Get The App

ઇરાનના પ્રહારથી ખાડી દેશો ધુઆપૂઆ, વળતા હુમલાની ધમકી

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનના પ્રહારથી ખાડી દેશો ધુઆપૂઆ, વળતા હુમલાની ધમકી 1 - image

- ઈરાને હોર્મુઝની ખાડીમાં બે દિવસમાં 6 ઓઈલ ટેન્કરોને તોડી પાડયા

- સાઉદી અરબે પ્રતિ દિન 5.5 લાખ બેરલની ક્ષમતાવાળી રાસ તનુરા રીફાઇનરી બંધ કરવાની ફરજ પડી

- ઇરાનના હુમલામાં ભારતીય નાગરિકનું મોત

નવી દિલ્હી : ઇરાન અમેરિકા અને ઇઝરાયેલ સાથેના યુદ્ધમાં ખાડી દેશોને સતત લક્ષ્યાંક બનાવી રહ્યું છે. તેણે સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન સહિત ઘણા ખાડી દેશો પર મિસાઇલ પ્રહાર કર્યો છે. ઇરાને સોમવારે સાઉદી અરેબિયાની ઓઇલ-ગેસ કંપની અરામકોની રાસ તનુરા ઓઇલ રીફાઇનરીને નિશાન બનાવીને ડ્રોન એટેક કરતાં બે ડ્રોન મોકલતા સાઉદી અરેબિયા ભડકી ગયું છે. 

સાઉદી અરેબિયાએ બંને ડ્રોન તોડી પાડયા છે, પરંતુ સાવધાનીના પગલાં તરીકે ઓઇલ રીફાઇનરી પણ બંધ કરી છે. આ હુમલાથી નારાજ સાઉદી અરેબિયાએ ઇરાનને ચેતવણી અને ધમકી બંને આપ્યા છે. અરામકો પ્રતિ દિન ૫.૫ લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. હવે ઇરાનના હુમલાના કારણે તેને બંધ કરવાની ફરજ પડતા વૈશ્વિક ઉર્જા પુરવઠાની સ્થિતિ ભયમાં મૂકાઈ છે. 

સાઉદી અધિકારીઓએ સાઉદી અરેબિયા અને પડોશી ખાડી દેશો પર ઇરાનના હુમલાની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ ઇરાન સામે વળતી કાર્યવાહી કરવા વિચારી રહ્યા છે. સાઉદી અરેબિયા સહિત ખાડી દેશોને ઇરાનના આ પ્રકારના હુમલાથી આશ્ચર્ય થઈ રહ્યું છે. 

તેઓને અંદેશો હતો કે ઇરાન તેમના દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર હુમલા કરશે, પરંતુ આ રીતે નાગરિક ઠેકાણાઓ પર હુમલા કરશે તેની તેમને કલ્પના પણ ન હતી. ખાડી દેશોના અધિકારીઓ ઇરાનના આ પ્રહાર અને તેની તીવ્રતાથી હેરાન છે. 

ઇરાને હોર્મુઝની ખાડીમાં બે દિવસની અંદર છ જહાજોને નિશાન બનાવતા વૈશ્વિક ઉર્જા પુરવઠા પર સવાલ સર્જાયો છે. ઇરાનના સરકારી મીડિયા મુજબ હોર્મુઝની ખાડીમાં છઠ્ઠા જહાજને નિશાન બનાવાયું છે. 

આ દરમિયાન મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધમાં પહેલી વખત કોઈ ભારતીયનો ભોગ લેવાયો છે. ઓમાનમાં સોમવારે માર્શલ દ્વીપોના ઝંડાવાળા ટેન્કર એમકેડી પર બોમ્બથી લેસ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો. તેમા જહાજ પરના એક નાગરિકનું મોત થયું હતું. જહાજમાં ૨૧ ક્રૂ મેમ્બર હતા. તેમા ૧૬ ભારતીય હતા. બાકીના બધાને સલામત રીતે બચાવી લેવાયા છે. ટેન્કર પર ૫૯,૪૬૩ મેટ્રિક ટન કાર્ગો હતો.