- ઇરાનની સંપત્તિઓ જપ્ત કરીને ખાડી દેશોના નુકસાનની ભરપાઇ કરાશે : અમેરિકા
- કુવૈતમાં અમેરિકન સૈન્ય મથક પર ઇરાનનો હુમલો
- અમેરિકામાં થયેલા શાંતિકરારો અમલમાં છતાં બૈરુતમાં હિઝબુલ્લાહ પર ઇઝરાયેલના હુમલા યથાવત
- ઇરાન પરમાણુ હથિયારોની મહત્વકાંક્ષાને ત્યજી દે, અમે યુરેનિયમ ખરીદવાની પણ છૂટ નહીં આપીએ : ટ્રમ્પ
તહેરાન/વોશિંગ્ટન: શસ્ત્ર વિરામના દાવા વચ્ચે પણ ઇરાન અને અમેરિકા વચ્ચે તંગદીલી યથાવત છે, અમેરિકા હવે ઇરાનની જે સંપત્તિને ફ્રીઝ કરી દીધી તેને નુકસાનીના વળતર તરીકે હડપી લેવાની ફિરાકમાં છે. ખાડી દેશોમાં આ ઘર્ષણ સમયે જે નુકસાન થયંુ તેની ભરપાઇ તરીકે આ સંપત્તિને અમેરિકા કાયમ માટે જપ્ત કરી લેવાની તૈયારી કરી રહ્યું છે. હાલ ખાડી દેશોમાં ઇરાનના હુમલાથી કેટલુ નુકસાન થયું તેનું અનુમાન લગાવવા માટે એક ટીમ રચવામાં આવી છે. જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઇરાન અમેરિકાની સાથે મળીને પરમાણુ હથિયારો માટેના યુરેનિયમનો નાશ નહીં કરે તો અમે સૈન્યની મદદથી આક્રામક રીતે હુમલો કરીને તેનો નાશ કરીશું.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે, ટ્રમ્પે કહ્યું છે કે હાલ ઇરાન સાથે મિત્રભાવે ડીલ થઇ રહી છે, અમે ઇચ્છીએ છીએ કે ઇરાન અમેરિકાની સાથે મળીને યુરેનિયમનો નાશ કરે, હાલમાં ડીલ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે, પરંતુ હાલ અમે ઇરાનને પોતાના પરમાણુ હથિયારોની મહત્વકાંક્ષાને ત્યજી દેવા માટે મનાવી રહ્યા છીએ. જ્યાં સુધી ડીલ નહીં થાય ત્યાં સુધી ઇરાનની જે પણ સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી છે તેને અનફ્રીઝ કરવામાં નહીં આવે. જો ઇરાન સારી ભાષામાં વાત કરે તો અમે આ દિશામાં વિચારીશું.
ટ્રમ્પે ચેતવણી આપતા વધુમાં જણાવ્યું હતું કે જો ઇરાન અને અમેરિકાની વચ્ચે આ યુરેનિયમ અંગે કોઇ જ ડીલ ના થાય તો અમે ઇરાનમાં અમેરિકાનું સૈન્ય ઉતારીશું, હુમલા કરીશું પણ યુરેનિયમને ત્યાંથી કાઢીને જ રહીશું પછી તેનો નાશ કરીશું. જોકે અમે આ સૈન્ય કાર્યવાહીનું પગલુ ભરીએ તે પહેલા ડીલને અંતિમ સ્વરુપ આપવા માટે પુરા પ્રયાસો કરીશું. અમે ઇચ્છીએ છીએ કે ઇરાન ન માત્ર યુરેનિયમનો નાશ કરે પરંતુ ભવિષ્યમાં તેનું ઉત્પાદન પણ નહીં કરી શકે કે અન્ય દેશો પાસેથી ખરીદી પણ નહીં કરી શકે. ઇરાન પરમાણુ હથિયારોનું સપનું ભુલી જાય અને પોતાની આ મહત્વકાંક્ષાને ત્યજી દેવા તૈયાર હોય તો જ આ ડીલ અંતિમ સ્વરુપ લઇ શકશે. દરમિયાન ઇઝરાયેલ દ્વારા લેબનોન પર હુમલા યથાવત છે, હવે ઇઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુત પર રવિવારે ફરી હુમલો કર્યો હતો, વોશિંગ્ટનમાં શસ્ત્ર વિરામ કરવામાં આવ્યા તે બાદ ઇઝરાયેલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે હિઝબુલ્લાહ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તેના વળતા જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે હિઝબુલ્લાહે ઇઝરાયેલી સૈન્ય પર ગોળીબાર કર્યો હોવાના દાવા કરતુ કોઇ જ નિવેદન જાહેર નથી કર્યું.
બીજી તરફ ઇરાન અને અમેરિકાની વચ્ચે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાનના ગૃહમંત્રી રવિવારે ઇરાનની રાજધાની તહેરાન પહોંચ્યા હતા, અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ માટેની વાતચીતને ફરી શરૂ કરવાના હેતુથી તેઓએ આ મુલાકાત લીધી છે. જ્યારે ઇરાને દાવો કર્યો છે કે તેણે કુવૈતમાં આવેલા અમેરિકાના એરબેઝ અને નેવી પર હુમલા કર્યા છે અને ભારે નુકસાન પહોંચાડયું છે. તો અમેરિકન સૈન્યનો દાવો છે કે ઇરાન દ્વારા હોર્મુઝ ખાડી તરફ છોડવામાં આવેલી અનેક મિસાઇલોનો હવામાં જ નાશ કરી દેવામાં આવ્યો છે. હોર્મુઝ ખાડીએ આ ઘર્ષણને પગલે સમગ્ર વ્યવહાર જ ઠપ થઇ ગયો હતો અને અનેક શિપ, કાર્ગો, ઓઇલ ટેન્કરો ફરી અટકી પડયા હતા.


