World

અમેરિકામાં યુસી બર્કલેનો ભારતીય વિદ્યાર્થી સાકેત છ દિવસથી લાપતા

By GS TEAM
15 Feb 20262 mins read
અમેરિકામાં યુસી બર્કલેનો ભારતીય વિદ્યાર્થી સાકેત છ દિવસથી લાપતા

અમેરિકામાં ભારતીયો પર હુમલા વચ્ચે ઘટના

કર્ણાટકનો ૨૨ વર્ષીય સાકેત આઇઆઇટી મદ્રાસમાં બીટેક કર્યા બાદ વધુ અભ્યાસ માટે કેલિફોર્નિયા ગયો હતો

બર્કલે: અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભારતીય વિદ્યાર્થી ગૂમ થઇ ગયો છે, જેને કારણે છેલ્લા છ દિવસથી સમગ્ર તંત્ર તેને શોધવામાં લાગી ગયું છે.  ૨૨ વર્ષીય સાકેત શ્રીનિવાસૈયા કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં બર્કલેમાં કેમિકલ અને બાયોમોલેક્યૂલર એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. અને નવમી ફેબુ્રઆરીથી તે ગૂમ છે. જેને પગલે પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે.  

અમેરિકામાં હાલ વંશીય હુમલા વધ્યા છે, ભારતીયોને પણ નિશાન બનાવાઇ રહ્યા છે અને કેટલાકની હત્યા કરી દેવામાં આવી છે. એવા સમયે આ ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગૂમ થવાને કારણે કેલિફોર્નિયાની પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસ અધિકારીઓનો દાવો છે કે છેલ્લે આ યુવક કેમ્પસથી લગભગ એક કિમી દૂર જોવા મળ્યો હતો. બાદમાં પ્રશાસન દ્વારા સઘન તપાસ કરાતા કેમ્પસની નજીક આવેલી એક બિલ્ડિંગ નજીકથી આ યુવકની બેગ અને લેપટોપ મળી આવ્યા હતા. બેગમાંથી તેનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. 

તેની વસ્તુઓ મળી પણ યુવક ના મળ્યો જેને પગલે અનેક એંગલથી મામલાની તપાસ ચાલી રહી છે અને પુરા શહેરમાં પોલીસ શોધખોળ કરી રહી છે. કર્ણાટકનો રહેવાસી શ્રીનિવાસૈયા આઇઆઇટી મદ્રાસમાંથી બીટેકનો અભ્યાસ કરી ચુક્યો છે. બાદમાં તે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો અને કેલિફોર્નિયાના બર્કલેમાં માસ્ટર ડિગ્રી લઇ રહ્યો હતો. અચાનક જ તે ગૂમ થઇ ગયો છે, તેની સાથે રહેતા રૂમમેટ બનીત સિંહે સોશિયલ મીડિયા પર શ્રીનિવાસૈયાના ગૂમ થવાની માહિતી જાહેર કરી હતી. અને લોકોને મદદ કરવાની અપીલ કરી હતી.