Get The App

મિડલ ઈસ્ટમાં મિસાઇલના કાટમાળના કારણે વધુ એક ભારતીયનું મોત, યુદ્ધની આગ હવે સામાન્ય લોકોના ઘર સુધી પહોંચી

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટમાં મિસાઇલના કાટમાળના કારણે વધુ એક ભારતીયનું મોત, યુદ્ધની આગ હવે સામાન્ય લોકોના ઘર સુધી પહોંચી 1 - image


અગાઉ પણ બે ભારતીયોનાં મોત થઇ ચુક્યાં છે તે સમયની તસવીર

Indian Death in UAE : યુએઈ(UAE)માં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે. અબુ ધાબીમાં ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઇલનો કાટમાળ રહેણાંક વિસ્તારમાં પડતાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે અબુ ધાબીમાં રહેતા ભારતીય સમુદાયમાં શોકની લહેર દોડી ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?

અહેવાલો અનુસાર, યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે આકાશમાં જ એક મિસાઇલને સફળતાપૂર્વક આંતરીને તોડી પાડી હતી. જોકે, આ મિસાઇલનો સળગતો કાટમાળ નીચે વસતી ધરાવતા વિસ્તારમાં આવી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્યાં હાજર એક ભારતીય નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા બાદ મૃત્યુ પામ્યો હતો. અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો

ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી સંવેદના

ભારતીય દૂતાવાસે ટ્વિટર (X) પર સત્તાવાર નિવેદન દ્વારા આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે જણાવ્યું કે, "અબુ ધાબીમાં મિસાઇલનો કાટમાળ પડવાથી એક ભારતીય નાગરિકના દુ:ખદ અવસાન પર અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે મૃતકના પરિવારના સંપર્કમાં છીએ અને પાર્થિવ દેહને ભારત લાવવા સહિતની તમામ જરૂરી કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવા માટે યુએઈના સત્તાધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ."

ભારતીયો માટે એડવાઇઝરી જાહેર

ખાડી વિસ્તારમાં વધી રહેલી મિસાઇલ ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભારતીય મિશને યુએઈમાં રહેતા ભારતીય નાગરિકો માટે સૂચનાઓ જાહેર કરી છે. ભારતીય સમુદાયના લોકોને સતર્ક રહેવા અને સુરક્ષા સલાહનું પાલન કરવા જણાવાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા અને સત્તાવાર માધ્યમો દ્વારા મળતી માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરાઈ છે. કોઈપણ પ્રકારની સહાય માટે દૂતાવાસમાં નોંધણી કરાવવા અથવા હેલ્પલાઇન પર સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.