Get The App

ફુગાવો ચાર વર્ષની ટોચે જશે : અમેરિકામાં પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
ફુગાવો ચાર વર્ષની ટોચે જશે : અમેરિકામાં પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ 1 - image

- મધ્ય-પૂર્વમાં ઈરાન સામેના યુદ્ધની અર્થતંત્ર પર વિપરિત અસર

- માર્ચમાં ફુગાવો 1.5 ટકા વધીને 3.4 ટકા રહેવાની સંભાવના  વર્ષ 2022 પછી સૌથી મોટા માસિક ઊછાળાની શક્યતા

- અમેરિકામાં પેટ્રોલ  પ્રતિ ગેલન 2.76 ડોલરથી વધીને 4.17 ડોલર, ડીઝલ 3.76 ડોલરથી વધીને 5.63 ડોલર

- માર્ચમાં ગેસના ભાવમાં 20 ટકાના ઊછાળાથી જનતાની અન્ય વસ્તુઓ અને સુવિધાઓ માટેના ખર્ચની ક્ષમતા ઘટી

વોશિંગ્ટન : મધ્ય-પૂર્વમાં ઈરાન સામેના યુદ્ધથી દુનિયાભરના અર્થતંત્રો ખોરવાઈ ગયા છે ત્યારે અમેરિકા પણ તેમાંથી બાકાત રહ્યું નથી. દુનિયામાં ક્રૂડ ઓઈલની કટોકટીની અસર અમેરિકા પર પણ દેખાવા લાગી છે. અમેરિકામાં ગેસના ભાવ વધી ગયા છે, જેથી માર્ચમાં કન્ઝ્યુમર પ્રાઈસમાં વધારાના અને ફુગાવો ચાર વર્ષની ટોચે પહોંચવાની સંભાવના છે. આથી, ફેડરલ રિઝર્વની ચિંતા વધશે અને વ્હાઈટ હાઉસ માટે પણ વધતા ખર્ચની સ્થિતિ ઈરાન યુદ્ધની સાથે ઘરઆંગણે મોટો રાજકીય પડકાર ઊભો કરી શકે છે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકામાં એક વર્ષ અગાઉની તુલનામાં માર્ચ મહિનાનો વધીને ૩.૪ ટકા રહી શકે છે, જે ફેબુ્રઆરી ૨૦૨૬માં ૨.૪ ટકા કરતાં એક ટકાના વધારાના સંકેત આપે છે. આ સિવાય ફેબુ્રઆરીની સરખામણીમાં માર્ચમાં ભાવ વધારો ૦.૯ ટકા વધવાની શક્યતા છે તેમ ડેટા પ્રોવાઈડર ફેક્ટસેટ દ્વારા અર્થશાસ્ત્રીઓના સરવેને ટાંકીને જણાવાયું હતું. ફુગાવામાં આ વધારો વર્ષ ૨૦૨૨ પછી સૌથી મોટો માસિક ઊછાળો હોઈ શકે છે.

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ફુગાવો ઘટતો હતો, પરંતુ ૩.૪ ટકાનો આંક છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો ઊછાળો હોઈ શકે છે અને તે ફેડ રિઝર્વના બે ટકાના લક્ષ્યાંક કરતાં ઘણો ઊંચો રહેવાની આશંકા છે. સ્ટેટ સ્ટ્રીટના મેક્રો સ્ટ્રેટેજીના વડા માઈકલ મેટકાફેએ જણાવ્યું કે, ફુગામાં ઊછાળો અમેરિકનોને મોટો આંચકો આપી શકે છે. પ્રાઈસ સ્ટેટ લાખો ઓનલાઈન કિંમતોમાંથી ફુગાવાનો અંદાજ મેળવે છે. તેમનો ડેટા સંકેત આપે છે કે ફુગાવો ફેબુ્રઆરીથી માર્ચમાં જ ૧.૫ ટકાનો કૂદકો મારી શકે છે.

અત્યંત વોલેટાઈલ ખાદ્ય અને ઊર્જા કેટેગરી સિવાય કોર કિંમતોમાં માર્ચમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં ૨.૭ ટકાનો વધારો થવાનો અંદાજ છે, જે ફેબુ્રઆરી ૨૦૨૬માં ૨.૫ ટકા હતી. ફેબુ્રઆરીથી માર્ચમાં કોર કિંમતોમાં ૦.૩ ટકાનો વધારો થવાની સંભાવના છે. માર્ચમાં ગેસના ભાવમાં ૨૦ ટકાનો ઊછાળો આવ્યો છે, જેથી ગ્રાહકોની અન્ય ગૂડ્સ અને સેવાઓ પરનો ખર્ચ કરવાની ક્ષમતા ઘટી છે. પરિણામે અર્થતંત્રમાં નરમાઈ જોવા મળી શકે છે.

ટૂંકાગાળા માટે અમેરિકનો તેમના દૈનિક જીવનમાં મર્યાદિત ફેરફાર કરે તેવી શક્યતા છે. મોટાભાગના લોકો ગેસની ઊંચી કિંમતોના કારણે તેમના અન્ય ખર્ચાઓમાં કાપ મૂકી શકે છે. હાલ અમેરિકામાં ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન સરેરાશ ૪.૧૭ ડોલર છે, જે એક મહિના અગાઉ કરતાં ૬૯ સેન્ટનો વધારો દર્શાવે છે.