World

જો મુસ્લિમ દેશો એક થઈ જાય તો..., પાકિસ્તાન-સાઉદી-તુર્કીયેના સંરક્ષણ કરાર પર ઈરાનનું મોટું નિવેદન

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ મુસ્લિમ દેશોને એકજૂટ થઈને સુરક્ષા માટે વિદેશી તાકાતો પર નિર્ભરતા ઘટાડવા અપીલ કરી છે. આ નિવેદન મક્કામાં સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે થયેલા નવા 'મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ' બાદ આવ્યું છે. આ કરાર હેઠળ, જો કોઈ એક દેશ પર હુમલો થશે, તો તેને ત્રણેય પર હુમલો ગણવામાં આવશે, જે પ્રાદેશિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જો મુસ્લિમ દેશો એક થઈ જાય તો..., પાકિસ્તાન-સાઉદી-તુર્કીયેના સંરક્ષણ કરાર પર ઈરાનનું મોટું નિવેદન

mecca joint defense agreement: ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ મુસ્લિમ દેશોને એકજૂટ થઈને પોતાની સુરક્ષા માટે વિદેશી તાકાતો પર નિર્ભરતા ઘટાડવાની અપીલ કરી છે. ઈરાનની સેનાની શક્તિ અને તેની તૈયારીઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, જો મુસ્લિમ દેશો સાથે ઉભા રહે, તો બહારની તાકાતોના કોઈપણ પડકારનો સામનો કરવો શક્ય છે. અરાગચીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને મક્કામાં એક નવા ત્રિપક્ષીય સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સૈન્ય સહયોગ મજબૂત કરવાની દિશામાં આ કરારને 'મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ' નામ આપવામાં આવ્યું છે.

'ઈરાને દુનિયાને શક્તિ બતાવી'

ઈરાની વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર ઈરાનના સશસ્ત્ર દળોની ક્ષમતાના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ઈરાનના શક્તિશાળી સશસ્ત્ર દળોએ દુનિયાની સૌથી મોંઘી સૈન્ય શક્તિ સામે પોતાની તૈયારી, ક્ષમતા અને તાકાતનું પ્રદર્શન કર્યું છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 'જ્યારે મુસ્લિમ દેશો એકસાથે ઉભા રહે છે, ત્યારે આપણે બહારની દુષ્ટ તાકાતો તરફથી આવતા દરેક પડકારનો સીધો સામનો કરી શકીએ છીએ. હવે સમય આવી ગયો છે કે, આપણે ફક્ત પોતાના પર ભરોસો રાખીએ અને સાચા ભાઈચારાની ભાવના અપનાવીએ.'

શું છે મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ?

મક્કામાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની બેઠક દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારનો મુખ્ય હેતુ સામૂહિક સુરક્ષા અને અવરોધક ક્ષમતાને મજબૂત કરવાનો છે. કરારમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો ત્રણેય દેશોમાંથી કોઈ એક પર પણ સશસ્ત્ર હુમલો થશે, તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવશે.

વધતા તણાવ વચ્ચે કરાર

પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ)માં સતત વધી રહેલા તણાવ વચ્ચે આ સંરક્ષણ કરાર થયો છે. વર્તમાન સંઘર્ષ દરમિયાન સાઉદી અરેબિયાને ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તે પોતાની સુરક્ષા ભાગીદારીને વધુ વ્યાપક બનાવી રહ્યું છે. આ ઉપરાંત ગાઝા મુદ્દે તુર્કી અને ઈઝરાયેલ વચ્ચે પણ તણાવ વધ્યો છે. આ વાતાવરણ વચ્ચે સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેનો સૈન્ય સહયોગ પ્રાદેશિક સુરક્ષા સમીકરણોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.