સ્વિટ્ઝર્લેન્ડમાં ગ્લેશિયર ઊનની ચાદરથી ઢંકાયા, બરફ 70 ટકા ઓછો પીગળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ત્સાનફ્લેઉરોન ગ્લેશિયરના 200 સ્કવેર મીટરના વિસ્તારમાં પ્રયોગ થયો
- પ્લાસ્ટિકની શીટ ઢાંકવાથી ગ્લેશિયરને નુકસાન થાય છે તે ઉનની ચાદરથી થતું નથી : વધારે એરિયા કવર કરવા સંશોધકોના પ્રયાસો
જીનીવા : ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયાભરમાં ગ્લેશિયર પીગળવાનું જોખમ સર્જાયું છે. સદીઓથી ન પીગળેલો બરફ છેલ્લાં દશકામાં પીગળવા લાગ્યો છે. તેને બચાવવા માટે નીતનવા પ્રયોગો થાય છે. ઘણાં સંશોધકો દર વર્ષે ઉનાળા દરમિયાન કપડાંની કે પ્લાસ્ટિકની ચાદરથી ગ્લેશિયરને ઢાંકે છે. હવે ઉનની ચાદરથી ગ્લેશિયરને ઢાંકવાનો પ્રયોગ થયો છે. તેને ધારણા પ્રમાણે જ સફળતા મળી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં માસ્ટર્સ કરતાં ચાર સ્ટૂડન્ટ્સે ઘેટાના ઉનની ચાદર ગ્લેશિયર પર ઢાંકવાનો વિચાર રજૂ કર્યો હતો. એ પછી લોજેન યુનિવર્સિટી, સ્વિસ ગ્લેશિયર મોનિટરિંગ નેટવર્ક, એન્વાયર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન સહિતની સંસ્થાઓ આ વિચારમાં સામેલ થઈ હતી. સાયન્ટિસ્ટ સાથે મળીને શરૂઆતમાં ૧૦૦ સ્કવેર મીટરના વિસ્તારમાં બે મોટી ઉનની ચાદર બિછાવાઈ હતી. ત્યાર બાદ એરિયા વધારીને ૨૦૦ સ્કવેર મીટર કરાયો હતો.
સ્વિટ્ઝર્લેન્ડના લેસ ડાયબ્લેરેટ્સના ત્સાનફ્લેઉરોન ગ્લેશિયરના ૨૦૦ સ્કવેર મીટરના વિસ્તારને ઢાંકી દેવાયો હતો. આખા ઉનાળા દરમિયાન આ ગ્લેશિયરને ઉનથી ઢાંક્યા બાદ દર બે સપ્તાહે તેનું રીડિંગ લેવાયું હતું. આખરે આખી સીઝન દરમિયાન જણાયું કે ગ્લેશિયર ૫૦થી ૭૦ ટકા ઓછા પીગળ્યા હતા. સિન્થેટિક કે બાયોડિગ્રેબલ પ્લાસ્ટિકથી બનાવેલી ચાદરથી પણ આટલું જ રીઝલ્ટ મળે છે, પરંતુ તેનાથી ગ્લેશિયરને નુકસાન થઈ શકે છે. જ્યારે આ ઉનની ચાદરથી ગ્લેશિયર પીગળતા અટકે છે ને સાથે સાથે બીજું કોઈ પર્યાવરણીય નુકસાન થતું નથી.
પ્રોજેક્ટ મેનેજર ટિમોથી સ્ટીનરે જણાવ્યું હતું કે ૪૦થી ૭૦ ટકા ઊન વેસ્ટ થઈ જાય છે. તેના બદલે જો ઊનની ચાદરો બનાવીને ગ્લેશિયર પર બિછાવવામાં આવે તો ગ્લેશિયર પીગળતા અટકાવી શકાય છે. આ પ્રયોગ સ્વિટ્ઝર્લેન્ડના કુલ હિસ્સામાંથી માત્ર ૦.૦૨ ટકા હિસ્સામાં જ થયો છે. જે ખૂબ નાનો હિસ્સો કહેવાય. હજુ વધારે ભાગ કવર કરવો જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે હિમશીલાઓને પીગળતી અટકાવવાનો આ કાયમી ઉકેલ નથી. સદીઓથી ન પીગળેલો બરફ પીગળતો અટકે તે માટે ટકાઉ રસ્તો અજમાવવો જરૂરી છે.




