World

એચ-1બીમાં પોતાના લોકોને નોકરી આપવી સાચું ખ્રિસ્તી રાજકારણ : વેન્સ

By GS TEAM
23 Dec 20252 mins read
એચ-1બીમાં પોતાના લોકોને નોકરી આપવી સાચું ખ્રિસ્તી રાજકારણ : વેન્સ

કાયદેસરના વસાહતીઓ પર પણ પ્રમુખ ટ્રમ્પની તવાઈ

ટ્રમ્પ સરકારે એવી કંપનીઓને સજા કરવાની કાર્યવાહી કરી છે, જે નોકરીઓ વિદેશમાં મોકલી દે છે : ઉપપ્રમુખ

વોશિંગ્ટન: અમેરિકામાંથી કાયદેસરના વસાહતીઓને હાંકી કાઢવા માટે પ્રમુખ ટ્રમ્પની નીતિઓનું ઉપપ્રમુખ જેડી વેન્સે સમર્થન કરવાની સાથે તેમાં ધર્મનું રાજકારણ સંડોવતા વિવાદ સર્જાયો છે. જેડી વેન્સે એચ-૧બી વિઝા પ્રોગ્રામ પર ટ્રમ્પ સરકારની નીતિઓનો બચાવ કરતા કહ્યું કે, વિદેશી કર્મચારીઓની ભરતીને મર્યાદિત કરી પોતાના લોકોને નોકરી આપવી એ 'સાચું ખ્રિસ્તી રાજકારણ' છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓની સાથે કાયદેસરના વસાહતીઓને પણ જાણે અમેરિકામાંથી હાંકી કાઢવાનું અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે ટ્રમ્પે અમેરિકામાં કુશળ કામદારોની ભરતી માટેના એચ-૧બી પ્રોગ્રામ પર આકરા નિયંત્રણો મૂક્યા છે અને અનેક પ્રકારના ફેરફારો કર્યા છે, જેનાથી એચ-૧બી વિઝાધારકો વિશેષરૂપે ભારતીય વ્યાવસાયિકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે એચ-૧બી વિઝાનો સૌથી વધુ ઉપયોગ ભારતીય પ્રોફેશનલ્સ કરતા હતા.પ્રમુખ ટ્રમ્પની નીતિઓનું સમર્થન કરતા ઉપપ્રમુખ જેડી વેન્સે એક કાર્યક્રમમાં કહ્યું કે, ખ્રિસ્તી મૂલ્યોને માત્ર સામાજિક મુદ્દા સુધી મર્યાદિત રાખવા જોઈએ નહીં. આ મૂલ્યોને સરકારના અર્થશાસ્ત્ર અને શ્રમ પ્રત્યે વ્યાપક દૃષ્ટિકોણમાં સામેલ કરવા જોઈએ. એક સાચા ખ્રિસ્તી રાજકારણમાં માત્ર બાળકો અથવા પરિવારની સુરક્ષાની સાથે આ બાબતો પણ મહત્વની છે. આ રાજકારણ ટ્રમ્પ કરી રહ્યા છે.

ઈમિગ્રેશન અને રોજગારને નૈતિક મુદ્દો ગણાવતા વેન્સે કહ્યું કે, ટ્રમ્પ સરકારે એવી કંપનીઓને સજા કરવાની કાર્યવાહી કરી છે, જે નોકરીઓ વિદેશમાં મોકલી દે છે. અમે અમેરિકનોને નોકરી ના આપતી કંપનીઓને સજા આપી છે, કારણ કે અમે માણસના કામના સ્વાભાવિક ગૌરવ અને પોતાના દેશમાં સારી નોકરીને નાગરિકનો અધિકાર માનીએ છીએ. વેન્સના એચ-૧બી વિઝા કાર્યક્રમને ધર્મના રાજકારણ સાથે જોડવાના નિવેદનથી વિવાદ સર્જાયો હતો.