The Great Escape of American Pilot: ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ 3 એપ્રિલ, 2026ના રોજ ચરમસીમાએ પહોંચી ગયો. વાત એમ હતી કે, ઈરાને એક મિસાઇલ છોડીને અમેરિકાના F-15E સ્ટ્રાઇક ઈગલ ફાઇટર પ્લેનને નિશાન બનાવ્યું. એ ‘ઘાયલ’ વિમાનનું ઝડપથી પતન થવા લાગ્યું. વિમાનમાં બે સૈનિકો હતા- એક પાઇલટ અને બીજો એરમેન (વેપન સિસ્ટમ ઑફિસર, એટલે કે શસ્ત્રો સંભાળનારો સૈનિક). આ વિમાન ધરાશાયી થાય તે પહેલા બંને સૈનિક પેરાશૂટ લઈને કૂદી ગયા. પાઇલટને તો અમેરિકન હેલિકોપ્ટર દ્વારા થોડા કલાકોમાં જ સુરક્ષિત બચાવી લેવાયો, પરંતુ એરમેનનું શું થયું? તે ઝાગ્રોસ નામના ખૂબ જ ઊંચા અને દુર્ગમ પર્વતોની વચ્ચે પડી ગયો. તેના પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સ્વરક્ષણ માટે તેની પાસે હતી એક પિસ્તોલ અને બીજું હતું દુર્ગમ પરિસ્થિતિમાં જીવતા રહેવાની તાલીમ.
ઈરાને મોટું ઈનામ જાહેર કર્યું
એક અમેરિકન સૈનિક તેમના પ્રદેશમાં છુપાયેલો છે એવી ખબર પડતાં જ ઈરાન સરકારે તેને પકડવા માટે મોટી રકમનું ઇનામ જાહેર કર્યું. અંદાજે 60,000 ડૉલરનું ઇનામ રખાયું. આ જાહેરાત સાથે સ્થાનિક આદિવાસીઓ અને લોકો હથિયારો લઈને પર્વતોમાં ઉતરી પડ્યા. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ વાત જાણતાં કહ્યું પણ ખરું કે, ‘હજારો લોકો અમેરિકન એરમેનનો શિકાર કરવા નીકળી પડ્યા છે.’ ઘાયલ અમેરિકન એરમેન પર છુપાઈ રહેવાનું દબાણ વધતું જતું હતું.

7,000 ફૂટની ઊંચાઈએ તિરાડમાં છુપાઈ રહેવાનો દાવ
દુશ્મનોથી બચવા માટે અમેરિકન એરમેનનો પગ ઘાયલ હોવા છતાં લગભગ 1.3 માઇલ(2 કિલોમીટરથી વધુ)નું ચઢાણ ચઢીને 7,000 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયો. આટલી ઊંચાઈએ જઈને તે એક ખડકની ઊંડી તિરાડમાં છુપાઈ ગયો. આ દરમિયાન તેણે ઘણી જ સમજદારીપૂર્વક બીકન(સંકેત આપતું સાધન)નો ઉપયોગ કર્યો. તે જાણતો હતો કે જો તે સતત સંકેત આપતો રહેશે તો ઈરાનીઓ તેને ટ્રેક કરી શકે છે. તેથી તેણે માત્ર ટૂંકા સંકેતો આપ્યા. એક વખત તેણે રેડિયો પર સંદેશો મોકલ્યો: ‘ગોડ ઇઝ ગુડ’.
CIAએ ચતુરાઈપૂર્વક છેતરપિંડી કરી
અમેરિકન સેના અને અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) તેમના સૈનિકને બચાવવા માટે પૂરજોરમાં પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ઈરાનના દુર્ગમ પ્રદેશમાં જઈને કોઈને શોધવું આસાન નહોતું. એટલે CIAએ એક ડહાપણભરી યુક્તિ અજમાવી. તેણે ઈરાનમાં ખોટી માહિતી ફેલાવવાનું શરૂ કર્યું કે, ખોવાયેલા સૈનિકને અમેરિકાએ શોધી કાઢ્યો છે અને તેને સમુદ્રી માર્ગે બચાવી લેવાનો પ્રયાસ જારી છે. એ સાંભળીને ઈરાનની સેનાએ પોતાનું ધ્યાન સમુદ્ર કિનારે કેન્દ્રિત કરી દીધું, જ્યારે હકીકતમાં તો એરમેન પહાડોમાં જ છુપાયેલો હતો. આ છેતરપિંડીથી અમેરિકન બચાવ ટીમને કામ કરવા માટે અમૂલ્ય સમય મળી ગયો.
200 સ્પેશિયલ કમાન્ડોને ઈરાનમાં ઘૂસાડ્યા
એકવાર ખાતરી થઈ ગઈ કે એરમેન ક્યાં છુપાયેલો છે એટલે અમેરિકાએ મોટી કાર્યવાહી શરૂ કરી. લગભગ 200 સ્પેશિયલ ફોર્સના કમાન્ડો(જેમાં સંભવતઃ સીલ ટીમ સિક્સનો પણ સમાવેશ થતો હતો)ને ઈરાનમાં ઉતારવામાં આવ્યા. આ કમાન્ડો સાથે MQ-9 રીપર ડ્રોન અને A-10 વોર્થોગ જેવા શક્તિશાળી વિમાનોની મદદ લેવાઈ. કમાન્ડો જમીન પર આગળ વધી રહ્યા હતા, ત્યારે આ વિમાનોએ ઈરાની સૈનિકોને તેમની નજીક આવતા અટકાવવા માટે હવામાંથી જ હુમલા કર્યા અને સલામત ઘેરો બનાવ્યો.
અમેરિકાએ પોતાના જ વિમાનો ફૂંકી માર્યા
આ ઓપરેશન જેમ જેમ આગળ વધતું ગયું, તેમ તેમ મોટી સમસ્યાઓ ઊભી થઈ. સૈનિક અને કમાન્ડોને બહાર કાઢવા માટે જે બે MC-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તહેનાત કરાયા હતા, તેમાં ટેકનિકલ ખામી આવતાં તે ઉડવામાં અસમર્થ બની ગયા. હવે સ્થિતિ ગંભીર હતી. આટલા મોંઘા વિમાનો ઈરાનીઓના હાથમાં ન જાય તે માટે અમેરિકન સેનાએ તાત્કાલિક નિર્ણય લીધો. કમાન્ડોએ વિમાનોમાં વિસ્ફોટક મૂકીને તેને ઉડાવી દીધા. ત્યારબાદ ત્રણ નવા વિમાનો મંગાવીને બધા સૈનિકો અને કમાન્ડોને સુરક્ષિત બહાર કઢાયા. સદનસીબે, આ સમગ્ર મિશનમાં કોઈ અમેરિકન સૈનિક શહીદ થયો નહીં.
ઘાયલ એરમેનને કુવૈત લઈ જવાયો
આખરે, અત્યંત મુશ્કેલીભર્યા 36 કલાકની મથામણ તેમજ શિકારી અને શિકાર વચ્ચેની ટક્કર પછી, અમેરિકન કમાન્ડોએ ઘાયલ એરમેનને સુરક્ષિત બચાવી લીધો. તેને તાત્કાલિક સારવાર માટે પાડોશી દેશ કુવૈત લઈ જવાયો. તેની ઈજાઓ ગંભીર હતી, પરંતુ તે જીવિત હતો. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર આનંદ વ્યક્ત કરતાં લખ્યું, ‘WE GOT HIM!’
આમ, એરમેનની ચતુરાઈથી લઈને CIAની અફવાઓ ફેલાવીને કરાયેલી છેતરપિંડી તેમજ સ્પેશિયલ કમાન્ડો ફોર્સની સાહસિક કામગીરી સુધી આ એક એવું ઓપરેશન હતું, જેમાં દુશ્મનના માળામાં ઘૂસીને એરમેનને બચાવવાનું દિલધડક મિશન પાર પાડવામાં આવ્યું.


