Germany Military Travel Ban : યુરોપમાં વધી રહેલા ભૌગોલિક તણાવ અને સંરક્ષણ નીતિને મજબૂત કરવાના હેતુથી જર્મની સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2026થી લાગુ કરાયેલા આ નવા નિયમ મુજબ, 17થી 45 વર્ષની વયના પુરુષોએ અભ્યાસ, નોકરી કે અન્ય કોઈ પણ કારણસર ત્રણ મહિનાથી વધુ સમય માટે વિદેશ જવું હોય તો જર્મન સેના (બુન્ડેસવેહર) પાસેથી અગાઉથી ફરજીયાત મંજૂરી લેવી પડશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
અગાઉ આ પ્રકારનો કડક નિયમ માત્ર યુદ્ધ કે કટોકટીના સમયમાં જ લાગુ કરવામાં આવતો હતો, પરંતુ હવે સામાન્ય સંજોગોમાં પણ તેને ફરજિયાત કરી દેવાયો છે. જર્મની સરકાર પોતાની સૈન્ય તાકાત વધારવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. હાલમાં જર્મની પાસે આશરે 1.84 લાખ સૈનિકો છે, જેને 2035 સુધીમાં વધારીને 2.55થી 2.70 લાખ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. આ મંજૂરી પ્રક્રિયા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જરૂર પડે ત્યારે લશ્કર માટે લાયક યુવાનોની જાણકારી અને ઉપલબ્ધતા સરકાર પાસે જળવાઈ રહે.
આ પણ વાંચો : ‘ટ્રમ્પ, પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળ્યા છીએ’, ઈરાને અમેરિકન પ્રમુખની ઉડાવી મજાક
યુવાનો માટે નવી નીતિ
નવી નીતિ અંતર્ગત 2008 કે તેના પછી જન્મેલા યુવાનો માટે સેનામાં જોડાવાની રુચિ દર્શાવતું એક ફોર્મ ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મહિલાઓ માટે આ પ્રક્રિયા સ્વૈચ્છિક રાખવામાં આવી છે. આ મંજૂરી બુન્ડેસવેહરના કરિયર સેન્ટર પરથી મેળવી શકાશે. નિષ્ણાતો માને છે કે NATOમાં મહત્વની ભૂમિકા ભજવતા જર્મનીએ પોતાની સુરક્ષા ક્ષમતા વધારવા માટે આ પગલું ભર્યું છે.
આ પણ વાંચો : અમેરિકા-ઈઝરાયલના એક પછી એક જેટ-ડ્રોનને ધ્વસ્ત કરી રહ્યો છે ઈરાનનું આ અચૂક હથિયાર


