World

વૈશ્વિક ટેરિફ વોરના ભણકારા! કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદમાં નવો વળાંક આવ્યો છે. યુરોપિયન યુનિયને કેનેડાને પોતાનો પ્રથમ સહયોગી સભ્ય બનવાની ઓફર કરી છે. ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ જાહેરાત કરી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આને દુશ્મનાવટભર્યું પગલું ગણાવી યુરોપ પર ઊંચા ટેરિફ લાદવાની અને વેપાર અટકાવી દેવાની ધમકી આપી છે. કેનેડાએ આંતરરાષ્ટ્રીય સંબંધો બાબતે કોઈની દખલગીરી ન સ્વીકારવાનું સ્પષ્ટ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક ટેરિફ વોરના ભણકારા! કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી

Donald Trump On Canada-EU Relations : અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલો રાજદ્વારી વિવાદ હવે વૈશ્વિક વળાંક લઈ રહ્યો છે. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની જીદ અને બંને દેશો વચ્ચે વધતી કડવાશ વચ્ચે યુરોપિયન યુનિયને કેનેડાને પોતાનો પ્રથમ સહયોગી સભ્ય બનવાની ઓફર આપી છે. આ પગલાથી નારાજ થઈને અમેરિકી પ્રમુખે યુરોપ પર ભારે ટેરિફ લાદવાની અને વેપાર અટકાવી દેવાની ખુલ્લી ધમકી આપી છે.

કેનેડાને સહયોગી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે કેનેડા ઈયુનું પ્રથમ એસોસિએટ સભ્ય બને. અમેરિકા સાથે વધી રહેલા આર્થિક અને વેપારી તણાવ વચ્ચે અર્થતંત્રોને મજબૂત કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ ખાતે યોજાયેલા સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન દરમિયાન કેનેડિયન વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈના પર પ્રભુત્વ મેળવવા નથી માંગતા પરંતુ પોતાની આત્મનિર્ભરતા મજબૂત કરી રહ્યા છે જેથી કોઈ તેમના બજારો પર નિયંત્રણ ન કરી શકે.

શત્રુતાપૂર્ણ પગલું ગણાવી ટ્રમ્પની ધમકી

યુરોપિયન યુનિયનની આ જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) રોષે ભરાયા છે. તેમણે આ પ્રસ્તાવને દુશ્મનાવટભર્યું પગલું ગણાવતા કહ્યું છે કે જો આ નિર્ણય ખોટી ભાવના સાથે લેવાયો હશે તો તેઓ યુરોપ પર ખૂબ જ ઊંચા ટેરિફ લાદશે. આ સાથે જ તેમણે ઘણી વસ્તુઓનો વેપાર સંપૂર્ણપણે અટકાવી દેવાની પણ ચેતવણી આપી છે.

કોઈ બહારની વ્યક્તિ સૂચના ન આપી શકે: કેનેડાનો વળતો પ્રહાર

આ તરફ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney) એ ટ્રમ્પની દાદાગીરી સામે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તમામ કેનેડિયન નાગરિકો આ બાબતે સંપૂર્ણપણે એકજૂથ છે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ બહારની વ્યક્તિ તેમને કઈ ભાષા બોલવી, તેમની સંસ્કૃતિ કેવી રાખવી કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોની સાથે સંબંધો અને કરારો કરવા તે બાબતે સૂચના કે આદેશ આપી શકે નહીં.