Get The App

મોટી રાહત : ટ્રમ્પે ભારત પર દંડરૂપે લગાવેલો 25% ટેરિફ હટાવ્યો, ટ્રેડ ડીલનું માળખું જાહેર

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
મોટી રાહત : ટ્રમ્પે ભારત પર દંડરૂપે લગાવેલો 25% ટેરિફ હટાવ્યો, ટ્રેડ ડીલનું માળખું જાહેર 1 - image


IANS


India vs USA Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા વ્યાપારી તણાવનો આખરે અંત આવ્યો છે. શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, બંને દેશો વચ્ચે એક વચગાળાના વ્યાપાર કરાર (Interim Trade Deal) પર સહમતી સધાઈ છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા વ્યૂહાત્મક યુગની શરૂઆત માનવામાં આવે છે. આ સમજૂતીમાં સૌથી મહત્ત્વનું એ છે કે પ્રમુખ ટ્રમ્પે એ કાર્યકારી આદેશ પર સહી કરી દીધી છે જે હેઠળ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાને કારણે ભારત પર લગાવેલો 25% ટેરિફર રદ કરી દેવામાં આવ્યો છે. કરાર હેઠળ હવે અમેરિકા ભારત પાસેથી ફક્ત 18% ટેરિફ વસૂલશે. 

કયા ક્ષેત્રોમાં ભારતને મળી મોટી રાહત?

આ કરાર હેઠળ ખાસ કરીને ફૂટવેર અને લેધર ઇન્ડસ્ટ્રીને મોટી રાહત મળી છે. 18% ટેરિફના નવા નિયમથી વૈશ્વિક બજારમાં ભારતીય જૂતા અને ચામડાની વસ્તુઓની સ્પર્ધાત્મકતા વધશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સુરક્ષાના આધારે લાદવામાં આવેલા વધારાના શુલ્ક પણ પાછા ખેંચવામાં આવ્યા છે. આ રાહત બાદ ભારતીય ઉત્પાદનો હવે વિયેતનામ અને ચીન કરતા અમેરિકી બજારમાં વધુ સસ્તા અને સુલભ બનશે.

ભારતે અમેરિકા માટે ખોલ્યા બજારના દ્વાર

રાહતના બદલામાં ભારતે પણ કેટલાક મોટા નિર્ણયો લીધા છે. ભારત હવે અમેરિકન શેલ ઓઇલ અને LNG (ગેસ) ની મોટી આયાત કરશે. આ ઉપરાંત, અમેરિકન બદામ, સફરજન, અખરોટ અને સોયાબીન તેલ માટે ભારતીય બજારના દરવાજા વધુ ખુલશે. મેડિકલ ડિવાઇસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ICT) ના સાધનો માટે આયાત પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવશે. એટલું જ નહીં, બોઈંગ જેવા અમેરિકન વિમાન ઉત્પાદકોને ભારત તરફથી મોટા ઓર્ડર મળી શકે છે.

માર્ચ સુધીમાં ઔપચારિક કાયદેસર દસ્તાવેજ તૈયાર થશે

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, આ વચગાળાના કરારને માર્ચના મધ્ય સુધીમાં ઔપચારિક કાયદાકીય દસ્તાવેજમાં ફેરવી દેવામાં આવશે. જોકે, ભારતીય ખેડૂત સંગઠનોએ કૃષિ ક્ષેત્ર ખોલવાની સંભાવનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે, જેની સામે સરકારે સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષા (Safeguard) રાખવાનું આશ્વાસન આપ્યું છે.