World

ટ્રમ્પની ફરી હુમલાની ધમકીથી ભડકેલા ઇરાને 'વાર્તા' અટકાવી

By GS Team
21 Jun 20262 mins read
ટ્રમ્પની ફરી હુમલાની ધમકીથી ભડકેલા ઇરાને 'વાર્તા' અટકાવી

- ઇરાન આતંકી સંગઠન હિઝબુલ્લાહને મદદ બંધ કરે નહીં તો બોમ્બમારો કરીશ : ટ્રમ્પ

- વાટાઘાટો શરૂ થાય તે પહેલા જ ઇઝરાયેલે કહ્યું અમારુ સૈન્ય યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ કરાયું

- હોર્મુઝ ખાડીએ યુદ્ધ પહેલા જેવી સામાન્ય સ્થિતિ છે 24 કલાકમાં 67 શિપ્સ પસાર કરી દેવાઇ : અમેરિકા

વોશિંગ્ટન/તહેરાન: હોર્મુઝ ખાડી ખુલશે કે કેમ તેને લઇને હાલ કોઇ જ સ્પષ્ટતા નથી થઇ રહી, કેમ કે ઇરાન અને અમેરિકાની વાટાઘાટોમાં ફરી અડચણ ઉભુ થયું છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી હુમલાની ધમકી આપતા ઇરાને વાટાઘાટોમાંથી પાછીપાની કરી લીધી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી વાટાઘાટોને ઇરાને હાલ અટકાવી દીધી છે. એેવામાં હોર્મુઝ ખાડીએ હાલ ઓઇલ ટેન્કરો અટકાવાશે કે જવા દેવાશે તેને લઇને અસમંજસની સ્થિતિ છે.  

સ્વિટ્ઝર્લેન્ડમાં ઇરાન અને અમેરિકાની વચ્ચે વાટાઘાટો માટે બન્ને દેશના પ્રતિનિધિઓ તેમજ મધ્યસ્થતા કરાવી રહેલા દેશના નેતાઓ પહોંચી ગયા હતા. વાટાઘાટો શરૂ થવા જઇ રહી હતી ત્યાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરવામાં આવી કે આ વાટાઘાટો થંભી ગઇ. ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાન લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહને મદદ કરવાનું બંધ કરે, જો લેબનોનમાં ઇરાન દ્વારા જે મદદ કરાઇ રહી છે તેને તાત્કાલીક અટકાવવામાં ના આવી તો અમેરિકા દ્વારા ઇરાન પર ગમે ત્યારે હુમલો કરવામાં આવી શકે છે. 

અગાઉ ઇરાન કહી ચુક્યું છે કે તે હિઝબુલ્લાહને મદદ કરવાનું બંધ નહીં કરે, એવામાં ટ્રમ્પની આ ધમકી આવતા જ ઇરાને વાટાઘાટોને હાલ અટકાવી દીધી છે. હોર્મુઝ ખાડીને હાલ શું સ્થિતિ છે તેને લઇને કોઇ જ સ્પષ્ટતા નથી થઇ રહી, એવામાં ઇઝરાયેલે કહ્યું છે કે અમારુ સૈન્ય કોઇ પણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે. ઇઝરાયેલના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝામીરે કહ્યું છે કે ઇરાન સમર્થીત હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલ સૈન્ય એલર્ટની સ્થિતિમાં જ રહેશે. એટલે કે ભવિષ્યમાં પણ લેબનોનમાં હિઝબુલ્લાહ પર હુમલા થતા રહેશે. હાલ સૌની નજર હોર્મુઝ ખાડીએ છે ત્યારે અમેરિકન એનર્જી સેક્રેટરી ક્રિસ વ્રિગે કહ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં હોર્મુઝ ખાડીમાથી ૬૭ શિપ્સ પસાર થઇ ચુકી છે. ઇરાન, ઇઝરાયેલ-અમેરિકાની વચ્ચે યુદ્ધની સ્થિતિ શરૂ થઇ તે પહેલા જેટલુ ટ્રાફિક હતું એટલુ હાલ હોર્મુઝ ખાડીએ જોવા મળી રહ્યું છે તેવો દાવો અમેરિકાએ કર્યો છે.