- મધ્ય-પૂર્વમાં પરમાણુ પ્લાન્ટ પર મિસાઈલમારાથી રેડિયેશનનું જોખમ વધ્યું
- ઈરાને તેલ અવિવમાં ક્લસ્ટર બોમ્બ ઝિંક્યા, હોર્મુઝમાં એફ-૧૫ને પણ નિશાન બનાવ્યું : આયરન ડોમ હુમલા રોકવામાં નિષ્ફળ
તેલ અવિવ/તહેરાન: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનનું યુદ્ધ વિનાશક બની રહ્યું છે. અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલાથી ભારે ખુવારીનો સામનો કરનારા ઈરાને દક્ષિણ ઈઝરાયેલમાં લીટલ ઈન્ડિયા ગણાતા પરમાણુ સિટી દિમોના સહિત પાંચ શહેરો પર ચાર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરતા પહેલી વખત ઈઝરાયેલમાં એક જ હુમલામાં ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે ઈરાને આ હુમલામાં ૨૦૦ લોકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો. ઈરાનના આ હુમલાએ મધ્ય-પૂર્વમાં યુદ્ધ લાંબો સમય સુધી ચાલવાના સંકેત આપ્યા છે.
ઈરાનના નતાંઝ પરમાણુ મથક પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં આઈઆરજીસીએ ઈઝરાયેલના પરમાણુ કેન્દ્ર નજીક દિમોના, અનેક સૈન્ય સ્થળો છે તેવા બેર શેવા, દક્ષિણ ઈઝરાયેલમાં લાલ સાગરના કિનારે પોર્ટ સિટી ઈલાત, અરાદ અને કિર્યાત શહેર પર હુમલા કર્યા હતા. આ ઉપરાંત ઈરાને અમેરિકાના સૈન્ય અડ્ડાઓ કુવૈતમાં અલિ અલ-મિનહાદ અને અલ-ધફરા એરબેઝ પર પણ મિસાઈલ હુમલા કર્યા હતા. અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ તહેરાન પર હુમલા શરૂ કર્યા પછી પહેલી વખત ઈઝરાયેલના આયરન ડોમ ઈરાનના મિસાઈલ હુમલાને રોકવામાં નિષ્ફળ ગયા હતા. ઈરાને આ હુમલામાં ત્રણ પ્રકારની મિસાઈલો હાઈપરસોનિક ફતાહ, લાંબા અંતરના બેલિસ્ટિક મિસાઈલો કદ્ર અને એમાદથી હુમલા કર્યા હતા. સાથે ઈરાને ડ્રોનથી પણ હુમલા ચાલુ રાખ્યા હતા.
ઈરાને દાવો કર્યો કે તેનું ઓપરેશન ટ્રુ પ્રોમિસ ચોથા તબક્કામાં પહોંચી ગયું છે અને ઈઝરાયેલ પર શનિવારે મોડી રાતે કરાયેલો હુમલો આ ઓપરેશનની ૭૩મી લહેર હતી. ઈઝરાયેલના અખબાર ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈરાનના હુમલામાં ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે પણ આ હુમલાની પુષ્ટી કરી હતી, પરંતુ તેમણે દાવો કર્યો કે ૫૦ લોકોને ઈજા થઈ છે.
ઈરાને રવિવારે સવારે પણ ઈઝરાયેલની રાજધાની તેલ અવિવ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ઈરાને તેલ અવિવમાં કેટલાક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. ઈરાને આ હુમલામાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરાયો છે. સાથે ઈરાને હોર્મુઝની ખાડી નજીક અમેરિકાના એફ-૧૫ ફાઈટર જેટને નિશાન બનાવ્યું હતું.
ઈઝરાયેલના સૈન્યે રવિવારે જણાવ્યું કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ ઈરાનના મિસાઈલને રોકવામાં શા માટે નિષ્ફળ ગઈ તેની તેઓ તપાસ કરશે. ઈઝરાયેલના સૈન્યે એવો પણ દાવો કર્યો હતો કે, શનિવારે મોડી રાતે તેણે તહેરાનમાં ભારે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના હથિયાર ઉત્પાદન એકમો, મુખ્ય સૈન્ય અને જાસૂસી મુખ્યાલયોને નિશાન બનાવાયા હતા. ઈઝરાયેલની એરફોર્સે એક મિલિટરી ટ્રેઈનિંગ સેન્ટર પર હુમલો કર્યો હતો, જેમાં ઈન્ટરસેપ્ટર મિસાઈલોનો સંગ્રહ કરાયો હતો.
ઈઝરાયેલના દિમોના શહેરમાં મિસાઈલ હુમલા અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ કહ્યું કે, આ ઘટનાની તેમને જાણ છે. જોકે, આ હુમલાથી નેગેવ પરમણુ સંશોધન કેન્દ્રને કોઈ નુકસાન થયાના સંકેત મળ્યા નથી. આ ક્ષેત્રમાં ક્યાંય પણ અસામાન્ય રેડિયેશન નોંધાયું નથી. એજન્સી સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.
- યુદ્ધ નવા તબક્કામાં પ્રવેશ્યું ઈરાનની સંસદના અધ્યક્ષ
તહેરાન: ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘરી ગાલિબાફે એક્સ પર પોસ્ટમાં લખ્યું, એવું લાગે છે કે ઈઝરાયેલ અને અમેરિકા સાથે યુદ્ધ અંગે અગાઉથી નિશ્ચિત આગામી રણનીતિઓને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. ઈઝરાયેલ ભારે સુરક્ષાવાળા દિમોના શહેરમાં ઈરાનની મિસાઈલોને રોકી નથી શક્યું તો આ ઓપરેશનની દૃષ્ટિએ એ વાતનો સંકેત છે કે યુદ્ધ એક નવા તબક્કામાં પ્રવેશી ગયું છે. ઈઝરાયેલનું આકાશ હવે અસુરક્ષિત છે.
- દિમોના પર હુમલા પછી નેતન્યાહુની કાકલૂદી
- ઈરાન માત્ર અમારા નહીં તમારા માટે પણ જોખમી, દુનિયા યુદ્ધમાં જોડાય
અરાદ: ઈરાને ઇઝરાયેલના પરમાણુ સિટી ગણાતા દિમોના સહિત પાંચ શહેરોમાં રહેણાંક વિસ્તારો પર બેલિસ્ટિક મિસાઈલ અને ક્લસ્ટર બોમ્બથી હુમલા કરી ભારે વિનાશ વેર્યો હતો. અરાદમાં હુમલાનો ભોગ બનેલા સ્થળોનું નિરીક્ષણ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નાટો સહિતના સાથી દેશોને ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધમાં જોડાવા માટે હાકલ કરી હતી. ઈઝરાયેલમાં રહેણાંક વિસ્તારો પર થયેલા હુમલાને ટાંકીને નેતન્યાહુએ કહ્યું કે, આ હુમલા વધતા વૈશ્વિક જોખમના પુરાવા છે. છેલ્લા ૪૮ કલાકનો ઘટનાક્રમ દર્શાવે છે કે ઈરાન માત્ર ઈઝરાયેલ માટે જ નહીં પરંતુ આખી દુનિયા માટે જોખમ ઊભું કરી રહ્યું છે. ઈરાને જેરુસલેમમાં રહેણાંક વિસ્તારો અને મુખ્ય ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં વેસ્ટર્ન વોલ, ચર્ચ ઓફ ધ હોલી સેપલ્ચર અને અલ-અક્સા મસ્જિદનો સમાવેશ થાય છે. ઈરાને ૪,૦૦૦ કિ.મી. દૂર ડિએગો ગાર્સિયા પર હુમલો કરવાની તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે, જેથી હવે ઈરાનની મિસાઈલો છેક યુરોપ સુધી પણ પહોંચી શકે છે, જે આખી દુનિયા માટે જોખમી છે.


