World

દુનિયાભરમાં અનાજના ભાવોમાં ભડકો, ચાર વર્ષની ટોચ પર

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
યુરોપમાં હીટવેવ, અલનીનોની અસર અને ઈરાન-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક ખાદ્ય સંકટ ઘેરું બન્યું છે. UN દ્વારા ચેતવણી અપાઈ છે કે, અનાજ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. સપ્લાય ચેઇનમાં અવરોધ અને ઘટતા ઉત્પાદનથી આગામી મહિનાઓમાં સ્થિતિ વધુ વકરશે, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાભરમાં અનાજના ભાવોમાં ભડકો, ચાર વર્ષની ટોચ પર

World Food Crisis: વિશ્વભરમાં ખાદ્યાન્નના ભાવો ભડકે બળતાં ગરીબ માણસના મોઢેથી કોળિયો ઝૂંટવાઈ રહ્યો છે અને મધ્યમ વર્ગનું કિચનનું બજેટ ખોરવાઈ ગયું છે. ભારતમાં ખાંડ સહિતની ચીજોના ભાવ વધ્યા છે. પરંતુ, દુનિયાભરમાં અત્યારે અનાજના ભાવોમાં ભડકો થયો છે. ઓગસ્ટમાં વિશ્વભરમાં અનાજની વસ્તુઓની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે.

યુરોપમાં હીટ વેવ, અલ નીનોની અસર તથા ઈરાન યુદ્ધ અને યુક્રેન યુદ્ધના કારણે ખાદ્યાન્નની હેરફેર પર માઠી અસર પડી છે અને તેના કારણે દુનિયાભરમાં અનાજના સ્ટોકમાં ઉથલપાથલ થઈ ગઈ છે. હજુ તો આવતા મહિનાઓમાં સ્થિતિ વધુ વકરવાની ચેતવણી આપવામાં આવી છે. યુનોના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)એ જણાવ્યું કે મુખ્ય સૂચકાંક જુલાઈના 130.8થી વધીને 133.3 અંક થઈ ગયો છે, જે વિશ્વભરમાં ખાવા-પીવાની વસ્તુઓની સપ્લાઈ અને બજાર પર ભીંસ વધી હોવાનું સૂચવે છે.

સમગ્ર યુરોપમાં ભીષણ ગરમી અને દુષ્કાળને કારણે મકાઈ, બીટ અને પશુપાલન ઉત્પાદનને નુકસાન થયું છે, જ્યારે અલ નીનોની ગંભીર અસરની આશંકાએ એશિયામાં પામ ઓઈલ અને સાકરના ઉત્પાદન સંબંધિત ચિંતાઓ વધારી છે. સાથે જ બ્લેક સીમાં વધતા હુમલા અને શિપિંગમાં અવરોધોએ રશિયા અને યુક્રેનથી અનાજની નિકાસ ઓછી કરી દીધી છે, જેનાથી સપ્લાય વધુ પ્રભાવિત થઈ છે.

ઓગસ્ટ દરમ્યાન એફએઓના તમામ મુખ્ય ખાદ્ય સૂચકાંક, જેમાં અનાજ, વનસ્પતિ તેલ, સાકર, માંસ અને ડેરી સામેલ છે, તેમાં વધારો થયો છે. અનાજ સૂચકાંકમાં 2.2 ટકાની વૃદ્ધિ થઈ છે જ્યારે વનસ્પતિ તેલની કિંમતો જૂન 2022 પછી પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. સાકરની કિંમતોમાં સૌથી વધુ 11.9 ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે બ્રાઝિલમાં ઓછા ઉત્પાદને અન્ય સ્થળોએ મોસમ સંબંધિત ચિંતાઓ વધારી દીધી છે.

દરમ્યાન એફએઓએ 2026 માટે પોતાના વૈશ્વિક અનાજ ઉત્પાદનના અનુમાનને 34 લાખ ટન ઘટાડીને 2.980 અબજ ટન કરી દીધું છે, જે 2025ના સ્તરથી લગભગ બે ટકા ઓછું છે. જો કે તે હજી પણ રેકોર્ડ પરનો સૌથી વધુ પાક માનવામાં આવે છે, પણ વૈશ્વિક અનાજનો સ્ટોક ઓછો રહેવાનું અનુમાન છે. એફએઓેએ ચેતવણી આપી છે કે જળવાયુ સંબંધિત ઝટકા, ભૂ-રાજનીતિક તણાવ અને વેપાર માર્ગોમાં અવરોધો એકવાર ફરી ખાદ્ય બજારોમાં જોખમનું મોટુ કારણ બની શકે છે.