ભારતીય જજે ઈઝરાયલના કૃત્યો ઉઘાડા પાડ્યા, 20 હજાર બાળકોની હત્યાનો હિસાબ દુનિયાને આપ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Justice Muralidhar Story: ભારતના એક નિવૃત્ત જજે દુનિયાના સૌથી મોટા મંચ પર ઊભા રહીને ઈઝરાયલના કૃત્યો ઉઘાડા પાડ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની સેના જે નરસંહારને સતત નકારતા આવ્યા હતા, આ ભારતીય જજે તેમના એ સફેદ જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી દીધો છે. તેમણે દુનિયાની સામે ડંકે કી ચોટ પર દુનિયાને જણાવ્યું કે, કેવી રીતે ગાઝામાં 20 હજારથી વધુ નિર્દોષ બાળકોની ક્રૂર હત્યા કરવામાં આવી. અમે વાત કરી રહ્યા છીએ યુએન (UN)ની ઈન્ક્વાયરી કમિટીના ચેરમેન અને રિટાયર્ડ જસ્ટિસ શ્રીનિવાસન મુરલીધરની, જેમના આ રિપોર્ટ પર સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
રિપોર્ટમાં શું લખ્યું?
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)એ ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષની તપાસ માટે એક આયોગની રચના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ તરીકે ગત વર્ષે નવેમ્બરમાં જસ્ટિસ મુરલીધરની નિમણૂક કરવામાં આવી હતી. 23 જૂનના રોજ આ આયોગની ટીમે 94 પાનાંનો એક એવો ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે, જેને વાંચીને કોઈનું પણ કાળજુ કાંપી ઊઠે. આ રિપોર્ટમાં ઓક્ટોબર 2023થી ઓક્ટોબર 2025 વચ્ચેના ગાળામાં ગાઝામાં નિર્દોષ બાળકો પર ગુજારવામાં આવેલા અત્યાચારો અને ક્રૂરતાનો આખો કાચો ચિઠ્ઠો દુનિયાની સામે મૂકવામાં આવ્યો છે.
આંકડા જ જુબાની આપી રહ્યા છે કે, ત્યાં કેવો ખેલ ખેલાયો
- તેમની રિપોર્ટ સ્પષ્ટપણે કહી રહી છે કે ઈઝરાયલે બે વર્ષ ચાલેલા આ યુદ્ધમાં ઓછામાં ઓછા 20,179 ફિલિસ્તિની બાળકોના જીવ લીધા છે. ગાઝામાં કુલ જેટલા પણ મોત થયા છે, તેમાંથી 30% તો માત્ર નિર્દોષ બાળકો જ છે. આ ઉપરાંત લગભગ 44,000 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 58,000 જેટલા બાળકો અનાથ થઈ ગયા છે.
- રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ગાઝામાં બાળકોને સ્નાઈપર્સ અને અત્યંત સચોટ ડ્રોન હુમલાઓ દ્વારા વીણી-વીણીને નિશાન બનાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં માનવતાવાદી સહાય અને મદદ પણ રોકી દેવામાં આવી હતી, જેના કારણે માસૂમ બાળકો ભૂખમરા અને ગંભીર બીમારીઓથી તડપી-તડપીને મોતને ભેટ્યા. અહીં સુધી કે, ક્રૂરતાની હદ તો ત્યાં વટાવી દેવામાં આવી જ્યારે હોસ્પિટલોના મેટરનિટી અને ચાઇલ્ડ વોર્ડને પણ બક્ષવામાં ન આવ્યા નહોતા. આ ઉપરાંત, વેસ્ટ બેંકના વિસ્તારમાં પણ ફિલિસ્તિની બાળકો સાથે જાતીય હિંસા અને તેમને માનસિક તેમજ શારીરિક રીતે ટોર્ચર કરવાના અત્યંત ગંભીર આરોપો આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યા છે.
ઈઝરાયલના તમામ જૂઠનો પર્દાફાશ
જસ્ટિસ મુરલીધરે કોઈ પણ આડકતરી વાત કર્યા વિના સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પુરાવાઓ ચીસો પાડી-પાડીને કહી રહ્યા છે કે ઈઝરાયલી સુરક્ષા દળોએ ફિલિસ્તિની બાળકોને જાણીજોઈને પોતાના નિશાન બનાવ્યા અને તેમની હત્યા કરી છે.
ઈઝરાયલ સતત એવો દાવો કરતું આવ્યું છે કે, હમાસના લડવૈયા બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે. જોકે, જસ્ટિસ મુરલીધરે ઈઝરાયલના આ દાવાને એક તદ્દન સફેદ જુઠ્ઠાણું ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમણે જણાવ્યું કે, જે નિર્દોષ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેમાંથી મોટાભાગના બાળકો કોઈ પણ પ્રકારે યુદ્ધનો હિસ્સો નહોતા, પરંતુ તેઓ માત્ર પોતાની રોજબરોજની સામાન્ય જિંદગી જીવી રહ્યા હતા.
આ રિપોર્ટમાં માત્ર આંકડા જ રજૂ કરવામાં નથી આવ્યા, પરંતુ તેની સાથે એક અત્યંત કડક ભલામણ પણ કરવામાં આવી છે. આયોગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, દુનિયાભરના દેશો ઈઝરાયલને હથિયારો વેચવાનું તાત્કાલિક ધોરણે બંધ કરે, કારણ કે આ હથિયારોનો ઉપયોગ નરસંહાર માટે થઈ રહ્યો છે. આ સાથે જ આયોગે એવી પણ માગ કરી છે કે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત એ તમામ ઈઝરાયલી અધિકારીઓની ધરપકડ કરવામાં આવે, જેમને આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) શોધી રહી છે.
કોણ છે જસ્ટિસ મુરલીધર?
જસ્ટિસ મુરલીધરની ઓળખ એક એવા જજ તરીકેની રહી છે, જેઓ ક્યારેય સત્તાના દબાણ સામે ઝૂક્યા નથી અને હંમેશા નાગરિક અધિકારો માટે અડીખમ ઊભા રહ્યા છે. 64 વર્ષીય જસ્ટિસ મુરલીધરે વર્ષ 1984માં ચેન્નાઈથી પોતાની વકાલાતની શરૂઆત કરી હતી. તેઓ કરિયરના શરૂઆતના દિવસોથી જ વંચિતો અને મજલૂમોનો અવાજ બન્યા. વર્ષ 1984ની ભયાનક ભોપાલ ગેસ ત્રાસદીના પીડિતોને ન્યાય અપાવવા માટે તેમણે એક પણ રૂપિયો ફી લીધા વિના કેસ લડ્યા હતા. આ ઉપરાંત નર્મદા નદી પર બંધ બનવાના કારણે બેઘર બનેલા આદિવાસીઓના હક અને અધિકારો માટે પણ તેમણે લાંબી કાનૂની લડત ચલાવી હતી.
જજ તરીકે ઐતિહાસિક નિર્ણય આપ્યા
- વર્ષ 2006માં તેમની દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અહીં પદ પર રહેતા તેમણે કોઈ પણ પક્ષપાત વિના ઘણા મોટા અને વગદાર તેમજ પ્રભાવશાળી લોકો વિરુદ્ધ કડક ચુકાદાઓ સંભળાવ્યા હતા.
- 1984ના શિખ વિરોધી રમખાણો: વર્ષ 2018માં તેમની જ ખંડપીઠે રમખાણો દરમિયાન ભીડને ઉશ્કેરવાના ગુનામાં તત્કાલીન સત્તાધારી પક્ષ કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.
- હાશિમપુરા કાંડ: વર્ષ 1987માં પોલીસ કસ્ટડી દરમિયાન 40થી વધુ નિર્દોષ મુસ્લિમોની હત્યા કરવાના મામલામાં ત્રણ દાયકા જેટલા લાંબા સમય બાદ તેમણે જ તમામ 16 દોષિત પોલીસકર્મીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
- નજીબ અહમદ કેસ: JNU વિદ્યાર્થી નજીબ અહેમદના ગુમ થવાના મામલામાં તેમણે દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBIને તેની ગંભીર બેદરકારી બદલ આકરી ફટકાર લગાવી હતી.
તે અડધી રાત્રે ટ્રાન્સફર
જસ્ટિસ મુરલીધરના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ફેબ્રુઆરી 2020માં આવ્યો હતો. તે સમયે દિલ્હી રમખાણોની આગમાં સળગી રહ્યું હતું અને ઘાયલોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી હતી. આવી કટોકટીની સ્થિતિમાં જસ્ટિસ મુરલીધરે અડધી રાત્રે પોતાના ઘરે જ અદાલત લગાવી અને પોલીસને તાત્કાલિક ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર અપાવવાનો આદેશ આપ્યો હતો. બીજા જ દિવસે તેમણે ભડકાઉ ભાષણ આપનારા નેતાઓનો વીડિયો કોર્ટમાં જ લાઈવ ચલાવડાવ્યો અને પોલીસને 24 કલાકની અંદર FIR નોંધવા માટે આદેશ આપી દીધો. એવું કહેવાય છે કે, આ ઐતિહાસિક અને કડક વલણના કારણે જ ગણતરીના કલાકોમાં તેમનો ટ્રાન્સફર ઓર્ડર આવી ગયો અને તેમનું 240 કિલોમીટર દૂર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું.
UNથી મળી ખાસ ઓળખ
પોતાના નિડર અને બેખોફ અંદાજને કારણે જાન્યુઆરી 2021માં તેઓ ઉડીસા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. ઓગસ્ટ 2023માં જ્યારે તેઓ નિવૃત્ત થયા, ત્યારે વકીલોએ તેમના પ્રત્યેના વિશેષ આદર અને સન્માનના પ્રતીક રૂપે તેમના પર ફૂલ વરસાવ્યા હતા. યુએન (UN) દ્વારા તેમને આપવામાં આવેલ આ મોટી જવાબદારી અને તેમના પર મૂકવામાં આવેલો ભરોસો એ સાબિત કરે છે કે તેઓ ન્યાયના પક્ષે અડીખમ છે. આજે એ જ જજ ગાઝામાં માર્યા ગયેલા માસૂમ બાળકોના લોહીનો હિસાબ માંગીને ઈઝરાયલ માટે આંખના કણા જેવા બની ગયા છે.









