અમે તેમને સલામત રસ્તો આપવા તૈયાર છીએ. તેમણે ફક્ત અમારો સંપર્ક કરવાનો રહેશે. જાપાન તેની ૯૦ ટકા ઓઇલ-આયાત મધ્યપૂર્વમાંથી કરે છે. આ ઉપરાંત રવિવારે ૨૨ દેશોએ ઇરાનને હુમલા અટકાવવા અને હોર્મુઝની ખાડી ખોલવા વિનંતી કરી છે. તેમા યુએઈ, બહેરીન, યુકે, જર્મની, ફ્રાન્સ, જાપાન, સાઉથ કોરીયા અને ઓસ્ટ્રેલિયાએ ઇરાનના કોમર્સિયલ જહાજો પરના હુમલાને અને આ ક્ષેત્રમાં ઓઇલ-ગેસ પરના હુમલાને વખોડી કાઢ્યા છે. આ હુમલાની અસર આખા વિશ્વના લોકો પર પડી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.