Get The App

વિશ્વમાં યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો વિકાસ ધૂળમાં મળી જશે : પીએમ મોદી

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
વિશ્વમાં યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો વિકાસ ધૂળમાં મળી જશે : પીએમ મોદી 1 - image

- પહેલા કોરોના, હવે યુદ્ધ-ઊર્જા સંકટે મુશ્કેલી વધારી 

- 21મી સદીનું ભારત તકોની ભૂમિ, દેશની મહત્વાકાંક્ષાઓ સરહદ સુધી મર્યાદિત નથી, યુવાનોની ઈચ્છા આકાશને આંબી રહી છે

- નેધરલેન્ડના પીએમ સાથે ડિજિટલ ટેક્નોલોજી, સેમીકન્ડક્ટર, સ્વચ્છ ઉર્જામાં સહકાર વધારવા ચર્ચા

હેગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દુનિયાને ચેતવણી આપી કે મધ્ય-પૂર્વમાં ચાલતું યુદ્ધ અને વૈશ્વિક રાજકીય અસ્થિરતા દાયકાઓના વિકાસને ધૂળમાં મેળવી દેશે અને લાખો લોકોને ગરીબીમાં ધકેલી દેશે. નેધરલેન્ડ્સમાં તેમણે કહ્યું કે, દુનિયામાં પહેલા કોરોના મહામારી અને હવે યુદ્ધ તથા ઊર્જા સંકટના અત્યંત પડકારજનક સમયમાંથી પસાર થઈ રહી છે. આ સ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય તો દાયકાઓનો વિકાસ ધૂળમાં મળી જશે. જોકે, તેમણે ૨૧મી સદીના ભારતને તકોની ભૂમિ ગણાવી હતી અને ભારતીયોને રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

વડાપ્રધાન મોદીએ શનિવારે નેધરલેન્ડની રાજધાની હેગમાં ભારતીય મૂળના લોકોને સંબોધન કરતા કહ્યું કે, પહેલા કોરોના મહામારી આવી, પછી યુદ્ધ શરૂ થઈ ગયા અને હવે ઊર્જા સંકટ આવ્યું છે. 

આ દાયકો દુનિયા માટે સંકટોનો દાયકો બની રહ્યો છે. દુનિયામાં જો સ્થિતિ ઝડપથી નહીં બદલાય તો પાછલા દાયકાઓમાં મેળવેલી સિદ્ધિઓ સાફ થઈ જશે. દુનિયાની વસતીનો એક મોટો ભાગ ગરીબીની જાળમાં ફસાઈ જશે. વડાપ્રધાને સુરક્ષિત અને પારદર્શી સપ્લાય ચેઈનના નિર્માણમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે વધતા સહયોગ પર પ્રકાશ પાડયો હતો. તેમણે કહ્યું, આજે વૈશ્વિક પરિસ્થિતિઓમાં દુનિયા લવચિક સપ્લાય ચેઈનની વાત કરી રહી છે. ભારત અને નેધરલેન્ડ વિશ્વસનીય અને પારદર્શી સપ્લાય ચેઈન બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

પીએમ મોદીએ નેધરલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયની તેમના સાંસ્કૃતિક મૂળને સંરક્ષિત રાખવા અને ડચ સમાજમાં યોગદાન આપવા માટે પ્રશંસા કરી. સાથે તેમણે પાછલા એક દાયકામાં ભારતના રાજકીય અને આર્થિક પરિવર્તનની વાત કરતા કહ્યું, ભારતમાં આજના દિવસે ૧૬ મે ૨૦૧૪ના રોજ એક સ્થિર બહુમતીવાળી સરકારની સ્થાપના થઈ.

ભારતીય ડાયસપોરાને સંબોધન સાથે વડાપ્રધાન મોદીએ ડચ વડાપ્રધાન રોબ જેટેન, રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી હતી. 

વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડના પીએમ રોબ જેટેન સાથે ડિજિટલ ટેક્નોલોજી, સેમીકન્ડક્ટર, જળ, સ્વચ્છ ઉર્જા, ઈનોવેશન, ફિનટેક, બ્લુ ઈકોનોમી, સંરક્ષણ,  શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવા અને સહકાર વધારવા પર ચર્ચા કરી હતી.