પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો? ક્રૂડ ઓઇલ 100 ડૉલરની નજીક, હોર્મુઝમાં તણાવ વધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Global Crude Oil Prices: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 100 ડૉલરની નજીક પહોંચી ગઈ છે. આ ભાવવધારાનું મુખ્ય કારણ અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણામાં અનિશ્ચિતતા અને હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજોની અવરજવર બંધ હોવાનું માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનો ભાવ 0.82 ટકા વધીને 99.29 ડૉલર અને ડબલ્યુટીઆઇ ક્રૂડનો ભાવ 1.15 ટકા વધીને 90.71 ડૉલર પર પહોંચ્યો છે. જોકે, ભારતીય બજારમાં એમસીએક્સ પર ક્રૂડ ઓઇલ ફ્યુચર્સમાં 1.46 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
હોર્મુઝ સ્ટ્રેટ પર શિપિંગ પ્રવૃત્તિ ઠપ્પ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના યુદ્ધવિરામ અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી ન કરવા અને નૌકાદળની નાકાબંધી યથાવત્ રાખવાની જાહેરાત બાદ બજારમાં સતર્કતાનો માહોલ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કર્યો છે કે ઈરાન આર્થિક રીતે પડી ભાંગ્યું છે અને તેને દરરોજ 50 કરોડ ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે તેહરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ઉત્સુક છે. અહેવાલો મુજબ, આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર શિપિંગ પ્રવૃત્તિઓ હાલમાં મોટાભાગે બંધ છે અને છેલ્લા 24 કલાકમાં જહાજોની અવરજવર નહિવત નોંધાઈ છે.
આ પણ વાંચો: યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
ભારતીય શેરબજારમાં મોટું ગાબડું
આ ભૌગોલિક-રાજકીય તણાવની અસર શેરબજાર પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર પ્રતિસાદ વચ્ચે હોંગકોંગ અને સોલના બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે અમેરિકન શેરબજાર પણ અગાઉ લાલ નિશાનમાં બંધ થયું હતું. ભારતીય શેરબજારમાં પણ ઘટાડાનો દોર ચાલી રહ્યો છે, જેમાં સેન્સેક્સ આશરે 521 પોઈન્ટ ગગડીને 78,748 અને નિફ્ટી 128 પોઇન્ટના ઘટાડા સાથે 24,448 પર ટ્રેડ કરી રહ્યો હતો. ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો હાલમાં સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.








