ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની સજા, ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાની કોર્ટનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Imran Khan News : પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના એક કેસમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને મોટો ઝટકો લાગે તેવો ચુકાદો આવ્યો છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(FIA)ની વિશેષ કોર્ટે તોશાખાના-2 ભ્રષ્ટાચાર કેસમાં બંનેને 17-17 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ઇમરાન ખાન અને બુશરા બીબીને આ મામલે દોષિત ઠેરવતાં સજાની જાહેરાત કરી હતી.
શું છે મામલો?
સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે આ મામલો 2021નો છે જ્યારે સાઉદી અરબના રાજકુમાર ઇમરાન ખાનને એક કિંમતી બુલ્ગારી જ્વલેરી સેટ ભેટમાં આપી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ઘરેણાંની વાસ્તવિક કિંમત 7 કરોડ 15 લાખ પાકિસ્તાની રૂપિયા કરતાં વધારે હતી પણ તેને ફક્ત 58 લાખ રૂપિયામાં ખરીદી નિયમોનું ઉલ્લંઘન કરાયું. કોર્ટે તેને સરકારી વિશ્વાસ સાથે દગો અને ભ્રષ્ટાચાર ગણાવ્યો.
કયા કયા ગુના હેઠળ સજા?
કોર્ટના ચુકાદા મુજબ ઇમરાન ખાનને ગુનાહિત વિશ્વાસઘાત હેઠળ 10 વર્ષ અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બુશરા બીબીને સમાન ધારાઓમાં કુલ 17 વર્ષની સજા આપી છે. આ ઉપરાંત બંને પર 1 કરોડ 64 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ચૂકવવાની સ્થિતિમાં વધારાની જેલની સજા પણ ભોગવવી પડશે.
અગાઉ પણ જુદા કેસમાં સજા થઈ હતી
અદિયાલા જેલમાં બનાવાયેલી વિશેષ કોર્ટના સ્પેશિયલ જજ શાહરુખ અરજુમંદે આ ચુકાદો સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2023થી ઇમરાન ખાન જેલમાં કેદ છે. અગાઉ જાન્યુઆરી 2025માં અલ કાદિર ટ્રસ્ટ મામલે ઇમરાન ખાનને 14 વર્ષ અને બુશરા બીબીને 7 વર્ષની સજા પહેલા પણ સંભળાવાઈ હતી.









