World

ભારત-મ્યાનમાર વચ્ચે દિલ્હીમાં હાઇ-લેવલ બેઠક : 5 માસ્ટરપ્લાન પર કરી ચર્ચા, ચીનની વધશે મુશ્કેલી!

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
ભારતના NSA અજીત ડોભાલે મ્યાનમારના સુરક્ષા વડા યૂ તિન આંગ સાન સાથે નવી દિલ્હીમાં ગુપ્ત બેઠક યોજી. બિમસ્ટેક સંમેલન દરમિયાન યોજાયેલી આ બેઠકમાં સરહદી સુરક્ષા, ઉગ્રવાદ અને ડ્રગ્સની હેરાફેરી અટકાવવા પર ભાર મૂકાયો. ભારત-મ્યાનમાર સરહદ પર FMR નાબૂદ કરી વાડ બનાવવાની કામગીરી વચ્ચે આ મુલાકાત ચીન માટે પણ મહત્ત્વની છે, જે મ્યાનમારને તેના પ્રભાવ હેઠળ રાખવા માંગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-મ્યાનમાર વચ્ચે દિલ્હીમાં હાઇ-લેવલ બેઠક : 5 માસ્ટરપ્લાન પર કરી ચર્ચા, ચીનની વધશે મુશ્કેલી!

Ajit Doval Myanmar NSA : ભારતના NSA અજીત ડોભાલ અને મ્યાનમારના સુરક્ષા વડા યૂ તિન આંગ સાન વચ્ચે એક ગુપ્ત બેઠક યોજાઈ છે. આ બેઠકે સમગ્ર એશિયાના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાવી દીધી છે. ભારત અને મ્યાનમાર વચ્ચે 1,643 કિલોમીટર લાંબી સરહદ લાગે છે. આ બોર્ડર પર વિના વિઝાની અવરજવરની છૂટ(FMR)ને ભારત પહેલા જ નાબૂદ કરી ચૂક્યું છે. હવે ત્યાં કાંટાળા તારની વાડ લગાવવાનું મોટું કામ ચાલી રહ્યું છે. આ મોટા નિર્ણયો વચ્ચે યોજાયેલી આ મુલાકાત સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

બેઠકનું ભારત માટે કેટલું મહત્ત્વ?

નવી દિલ્હીમાં ચાલી રહેલી બિમસ્ટેક(BIMSTEC)ના નેશનલ સિક્યોરિટી ચીફ્સની 5 મી બેઠક દરમિયાન આ સમાચાર સામે આવ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે મ્યાનમારના સુરક્ષા વડા યૂ તિન આંગ સાન સાથે બંધ બારણે બેઠક કરી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશોના આ ઉચ્ચ અધિકારીઓએ સરહદની સુરક્ષા અને પરસ્પર સૈન્ય સહયોગ વધારવાની યોજના પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં પૂર્વોત્તરમાં છુપાયેલા ઉગ્રવાદીઓથી લઈને ડ્રગ્સની હેરાફેરી અને મ્યાનમારમાં પગપેસારો કરી રહેલા ચીનને કાઉન્ટર કરવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરાયો છે.

ઉગ્રવાદ પર લગામ: ભારતના અનેક ઉગ્રવાદી સંગઠનો મ્યાનમારના ગીચ જંગલોમાં પોતાના અડ્ડા બનાવીને રહે છે અને ત્યાંથી ભારતમાં હુમલાનું કાવતરું ઘડે છે. અજીત ડોભાલે સ્પષ્ટ કર્યું કે, ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે, અને મ્યાનમારે તેની ધરતી પરથી ભારતીય ઉગ્રવાદીઓનો સફાયો કરવો જ પડશે.

ફ્રી મૂવમેન્ટ રિજીમ(FMR)નો અંત: ભારત સરકારે મ્યાનમાર સાથેનો વર્ષો જૂનો ‘ફ્રી મૂવમેન્ટ રિજીમ’નો નિયમ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. એટલે કે, હવે વિઝા વિના સરહદ પાર કરવાની છૂટ બંધ થઈ ગઈ છે. આ સાથે જ બોર્ડર પર કાંટાળા તારની વાડ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે.

શરણાર્થીઓ અને ડ્રગ્સનું સંકટ: મ્યાનમારમાં ચાલી રહેલી સૈન્ય હિંસાને કારણે હજારો નાગરિકો સરહદ પાર કરીને મિઝોરમ અને મણિપુરમાં આશ્રય લઈ રહ્યા છે. આ સાથે 'ગોલ્ડન ટ્રાયન્ગલ'ના માર્ગે થતી ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી ભારત માટે મોટો માથાનો દુખાવો છે, જેના પર ભારતે કડક કાર્યવાહીની માંગ કરી છે.

બેઠકનું મ્યાનમાર માટે શું છે મહત્ત્વ?

વર્ષ 2021માં મ્યાનમારમાં થયેલા સૈન્ય તખ્તાપલટ પછી ત્યાંના સૈન્ય શાસન(જુન્ટા)ને વૈશ્વિક સ્તરે અલગ-થલગ કરી દેવામાં આવ્યું છે.

માન્યતાની શોધ: મ્યાનમારના સૈન્ય નેતાઓ માટે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના NSA સાથે બેઠક યોજવી એ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની શાખ બતાવવાનું મોટું માધ્યમ છે.

બળવાખોરોથી ઘેરાયેલું શાસન: મ્યાનમારની સેના હાલ પોતાના જ દેશમાં લોકશાહી સમર્થક અને વંશીય બળવાખોર જૂથો સામે મુશ્કેલ સ્થિતિમાં છે. આથી મ્યાનમાર સેના ભારત પાસેથી ગુપ્ત માહિતી મેળવવા અને ઉગ્રવાદીઓ સામે તાલમેલ વધારવા ઇચ્છે છે.

કલાદાન પ્રોજેક્ટની સુરક્ષા: ભારત મ્યાનમારમાં ‘કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ’ અને સિત્તવે બંદરનું નિર્માણ કરી રહ્યું છે, જેની સુરક્ષા માટે મ્યાનમારને ભારતીય મદદની જરૂર છે.

બેઠકનું ચીન માટે શું છે મહત્ત્વ?

આ ગુપ્ત બેઠકની સૌથી વધુ ચિંતા બેઇજિંગ(ચીન)માં જોવા મળી રહી છે. ચીન હંમેશાં મ્યાનમારને પોતાના મોહરા તરીકે વાપરતું આવ્યું છે, અને તેણે ત્યાં ‘ચીન-મ્યાનમાર આર્થિક કોરિડોર’(CMEC) બનાવવા માટે અબજો ડૉલરનું રોકાણ કર્યું છે. ચીન મ્યાનમારના રસ્તે સીધું હિંદ મહાસાગર સુધી પહોંચવા માંગે છે, જેથી તે મલક્કા સ્ટ્રેટ પરની પોતાની નિર્ભરતા ઘટાડી શકે. અજીત ડોભાલની આ બેઠક ચીનના આ પ્લાનને સીધી ટક્કર આપે છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, તે પોતાના પાડોશી દેશને ચીનનો પ્રોક્સી બનવા દેશે નહીં. મ્યાનમારના ઉત્તરી ભાગમાં સક્રિય બળવાખોરોને ચીન તરફથી હથિયારો મળે છે, જેની સામે ભારત-મ્યાનમારનો સુરક્ષા સહયોગ આ ડબલ ગેમને નાકામ કરી શકે છે.