World

ટ્રમ્પના વિશ્વાસુની કંપનીને ભારત દર મહિને આપશે 1.50 લાખ ડોલર, વર્ષ 2027 સુધી ડીલ સાઈન

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે અમેરિકાની લોબિંગ ફર્મ 'SHW પાર્ટનર્સ LLC' સાથેનો કોન્ટ્રેક્ટ 1 વર્ષ માટે રિન્યૂ કર્યો છે. ટ્રમ્પના નજીકના જેસન મિલરની આ ફર્મને ભારત દર મહિને $1,50,000 ચૂકવશે. વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે 24 એપ્રિલે 2027 સુધીનો કરાર કર્યો. આ ફર્મ ભારત સરકારને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યૂહાત્મક સલાહ અને અમેરિકન સરકાર સમક્ષ પક્ષ રજૂ કરવામાં મદદ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના વિશ્વાસુની કંપનીને ભારત દર મહિને આપશે 1.50 લાખ ડોલર, વર્ષ 2027 સુધી ડીલ સાઈન

India US Lobbying Contract : પહલગામ આતંકી હુમલા બાદ જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કરવાની જરૂર હતી, ત્યારે ભારતે અમેરિકાની એક શક્તિશાળી લોબિંગ ફર્મને હાયર કરી હતી. હવે ભારતે આ અમેરિકન લોબિંગ ફર્મ સાથેનો પોતાનો કોન્ટ્રેક્ટ વધુ એક વર્ષ માટે રિન્યૂ કર્યો છે. આ લોબિંગ ફર્મ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ નજીકના સાથીદારની છે. અમેરિકાના 'ફોરેન એજન્ટ્સ રજીસ્ટ્રેશન એક્ટ' (FARA) હેઠળ જાહેર કરાયેલી માહિતી અનુસાર, ભારતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ ટોપ કેમ્પેઈન પ્રવક્તા, અને લાંબા સમય સુધી કમ્યુનિકેશન એડવાઈઝર રહેલા જેસન મિલરની કંપની 'SHW પાર્ટનર્સ LLC' સાથે લોબિંગનો કોન્ટ્રેક્ટ લંબાવ્યો છે.

વૉશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ અને મિલરની કંપની વચ્ચે, આ નવો કોન્ટ્રેક્ટ આ વર્ષે 24 એપ્રિલના રોજ સાઈન કરવામાં આવ્યો હતો, જે 23 એપ્રિલ, 2027 સુધી ચાલશે. આ લોબિંગ ફર્મને ભારત દર મહિને 1,50,000 અમેરિકન ડોલરની ફી ચૂકવશે. આ હિસાબે આ ફર્મની સેવાઓ લેવા માટે ભારતને વાર્ષિક 1.8 મિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે, મિલરની કંપનીને ભારતીય દૂતાવાસે ગયા વર્ષે 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો બાદ જ હાયર કરી હતી.

ભારત સરકારને આપે છે વ્યૂહાત્મક સલાહ

આ લોબિંગ ફર્મ ભારત સરકારને વ્યૂહાત્મક સલાહ (સ્ટ્રેટેજિક એડવાઈસ), ટેક્ટિકલ પ્લાનિંગ અને મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડે છે. આ સાથે જ અમેરિકન સરકાર સામે ભારત સરકારનો પક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં પણ મદદ કરે છે. સમીક્ષા પરથી જાણવા મળ્યું છે કે, આ વર્ષે 25 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે જેસન મિલર અને ટ્રમ્પ પ્રશાસનના ટોચના અધિકારીઓ વચ્ચે આશરે 1 ડઝન જેટલા ફોન કોલ્સ પર વાતચીત થઈ હતી. આ અધિકારીઓમાં US ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર, ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ, કોમર્સ સેક્રેટરી હોવર્ડ લટનિક અને ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ સુસી વાઈલ્સ સામેલ હતા.

ભારત-અમેરિકાની વ્યાપારિક રૂપરેખા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ, ભારત અને અમેરિકાએ 2 ફેબ્રુઆરીએ એક વચગાળાના દ્વિપક્ષીય વ્યાપાર કરાર માટેની રૂપરેખા જાહેર કરી હતી. નવેમ્બર 2025 અને આ વર્ષના એપ્રિલ મહિના વચ્ચે ભારત તરફથી થયેલી વાટાઘાટો દર્શાવે છે કે, રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી પરના પ્રતિબંધોમાં છૂટછાટ મેળવવાના મામલે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે નિયમિત ફોન પર ચર્ચા કરવામાં આવી હતી.

અમેરિકામાં લોબિંગ કરવું સંપૂર્ણપણે કાયદેસર છે, પરંતુ તેના નિયમો મુજબ તમામ એજન્ટોએ 'ફોરેન એજન્ટ્સ રજીસ્ટ્રેશન એક્ટ' હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે. SHW પાર્ટનર્સ LLC કંપની કોર્પોરેટ્સ, સંસ્થાઓ અને વિદેશી સરકારોને અમેરિકન પ્રશાસન, કોંગ્રેસ અને નીતિ-નિર્માતાઓ સુધી પોતાનો અવાજ પહોંચાડવામાં મદદરૂપ બને છે.