Get The App

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ? હિઝબુલ્લાહે યુદ્ધવિરામની શરતો ફગાવી, ઈઝરાયલના હુમલામાં 4ના મોત

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
Hezbollah rejects ceasefire
(IMAGE - IANS)

Hezbollah rejects ceasefire: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. લેબેનોનમાં ઈઝરાયલના તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા બાદ હિઝબુલ્લાહે ઈઝરાયલ અને લેબેનોન સરકાર વચ્ચેના નવા સીઝફાયર પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. બંને પક્ષો વચ્ચે ફરી શરૂ થયેલી ભીષણ લડાઈના કારણે આ વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

નવા સીઝફાયર પ્રસ્તાવને હિઝબુલ્લાહે 'અપમાનજનક' ગણાવ્યો

હિઝબુલ્લાહના પ્રમુખ નઈમ કાસિમે ટીવી પર નિવેદન આપીને નવા સીઝફાયર પ્રસ્તાવને નકામો અને અપમાનજનક ગણાવી ફગાવી દીધો છે. આ પ્રસ્તાવમાં દક્ષિણ લેબેનોનમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓને હટાવવાની વાત હતી, જેને નઈમ કાસિમે દુશ્મન સામે હાર માની લેવા સમાન ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની મુખ્ય શરતો ઈઝરાયલના હુમલા રોકવાની, યુદ્ધવિરામ લાગુ કરવાની અને લેબેનોનમાંથી ઈઝરાયલની સેનાને સંપૂર્ણપણે બહાર કાઢવાની છે. કાસિમે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમના ગામો સુરક્ષિત નહીં થાય અને સામાન્ય લોકોના મોત થતા રહેશે, ત્યાં સુધી ઉત્તરી ઈઝરાયલ પણ ક્યારેય શાંતિથી જીવી શકશે નહીં.

ઈઝરાયલી હુમલામાં મોત અને નેતન્યાહૂની બેઠક દરમિયાન વાગ્યા સાયરન

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના હુમલામાં ચાર સામાન્ય નાગરિકો માર્યા ગયા છે. આ સાથે જ બંને તરફથી થયેલા ગોળીબારમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) શાંતિ મિશનના એક જવાન અને ઈઝરાયલના એક સૈનિકનું પણ મોત થયું છે. હિઝબુલ્લાહના પ્રમુખના નિવેદન પછી તરત જ ઉત્તરી ઈઝરાયલના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવા લાગ્યા હતા. આ સાયરન બરાબર એ જ સમયે વાગ્યા જ્યારે ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ સરહદ પર આવેલા શ્લોમી નગરમાં પોતાના મંત્રીઓ સાથે એક બેઠક કરી રહ્યા હતા. જોકે, પીએમ કાર્યાલયના જણાવ્યા પ્રમાણે નેતન્યાહૂ સાયરન વાગવાની થોડી ક્ષણો પહેલાં જ ત્યાંથી નીકળી ગયા હોવાથી સુરક્ષિત બચી ગયા હતા.

પ્રથમ વખત દક્ષિણ લેબેનોનમાંથી પાછી હટી ઈઝરાયલની સેના

લેબેનોનના સરકારી મીડિયા રિપોર્ટ અનુસાર, દક્ષિણ લેબેનોનનું દિબ્બીન ગામ જે તાજેતરમાં ભીષણ યુદ્ધનું કેન્દ્ર હતું, ત્યાંથી ઈઝરાયલની સેના પાછી હટી ગઈ છે. ઈઝરાયલની સેના ગયા પછી હવે ત્યાં લેબેનોનની સેના સંયુક્ત રાષ્ટ્ર (UN)ના શાંતિ સૈનિકો સાથે સુરક્ષા માટે પહોંચી ગઈ છે. આશરે ત્રણ મહિના પહેલા શરૂ થયેલા આ યુદ્ધમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ઈઝરાયલની સેના દક્ષિણ લેબેનોનના કોઈ વિસ્તારમાંથી પાછળ હટી હોય. બીજી તરફ, ઈઝરાયલના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ એયાલ જામિરે સ્વીકાર્યું છે કે સતત ચાલતા યુદ્ધના લીધે ઉત્તરી ઈઝરાયલના શહેરો પર ઘણું દબાણ છે, પરંતુ અમારા હુમલાઓએ ઈરાન અને હિઝબુલ્લાહની શક્તિને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવા ઝેલેન્સ્કીએ પુતિનને લખ્યો ખુલ્લો પત્ર, કહ્યું - આ દેશોને મધ્યસ્થી બનાવો

વૈશ્વિક અર્થતંત્ર પર અસર અને નેતન્યાહૂ-ટ્રમ્પનું વલણ

આ સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ઓઇલ અને ગેસ પરિવહન માટે અત્યંત મહત્ત્વના ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાના પ્રયાસો ખોરંભાયા છે, જેનાથી વૈશ્વિક અર્થતંત્ર પર પણ દબાણ વધ્યું છે. ઈરાનની માગ છે કે કોઈ પણ કાયમી સીઝફાયરમાં લેબેનોનનો સમાવેશ થવો જ જોઈએ. આ દરમિયાન, આ વર્ષે ચૂંટણીનો સામનો કરી રહેલા ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ દાવો કર્યો છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનો ખતરો સંપૂર્ણપણે ખતમ નહીં થાય ત્યાં સુધી આ સૈન્ય અભિયાન ચાલુ રહેશે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સીઝફાયરની નિષ્ફળતા પર નરમ વલણ અપનાવતા કહ્યું કે, મિડલ ઇસ્ટમાં સીઝફાયરનો સીધો મતલબ એ જ છે કે ગોળીબાર પહેલાં કરતાં થોડો ઓછો થઈ જાય.