નેપાળ અને બાંગ્લાદેશ કરતાં ભારતમાં ભૂખમરો વધારે, ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 122 દેશોમાં ભારતનું સ્થાન 100મા ક્રમે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World hunger Index : વૈશ્વિક ભુખમરાનો વર્ષ 2026નો ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં ભુખમરાની શું સ્થિતિ છે તે જણાવતા આ ઇન્ડેક્સમાં ભારતને ગંભીર ભુખમરાની કેટેગરીમાં મુકવામાં આવ્યું છે. ભારતની સ્થિતિ પાડેશો દેશો નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતા પણ ખરાબ છે. જોકે પાકિસ્તાન કરતા સારી છે. ભારતને ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2026ની કુલ 122 દેશોની યાદીમાં 100માં ક્રમે રાખવામાં આવ્યું છે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જોવા અહીં ક્લિક કરો
જર્મનીની એઇડ એજન્સી ડબલ્યુએચએચ અને આઇરીશની સંસ્થા કોન્સર્ન વર્લ્ડવાઇડ દ્વારા સંયુક્ત રીતે આ વૈશ્વિક ભુખમરાનો ઇન્ડેક્સ જાહેર કરાયો છે. જેમાં ઇન્ટરનેશનલ લો ઓફ પીસ, સ્વિસ સંસ્થા હેલવેટ્સે પણ યોગદાન આપ્યું છે. ઇન્ડેક્સમાં ભારતને ભુખમરામાં 24.1 સ્કોર સાથે ગંભીર કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. આ સ્કોરને ભારત 2012થી નથી તોડી શક્યું, ભારતની 9.8 ટકા વસતી કુપોષિત છે, પાંચ વર્ષથી ઓછી વયના 29.3 ટકા બાળકો ઉંમર મુજબ ઉંચાઇ નથી ધરાવતા, ભારતમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં દુબળાપણુ વધીને 19 ટકા થઇ ગયું છે જે દક્ષિણ એશિયામાં સૌથી વધુ છે. અગાઉ આ ટકાવારી 16.9 ટકા હતી. આ ઇન્ડેક્સનો સ્કોર અલ્પપોષણ, બાળકોમાં ઠીંગણાપણું, દુબણાપણું, બાળમૃત્યુ દર વગેરેનો સમાવેશ કરાય છે.
ભારતનો સ્કોર 24.1 છે તો બીજી તરફ પાડોશી દેશ નેપાળનો સ્કોર 2018માં 18.4 હતો જે 2026માં સુધરીને 14.5એ પહોંચ્યો હતો. એટલે કે 3.9 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ભારતનો 1.7 ટકા જ ઘટયો હતો, શ્રીલંકાનો સ્કોર પણ 11.4થી ઘટીને 10.2એ પહોંચ્યો હતો. બાંગ્લાદેશનો 20થી ઘટીને 19.2 રહ્યો હતો. જોકે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતા થોડી વધુ ખરાબ છે. પાક.નો સ્કોર 24 પોઇન્ટથી વધીને 25.5 પોઇન્ટ પર પહોંચી ગયો હતો અને વિશ્વના 122 દેશોમાં 106માં ક્રમે ધકેલાયું હતું. જોકે બાંગ્લાદેશમાં બાળકોના પોષણમાં ભારત કરતા વધુ સુધારો જોવા મળ્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારને આ દાવાને ફગાવ્યા છે, મહિલા અને બાળ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી સાવિત્રી ઠાકુરે અગાઉ કહ્યું હતું કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ભારતના 80 કરોડ લોકોને સરકાર તરફથી અનાજ પુરુ પાડવામાં આવે છે. તેથી ભુખમરાના દાવા અયોગ્ય છે.
વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે જાહેર થયેલા આંકડા વિશ્વમાં ભૂખમરા અને ખાદ્ય બરબાદી વચ્ચેની ગંભીર અસમાનતા દર્શાવે છે. એક તરફ વિશ્વમાં 64.5 કરોડ લોકો ભૂખમરો અને ગંભીર કુપોષણનો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ દર વર્ષે 105 કરોડ ટન ખોરાક વેડફાય છે. આ સ્થિતિ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સામે મોટો પડકાર ઊભો કરે છે. વિશ્વનો દરેક નાગરિક સરેરાશ દર વર્ષે 132 કિલો ખોરાક બરબાદ કરે છે. માલદીવમાં વ્યક્તિદીઠ વાર્ષિક બરબાદી 260 કિલો જેટલી છે, જ્યારે સ્પેનમાં તે માત્ર 39 કિલો છે. કુલ ખાદ્ય બરબાદીમાં ઘરોનો હિસ્સો 60 ટકાના હિસાબે 63.1 કરોડ ટન જેટલો છે. હોટેલ અને રેસ્ટોરન્ટનો હિસ્સો 28 ટકા, જ્યારે છૂટક દુકાનોનો હિસ્સો બાર ટકા છે.
ખાદ્ય બરબાદી માત્ર ઘરો અને બજારો પૂરતી મર્યાદિત નથી. ઉત્પાદિત ખોરાકનો 13 ટકા હિસ્સો ખેતરથી દુકાનો સુધી પહોંચે તે પહેલા જ બગડી જાય છે. આ પ્રક્રિયામાં 140 કરોડ હેક્ટર ફળદ્રુપ જમીન પર ઉગાડેલો ખોરાક વપરાશમાં આવ્યા વિના જ નષ્ટ થઈ જાય છે. પ્રારંભિક તબક્કાની આ બરબાદીથી જ દર વર્ષે ચાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થાય છે.
ખોરાકના આ વિશાળ વ્યયની આર્થિક અસર પણ ચિંતાજનક છે. બરબાદ થયેલા ખોરાકને પરિવહન કરવા માટે 5.25 કરોડ ટ્રકોની જરૂર પડે છે અને તેમની કતાર પૃથ્વીના વીસ ચક્કર લગાવી શકે તેટલી લાંબી બને. ખાદ્ય બરબાદીથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે 90 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થાય છે. આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ માનવજાત માટે અત્યંત જરૂરી છે.
વર્ષ 2025 સુધીમાં વિશ્વની 7.8 ટકા વસતી ભૂખમરાથી પીડાતી હતી. 2019ની સરખામણીમાં ભૂખ્યા લોકોની સંખ્યામાં 6.1 કરોડનો વધારો થયો છે. આફ્રિકામાં દર પાંચમાંથી એક વ્યક્તિ કુપોષિત છે. ત્યાં 30.9 કરોડ, એશિયામાં 29.2 કરોડ અને લેટિન અમેરિકા તથા કેરેબિયન વિસ્તારમાં 3.2 કરોડ લોકો ભૂખમરો સહન કરે છે. ખોરાકનો બગાડ અટકાવવો અને જરૂરીયાતમંદો સુધી ખોરાક પહોંડવો સમયની માગ છે.




