Get The App

ઇરાનની કતારમાં વિશ્વના સૌથી મોટા ગેસ હબ રાસ લફાન પર એર સ્ટ્રાઇક

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનની કતારમાં વિશ્વના સૌથી મોટા ગેસ હબ રાસ લફાન પર એર સ્ટ્રાઇક 1 - image

- ઇરાનનો ઇઝરાયેલમાં હાઈફા રિફાઇનરી- પાવર ગ્રિડ પર હુમલો 

- સાઉદી અરામ્કોની યાન્બુ રિફાઇનરી પર હુમલો કરીને પશ્ચિમને મળતો ક્રૂડ ઓઇલ પુરવઠો ખોરવી નાખવાનો ઇરાનનો નિષ્ફળ પ્રયાસ

દુબઈ : ઇરાને ખાડી દેશોના ઓઇલ-ગેસ રીફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ્સ સંકુલો પર હુમલા તીવ્ર બનાવ્યા છે. તેના જ ભાગરૂપે તેણે કતારમાં વિશ્વના સૌથી મોટા ગેસ હબ રાસ લફાન પર હુમલો કરતાં વૈશ્વિક  ગેસ બજારમાં ભડકો થયો છે. ભારત પર પણ તેની અસર થઈ છે. ભારત તેની એલએનજીની કુલ આયાતમાંથી ૨૦ ટકા આયાત કતારમાંથી કરે છે. 

પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલના મીડિયાએ દાવો કર્યો છે કે ઇરાનના હુમલાના કારણે હાઇફા સ્થિત રિફાઇનરીઓને નુકસાન પહોંચ્યુ છે. જો કે તેમા કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે.આ ઉપરાંત પાવર ગ્રિડ પર પણ આ સાથે હુમલો થયો હતો. જો કે ઇઝરાયેલની સરકારનો દાવો છે કે નુકસાન ઘણુ સીમિત છે. આ સિવાય પાવર ગ્રિડ પૂર્વવત્ કરી દેવાઈ છે. આમ પહેલા લશ્કરી થાણાઓને લક્ષ્યાંક બનાવતા ત્રણેય દેશ હવે એકબીજાના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવવા લાગ્યા છે. આમ જંગનો વ્યાપ વધ્યો છે. રાસ લફાન પર થયેલા હુમલા પછી ત્યાં એલએનજી ઉત્પાદન સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યું છે. ઇરાને માર્ચના પહેલા અઠવાડિયામાં પણ કતારના ગેસ ક્ષેત્રો પર મિસાઇલ હુમલા કર્યા હતા. તેના પગલે વિશ્વના સૌથી મોટા નેચરલ ગેસ નિકાસકાર કતાર એનર્જીએ ઉત્પાદન રોકવાની ફરજ પડી હતી.

ભારત તેના પ્રાકૃતિક ગેસની ૫૦ ટકા જરૂરિયાત વિદેશમાંથી પૂરી કરે છે. તેમા પણ ૨૦ ટકા જરૂરિયાત તો એકલા કતારમાંથી જ પૂરી કરે છે. આમ ભારત તેની એલએનજીની ૫૦ ટકા આયાત કરે છે તેમાથી ૪૦ ટકા હિસ્સો તો કતાર પાસેથી ખરીદે છે. આમ ભારતની કુલ એલએનજી આયાતનો ૨૦ ટકા હિસ્સો કતારમાંથી આવે છે. હાલમાં ભારતનો કુદરતી ગેસનો દૈનિક વપરાશ ૧૮૯ મિલિયમ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર  પર ડે (એમએમએસસીએમડી) છે. તેમાથી ૯૭.૫ એમએમએસસીએમડીનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થાય છે. તેથી ભારતે પણ ઇરાનના આ હુમલાની આકરી ટીકા કરી છે અને તેને ખેદજનક તથા અસ્વીકાર્ય ગણાવ્યો છે. 

ઇરાને આટલેથી જ ન અટકતા સાઉદી અરેબિયાના રેડ સીમાં સલામત માનવામાં આવતા બંદર યાનબૂમાં હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો યાનબૂ સ્થિત સેમરેફ રિફાઇનરી પર થયો.આ રિફાઇનરી સાઉદી અરેબિયાની કંપની અરામકોની છે. હોર્મુઝની ખાડી બંધ થયા પછી યાનબૂ પોર્ટ ઓઇલ સપ્લાયનો વિકલ્પ બની ગયું છે. હોર્મુઝની ખાડી બંધ થયા પછી સાઉદી અરેબિયાએ પૂર્વના કિનારે રેડ સીથી પશ્ચિમમાં તેનો પુરવઠો વધાર્યો છે. 

આ ઉપરાંત ઇરાને કુવૈતમાં વિશ્વની સૌથી મોટી રીફાઇનરીઓમાં સ્થાન પામતી એક રિફાઇનરી મિના-અલ અહમદી પર પણ ડ્રોન હુમલો કર્યો હતો. તેના કારણે રીફાઇનરીમાં આગ ફાટી નીકળી છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. રિફાઇનરી મધ્યપૂર્વની સૌથી મોટી રિફાઇનરી ગણવામાં આવે છે. આ ઉપરાંત અબુધાબીમાં પણ ઇરાને ગઇકાલે રાત્રે કરેલા ડ્રોન હુમલાના લીધે રિફાઇનરીઓ બંધ કરવી પડી છે. ઇરાનના આ હુમલાના કારણે વિશ્વમાં મોટાપાયા પર ઉર્જાસંકટ સર્જાઈ શકે છે. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયેલ હવે સાઉથ પાર્સ પર ફરીથી હુમલો નહી કરે, તેની સાથે ચેતવણી આપી હતી કે જો ઇરાન કતારના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા કરવાનું જારી રાખશેત ો અમેરિકા મોટો હુમલો કરશે અને તેમા આખુ ઓઇલફિલ્ડ ઉડાવી દઈ શકે છે. પણ અમે હિંસા અને વિનાશને તે સ્તરે લઈ જવા માંગતા નથી, કારણ કે અમારે યુદ્ધ પછીના ઇરાન પર પણ તેની ભાવિ અસરો જોવાની છે. રોઇટર્સનું કહેવું છે કે આ હુમલામાં રિફાઇનરીને ખાસ નુકસાન થયું નથી. ઇરાને તેના ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકા અને ઇઝરાયેલના સહયોગીઓના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરવાની ધમકી આપી હતી.  ખાડીયુદ્ધમાં યુદ્ધગ્રસ્ત ત્રણેય દેશ દ્વારા એકબીજાને ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા શરૂ થતાં ગુરુવારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

આ ઉપરાંત યુનાઇટેડ આરબ અમીરાતમાં એઆઈ ધાફરા એરબેઝને મોટાપાયા પર નુકસાન થયું હોવાનું સેટેલાઇટ ઇમેજિસમાં દેખાય છે. અહીં અમેરિકન ટ્રૂપ્સ હોવાથી ઇરાને વારંવાર હુમલા કર્યા છે. જ્યારે અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે જણાવ્યું હતું કે અમે ઇરાનની બધી ૧૧ સબમરીન ડૂબાડી દીધી છે.

ખાડી યુદ્ધના કારણે આખું વિશ્વ સંકટમાં

ઇરાન, ઇઝરાયેલ, યુએસના કયા-કયા ઓઇલ ફિલ્ડ પર હુમલા 

- જંગી ઓઇલફિલ્ડને નિશાન બનાવાતા વૈશ્વિક ઉર્જા પુરવઠાની સ્થિતિ ભયમાં મૂકાઈ

દુબઈ : ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યુ છે. તેમા હવે ત્રણેય દેશ એકબીજાના અને તેમના સમર્થક દેશોના ઓઇલ ફિલ્ડને નિશાન બનાવી રહ્યા છે. 

ઇઝરાયેલે ઇરાના સાઉથ પાર્સ ગેસફિલ્ડ પર હુમલો કરતાં ઇરાને પણ વળતો પ્રહાર કરીને તેમના સહયોગી દેશોના ઓઇલ-ગેસ ફિલ્ડને લક્ષ્યાંક બનાવવા માંડયા છે. તેથી ટ્રમ્પે ધમકી આપવાની ફરજ પડી છે કે જો તે ફરીથી હુમલા કરશે તો અમેરિકા તેનું આખુ સાઉથપાર્સ ફિલ્ડ જ ખતમ કરી નાખશે. આમ અહીં કેટલા ગેસ ફિલ્ડને હુમલા બનાવાયા તે આપવામાં આવ્યું છે. 

કતારમાં રાસ લફાન પર હુમલો

કતારમાં આવેલા રાસ લફાન પર ઇરાને હુમલો કર્યો છે. 

રાસ લફાન વિશ્વનું સૌથી મોટું ગેસ હબ માનવામાં આવે છે. યુદ્ધ શરુ થયા પછી ઇરાને તેના પર વારંવાર હુમલા કર્યા છે અને તેના કારણે તેનેે સૌથી મોટું નુકસાન થયું છે. જો કે કતારના ગૃહમંત્રાલયના દાવા મુજબ આગ અંકુશમાં લેવાઈ છે, પરંતુ હાલમાં ઉત્પાદન શરૂૂ કરાયું નથી. કતારમાં ફ્રાન્સની ટોટલ, બ્રિટનની શેલ, ભારતની પેટ્રોનેટ, ચીનની સિનોપેક અને ઇટાલીની એની સહિત ઘણી કંપનીઓએ લાંબાગાળાના એલએનજી કરાર કર્યા છે.

ઇરાનમાં સાઉથ પાર્સ

ઇરાનના સાઉથ પાર્સ ગેસફિલ્ડ પર ઇઝરાયેલે હુમલો કર્યો. આ હુમલા સાથે પહેલી જ વખત યુદ્ધમાં કોઈ ગેસ ફિલ્ડને લક્ષ્યાંક બનાવવામાં આવ્યું હતું. સાઉથ પાર્સ-નોર્થડોમ વિશ્વનો સૌથી મોટો ઓઇલ ભંડાર છે. આ ભંડાર ઇરાન-કતારની સંયુક્ત માલિકીનો છે.

ઇરાનનું ખાર્ગ

ઇરાનની મુખ્ય જમીનથી ૩૦ કિ.મી. દૂર આવેલો ખાર્ગ દ્વીપ દેશના લગભગ ૯૦ ટકા ક્રૂડ ઓઇલની નિકાસનું કેન્દ્ર છે. શનિવારે અમેરિકન હુમલાથી આ દ્વીપ પર અસર પડી હતીે, પરંતુ ઇરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે નિકાસ રાબેતા મુજબ જારી છે, કોઈ જાનહાનિ થઈ નથી. 

સંયુક્ત આરબ અમીરાતની રુવૈસ રિફાઇનરી

સરકારી માલિકીની એડનોકના જણાવ્યા મુજબ સંયુક્ત આરબ અમીરાતની રુવૈસ ઓઇલ રિફાઇનરી વિશ્વની ચોથા નંબરની સિંગલસાઇટ રિફાઇનરી છે. મહિનાના પ્રારંભમાં તેના પર ડ્રોન હુમલા પછી ત્યાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું.

સાઉદી અરબની રાસ તનુરા

સાઉદી અરેબિયાના પૂર્વી કિનારે આવેલી રસ તનુરા મધ્યપૂર્વની સૌથી મોટી રિફાઇનરીઓમાં એક છે.તેની ક્ષમતા પ્રતિ દિન ૫.૫૦ લાખ બેરલ છે. ઇરાને તેના પર વારંવાર હુમલા કર્યા છે. તેમા ડ્રોન હુમલાનો પણ સમાવેશ થાય છે.